જળ અને તીડનો પ્રલય .
કોરોના મહામારીના વ્યાપ અને વિસ્તારના કારણે તેની ભયાનકતાનો અહેસાસ તો હવે દરેક નાગરિકને થઈ ચૂક્યો છે. ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયામાં કોરોના સંબંધિત આંકડા અને અહેવાલોની ભરમાર છે, ત્યારે દેશમાં સર્જાયેલા કેટલાક ઈતર ભીષણ સંકટો પર મોટા જનસમુદાયની આછી-પાતળી જ નજર પડી છે. પડે છે ત્યારે સઘળું પડે છે એ કહેવતને હાલ તો મધ્ય ભારત અને ઊત્તર-પૂર્વના રાજ્યો સાંગોપાંગ અનુભવી રહ્યા છે.
કોરોનાનો કહેર હજુ શાંત થયો નથી અને તેની સામેની શસ્ત્ર વિનાની લડાઈ ચાલુ જ છે, ત્યારે ભારતમાં નવેસરથી તીડના ટોળાંનો હૂમલો થયો છે. પાકિસ્તાનમાંથી ભારતીય સરહદમાં પ્રવેશેલા તીડના ટોળાએ સૌથી પહેલું નિશાન રાજસ્થાનને બનાવ્યું હતુ અને ત્યાર બાદ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ તીડ આતંક ફેલાવી રહ્યા છે.
રસ્તામાં આવતી તમામ હરિયાળીને ઓહિયા કરી જનારા તીડને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, સાથે સાથે કોરોનાની લડાઈમાં હાંફી રહેલા રાજ્યોની સરકારો અને તંત્ર માટે આ નવી મુસીબત માથાનો દુઃખાવો સાબિત થઈ રહી છે. ખેડૂતો પાકને બચાવવા માટે થાળીઓ-ઢોલ વગાડીને તીડની સમસ્યાને દૂર ભગાડવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક તો ડીજેની ધૂનો પણ તીડને સંભળાવી રહ્યા છે, પણ તેનાથી છૂટકારો મેળવવામાટે હજુ વધુ કમર કસવી પડશે તે નક્કી છે.
વૈશ્વિક સંસ્થાઓ ભારત જ નહીં પણ વિશ્વભરમાં ત્રાહિ-ત્રાહિ મચાવનારા તીડના કારણે ભવિષ્યમાં અન્નની સમસ્યા સર્જાશે તેવી ચિંતાજનક ચેતવણી કરી ચૂકી છે, ત્યારે ભારતમાંં હજુ પણ આ દિશામાં તંત્રની પૂરેપૂરી ઉદાસી જોવા મળી રહી છે. અગાઉ પણ તીડના આગમનની સૂચના મળવા છતાં તંત્રની શાહમૃગવૃત્તિને કારણે આખરે તો ખેડૂતોને જ ભોગવવાનું થયું હતુ, અને હવે તીડના નવેસરના હૂમલાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
કોરોના અને તીડની સમસ્યાની સાથે સાથે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના કારણે તોફાન મચાવી રહેલી બ્રહ્મપુત્ર નદીના પૂર ઉત્પાત મચાવી રહ્યા છે. આસામમાં તો પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે. ત્રણ હજારથી વધુ ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે એક હજાર હેક્ટરમાં ફેલાયેલા પાકને પણ ભયંકર નુકસાન થયું છે. પૂરને કારણે નવ લાખથી વધુ લોકોને અસર થઈ છે. આ સમસ્યા એવી છે કે, જેના નુકસાનનો ખરો અંદાજ તો પાણી ઓસરી ગયા પછી જ આવશે.
આસામ અને આસપાસના વિસ્તારોમાંં ભારે વરસાદના કારણે મકાનો-રસ્તા-પૂલો વગેરેને તો ગંભીર અસર થઈ જ છે, સાથે સાથે પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ભૂસ્ખલન પણ ઘાતક સાબિત થતું રહ્યું છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના કારણે ૧૫૦થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને હવામાન ખાતું હજુ પણ વરસાદી વાતાવરણની આગાહી કરી રહ્યું છે, જે લોકોની રાહતની અપેક્ષાઓ પર પાણી ફેરવી રહ્યું છે.
આ વખતે ઈશાનનું ચોમાસુ અને નૈત્યનું ચોમાસુ સમાંતર રીતે આગળ ધપતા ઉત્તર ભારતમાં પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા એક દાયકાથી ચાલુ થયેલું પહાડોનું ધોવાણ આ વરસે પણ અટકે એમ લાગતું નથી. વધુ પડતા વરસાદે ઉત્તર અને પૂર્વના ભૂપૃષ્ઠમાં ધરખમ ફેરફાર કર્યા છે. વધુ પડતો વરસાદ પહાડોના હાડ ગાળે છે અને સતત પાણી ઊંડે ઉતરતા પર્વતોનું આંતરિક બંધારણ તૂટી જાય છે. ભૂકંપના આંચકાઓ દરમિયાનની જમીનની પેટાળની તિરાડો દેખાતી નથી.
ચોમાસાના પાણી દ્રવણશીલ રીતે ત્યાં પહોંચીને એક પથ્થરફોડાની જેમ પહાડોને તોડે છે. પાછલા વરસોમાં નેપાળ અને ભૂતાનના અનેક પહાડો આ રીતે તૂટયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામમાં પણ પ્રલયકારી પૂરના પાણી જમીનને ભારે નુકસાન પહોંચાડે છે.
આપણું હવામાનખાતું હજુ પણ આગાહી કરવામાં બહુ જ મંથર ગતિએ ચાલે છે. ચોમાસાના પહેલા પગલે જ ૧૫૦ નાગરિકો માત્ર વીજળી પ્રહારે મૃત્યુ પામ્યા એ બતાવે છે કે પૂનાની વેધશાળાનું રાજ્ય સરકારો સાથેનું કો-ઓડનેશન સારું નથી.
જો વેધશાળાએ ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્ય સચિવને ગાજવીજ સહિતના વરસાદની સુસ્પષ્ટ આગાહી મોકલી હોત તો માર્યા ગયેલા નાગરિકોમાંથી બહુસંખ્યને તો સરકારે ઉગારી લીધા હોત. ઉત્તર-પૂર્વ ભારતમાં કુલ સ્થળાંતર તો બાર લાખથી વધુ નાગરિકોનું થયું છે.
Comments
Post a Comment