માનવ તસ્કરીમાં વૃદ્ધિ


હ્યુમન ટ્રાફિકિંગ અર્થાત્ માનવ તસ્કરી યુગો જૂની સમસ્યા છે. હમણાં અમેરિકન વિદેશ મંત્રાલયે આ સાલનો ટ્રાફિકિંગ ઇન પર્સન્સનો રિપોર્ટ બહાર પાડયો છે. તેમાં દરેક દેશમાં થતા આ અધમ ગુનાખોરીને લગતા આંકડાઓ છે. એ રિપોર્ટમાં ભારતની જે સ્થિતિ છે તે ધ્યાન ખેંચનારી અને ચિંતાજનક છે. અમેરિકન વિદેશ ખાતાના રેટિંગ મુજબ આ વર્ષે પણ ભારતમાં હ્યુમન ટ્રાફિકિંગની પરિસ્થિતિમાં જરા પણ સુધારો નથી આવ્યો. 

ભારત ગઈસાલ પણ ટીયર-ટુ કેટેગરીમાં હતું અને આ વર્ષે પણ એ જ સ્થિતિમાં છે. આ દૂષણ અટકાવવા માટે ભારતે પોતાના તરફથી ઘણી કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં. માનવ તસ્કરીની બાબતમાં ભારત જૈસે થેની સ્થિતિમાં જ ઊભો રહેલો દેશ છે. આજે પણ અખાતી દેશોમાં દક્ષિણ ભારતના હજારો કામદારો ફસાયેલા છે કે જેના સુધી સરકાર પહોંચી શકી નથી.

પાકિસ્તાન એક સમયે આગળ હતું. પરંતુ આ વર્ષે તે પણ એક સ્ટેપ નીચે ઉતરીને ટીયર-ટુના વોચલિસ્ટમાં આવી ગયું છે. ચીન તો વધુ પાછળ ધકેલાઈને ટીયર-થ્રિ કેટેગરીમાં પહોંચ્યું. રિપોર્ટમાં તો સ્પષ્ટપણે એવું લખ્યું છે કે હ્યુમન ટ્રાફિકિંગનું દૂષણ અટકાવવા માટે ચીનની સરકાર કોઈ જ પ્રયત્નો કરી રહી નથી. અર્થાત્ આ મામલામાં ચીન, પાકિસ્તાન કરતા પણ નીચલી કક્ષાએ છે અને આ વાત ચીનની તાસીર પણ બતાવે છે.

ભારત વિશે એ રિપોર્ટમાં એ મતલબની વાત છે કે દુનિયાના હ્યુમન ટ્રાંફિકિંગના નકશામાં ભારતનું એક આગવું નકારાત્મક સ્થાન છે. જો કે આનાથી ઉલટી વાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા ઉપર નજર નાખીએ તો જાણવા મળે કારણ કે એમાં તો ભારતની સ્થિતિ સતત બેહતર બની રહી છે. એ જ બ્યુરોના આંકડા મુજબ ૨૦૧૬ની સાલમાં ઇન્ડિયન પિનલ કોડ મુજબ માનવ તસ્કરીના અપરાધની વ્યાખ્યામાં સમાવિષ્ટ ૫૨૧૭ કેસ નોંધાયા હતા.

તો એના પછીના વર્ષે એટલે કે ૨૦૧૭ માં ગુનાઓની સંખ્યા બહુ ઘટીને ૨૮૫૪ પર પહોંચી હતી. ઈ. સ. ૨૦૧૮ માં તો ફક્ત ૧૮૩૦ જેટલા કેસ નોંધાયા થયા. મુશ્કેલી એ છે કે આ આંકડાઓ ઉપરથી એ ખ્યાલ નથી આવતો કે ભારતમાં આ દૂષણ બાબતે ગુનાખોરી ઘટવાનું કારણ શું ? એક શંકા એ પણ ઉપજે કે શું હ્યુમન ટ્રાંફિકિંગના કેસોની નોંધણી જ સાવ ઘટાડી નાખવામાં આવી છે? અમેરિકન રિપોર્ટ કઇંક બીજું કહે છે અને ભારતીય બ્યુરો બીજી હકીકત દર્શાવે છે.

આપણે ત્યાં છેલ્લા ચાર-પાંચ વરસથી વાસ્તવિક આંકડાઓ સાથે છેડછાડ કરવાનો જે રોગ ભાજપે સરકારી તંત્રને લગાડયો છે એનો પ્રભાવ માનવ તસ્કરીના આંકડાઓ પર પણ પડયો છે. ભારતના કે વિદેશના નાગરિકોની માનસિકતા નથી બદલી. શ્રમનું શોષણ કે શરીરનું શોષણ જેવા દૂષણો સમાજમાં ખૂબ ભયજનક રીતે વ્યાપેલા છે. નિઃશંકપણે સરકારે ગયા વર્ષે મુઝફ્ફરપુર અનાથાશ્રમમાં જે કાંડ થયેલો તેમાં બહુ જ ઝડપ દાખવી હતી પરંતુ આખો કાંડ જે રીતે પ્રકાશમાં આવ્યો એમાં તંત્રની કોઈ ભૂમિકા હતી નહીં.

ભારતમાં આ દૂષણ ખૂબ પ્રસરેલું છે તેવો ખ્યાલ અનેક સ્ત્રોતો દ્વારા મળે છે. ૧૯૭૬માં ત્રણ લાખ તેર હજાર જેટલા બંધક શ્રમિકોની ઓળખ કરવામાં આવી હતી પરંતુ સ્વયંસેવી સંસ્થાઓના સર્વેક્ષણ મુજબ બંધક હોય તેવા લોકોની સંખ્યા ઓછામાં ઓછી એંશી લાખ જેટલી માનવામાં આવે છે. એને બંધુઆ મજુરો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોનો રિપોર્ટ સાચો અને જમીની વાસ્તવિકતા શું એ નક્કી કરવું અઘરું છે.

આંકડાની માયાજાળ ઘણી વખત સત્ય છુપાવવા માટે રચવામાં આવતી હોય છે. ગુનાખોરી વિશે માધ્યમોમાં આવતા સમાચારો અને સરકારી આંકડાઓ વચ્ચે ઘણો ફરક જોવા મળતો હોય છે જે છેવટે તો મૂંઝવણ પેદા કરે છે. રિપોર્ટ પરથી એક મુદ્દો એ પણ ધ્યાનમાં આવ્યો છે કે પોલીસ એ પીડિતોની વિરુદ્ધ પણ કેસ દાખલ કરે છે જે ગુના તેને બંધક બનાવનારા ગુંડાઓએ જબરદસ્તી કરાવ્યા હોય. તેને કારણે પીડિતોની હિમ્મત પણ ભાંગી જતી હોય છે અને પોલીસ પાસે આવવાનો તેનો વિકલ્પ બંધ થઈ જતો હોય છે. હ્યુમન ટ્રાફિકર્સ આવી સ્થિતિનો ગેરફાયદો ઉઠાવતા હોય છે.

માનવ તસ્કરી કરનારા પરિબળો સદાય પોતે જેને ઉઠાવી લઈ જાય છે તેની પાસે સિલસિલાબંધ અપરાધો કરાવે છે. ભારતમાં લાખો લોકો માનવ તસ્કરીનો ભોગ બને છે એવો એક અંદાજ છે. પરંતુ મોટા ભાગના કેસ ધ્યાનમાં નથી આવતા. માણસને બંધક બનાવીને નોકર તરીકે કે ભીખ માંગવાના કામમાં કે કોઈ કારખાનામાં મજૂરી કરવા માટે રાખી દેવામાં આવે છે.

સ્ત્રીઓ અને નાની બાળકીઓના અપહરણ થાય છે. ગરીબ સમાજના આવા કિસ્સાઓ લોકોની સમક્ષ આવતા નથી. તેમને જાતીય શોષણ કે દેહવ્યાપાર જેવી ગુનાખોરીમાં ધકેલી દેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો