માતાપિતાની સેવામાં કિશોરે અતિથિ સામે ઇંટ ફેંકી- જરીક ઊભા'રો....


પૃથ્વીની સાત પ્રદક્ષિણા કરી આવનારને રિદ્ધિ-સિદ્ધિ મળશે એવા ભોળાનાથના આદેશનો અમલ કરતાં ગણપતિએ માતાપિતાની સાત પ્રદક્ષિણા કરીને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી એવી પુરાણકથા છે. રિદ્ધિ-સિદ્ધિ નહીં, ખુદ પરમાત્મા (એકલા નહીં) સ-જોડે આંગણે આવીને ઊભા રહે ત્યારે પણ માતાપિતાની સેવામાં મસ્ત રહે એવા એક કિશોરની આ વાત છે. આવતી કાલે પહેલી જુલાઇએ દેવશયની કે દેવપોઢી એકાદશી છે. ભગવાનમાં નહીં માનનારા ઘણા વાચકો આટલું વાંચીને કહેશે કે ભગવાન પોઢેલા જ છે લેખકડા. જોતો નથી, કોરોના શરૂ થયો ત્યારથી બધા દેવદેવી તાળાબંધ હતા. એ પોઢેલા જ કહેવાય ને...

આ વાત એવા નિરીશ્વરવાદીઓ માટે નથી. દર અષાઢી એકાદશીએ અને કારતક એકાદશીએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા એક ગામમાં હજ્જારો ભાવિકોનો ભક્તિમેળો યોજાય છે. વાત એની કરવી છે. પુંડરિક નામનો એક કિશોર સાચ્ચા સમપત ભાવથી પોતાનાં માતાપિતાની સેવા કરતો. કથાના એક રૂપાંતર (વર્ઝન) પ્રમાણે માતાપિતા દિવ્યાંગ હતાં. એની માતાપિતાની સેવાથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુ સજોડે એને આંગણે પધાર્યા અને બારણેથી બૂમ પાડી- પું..ડ..રિ...ક ! પેલો કિશોર તો માતાપિતાની સેવામાં મગ્ન હતો. એના ગરીબ ઘરમાં સોફાસેટ કે ખુરસી-ટેબલ નહોતાં. નજીકમાં પડેલી એક ઇંટ બારણા તરફ ફેંકી અને કહ્યું આ ઇંટ પર જરીક ઊભા'રો.

ભગવાન પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો એટલે ઇંટ પર ઊભા રહ્યા. નાનકડી ઇંટ પર ઊભા રહેવા માટે શરીરની સમતુલા જાળવી રાખવી જરૂરી થઇ પડે એટલે કમર પર હાથ રાખવાની એમને ફરજ પડી. મરાઠી ભાષામાં ઇંટને વીટ કહે છે. વીટે વર ઊભા તો વિઠ્ઠલ... ઇંટ પર ઊભા રહ્યા એટલે એમનું નામ પડયું વિઠ્ઠલ. રુક્ષ્મણીને મરાઠીમાં રુખમાઇ તરીકે ઓળખાવાયાં. આ વિઠ્ઠલ-રુખમાઇનું એક હજારો વરસ જૂનું પ્રાચીન મંદિર પંઢરપુરમાં છે.

માણસની શ્રદ્ધા કહો કે ચમત્કાર કહો, પંઢરપુરનો ભક્તિમેળો એકવાર જાતે માણવા જેવો છે. આપણા ગુજરાતમાં ભાવિકો દર પૂનમે અંબાજી કે ડાકોર ચાલતાં જાય છે એવું પંઢરપુરમાં બને છે. 

માત્ર દોઢ બે લાખની વસતિ ધરાવતા આ નાનકડા ગામમાં અષાઢી એકાદશીએ છેક નાસિક અને પૂણે જેવા દૂરના સ્થળેથી લોકો પદયાત્રા કરતાં કરતાં આવે છે. એમાંય તમને વારકરી ભજન મંડળીનો ભેટો થઇ જાય તો તો આ પ્રવાસ કાયમ માટે યાદગાર બની જાય. કસવાળું કેડિયું, ધોતિયું અને માથે મરાઠી શૈલીની પાઘડી પહેરેલા પોણો સો- સો વારકરીઓ વજનદાર મંજિરાં વગાડતાં વગાડતાં અભંગો અને ભજનો ગાતાં ગાતાં કેટલાય કિલોમીટરની પદયાત્રા કરીને દૂર દૂરથી પંઢરપુર પહોંચે છે. 

સાવ નાનકડું ગામ છે અને માત્ર દોઢ બે લાખની વસતિ છે. ત્યાં બહારથી ગામની કુલ વસતિ કરતાં અનેકગણા લોકો આવે છે છતાં કદી ગંદકી, ગેરવ્યવસ્થા કે અરાજકતા થતાં નથી. મંદિરની પાછળ છતાં અડોઅડ ચંદ્રભાગા નદી છે. અષાઢી એકાદશી નિમિત્તે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે એટલે ચંદ્રભાગા બેઉ કાંઠે છલકાતી હોય છે.

એમાં લાં..બી પદયાત્રા કરીને આવેલા ભાવિકો ઉત્સાહભેર ડૂબકી મારે છે. એ પછી વિઠ્ઠલ-રુખમાઇના દર્શન માટે શિસ્તબદ્ધ કતારમાં ગોઠવાઇ જાય છે. જો કે આવા પ્રસંગે પણ પોલિટિશ્યનો વીઆઇપી તરીકે આવીને ગર્ભગૃહમાં ઘુસી જાય છે અને ગરીબ યાત્રાળુઓને કલાકો સુધી તપ કરાવે છે.

આજે એકલા અમદાવાદમાં ચૌદ પંદર વૃદ્ધાશ્રમો છે. ગુજરાત રાજ્યમાં તો અનેક વૃદ્ધાશ્રમો હશે. એવા સમયે એક ગરીબ ખેડૂત પરિવારના કિશોરે માતાપિતાની સેવા દ્વારા પરમકૃપાળુ પરમાત્માને પોતાને આંગણે આવવાની ફરજ પાડી એ કથા સમયોચિત છે. અત્યારે કોરોના ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પંઢરપુરનો વિરલ ભક્તિમેળો યોજવા દે છે કે નહીં એની જાણ આ લખતી વેળા (રવિવાર ૨૮ જૂનના દિવસે) નહોતી. સમય અને સગવડ હોય તો એકાદવાર આ શ્રીતીર્થની મુલાકાત લેવા જેવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે