પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જમાં ઘૂસેલા ચારેય આતંકી ઠાર, 6 નાગરિકના મોત નીપજ્યા
કરાચી, તા. 29 જૂન 2020 સોમવાર
કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો. સોમવારે પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જની ઈમારતમાં ચાર આતંકી ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરીંગ કરી. હાલ, ચારેય આતંકીઓ ઠાર મરાયા છે. આતંકીઓની ફાયરીંગમાં 6 લોકોના મોત નીપજ્યા છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, ચારેય આતંકીને ઠાર મરાયા છે. કરાચી ઈન્સ્પેક્ટર જનરલે કહ્યુ કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારાયા છે. રેન્જર્સ અને પોલીસના જવાન ઈમારતની અંદર ઘૂસી ગયા છે તેમજ સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
કરાચીના આઈજીનું કહેવુ છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારી જેવા કપડા પહેર્યા હતા. જે તેઓ ઑફ ડ્યુટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઈ જઈ રહ્યા હતા. જેમાં સંભવત: વિસ્ફોટક હોઈ શકે છે.
જાણો સમગ્ર ઘટના
આતંકવાદીઓએ સ્ટૉક એક્સચેન્જની ઈમારતના મેઈન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરીંગ કરતા ઈમારતમાં ઘૂસી ગયા. આ ફાયરીંગ દરમિયાન એક પોલીસ અધિકારી અને એક સિક્યોરિટી ગાર્ડ ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા છે.
પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવાયા છે. ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટૉક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજામાંથી બહાર નીકાળવામાં આવ્યા છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જના ડાયરેક્ટર અબીદ અલી હબીબે કહ્યુ કે સ્ટૉક એક્સચેન્જની અંદર દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી ગઈ. આતંકવાદી પાર્કિંગ એરિયામાંથી ઘૂસ્યા હતા અને તમામ લોકો પર ફાયરીંગ કરી રહ્યા હતા. આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તારમાં ઘૂસીને સ્ટૉક એક્સચેન્જના મેદાનની બહાર ફાયરીંગ કર્યુ હતુ.
Comments
Post a Comment