થોડીવારમાં PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ, અમિત શાહે ટ્વીટમાં લખ્યું- 'IMPORTANT!'
નવી દિલ્હી, તા. 30 જૂન 2020, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે જેને લઈ સૌ કોઈ આતુર છે કે વડાપ્રધાન મોદી શું બોલશે? વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટ્વિટ કરી છે. અમિત શાહે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, તમે લોકો ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન જરૂરથી સાંભળો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે તેને લઈ દરેક વ્યક્તિ વડાપ્રધાન મોદી કયા મુદ્દે વાત કરશે તે વિચારી રહ્યું છે. દરેક વ્યક્તિના મનમાં સવાલ છે કે વડાપ્રધાનની પ્રાથમિકતા શું હશે. એલએસી ખાતે ચીન સતત ભારતીય સેનાને છંછેડી રહ્યું છે તો તેને પાઠ ભણાવવા મોદી કોઈ યોજના રજૂ કરશે કે કોરોના મામલે કોઈ મોટી જાહેરાત કરશે વગેરે સવાલો થઈ રહ્યા છે.
આ તરફ દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતે જ જણાવ્યું છે કે હજુ સુધી બે હાથનું અંતર અને ફેસ કવર જ કોરોના સંક્રમણથી બચવાનો એક માત્ર રસ્તો છે. ત્યાર બાદ પહેલી જુલાઈથી અનલોક-2 પણ લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે સૌની નજર વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન અને તેઓ ફરી એક વખત જનતાનો સંપર્ક કરશે તેના પર અટકી છે.
સૌને આશા છે કે વડાપ્રધાન મોદી ચીનની દુષ્ટતા પર બોલી શકે છે. આવું લાગવાનું કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના એક દિવસ પહેલા જ ભારત સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે. ભારતે ચીનની 59 એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આ તમામ એપ્સને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A અંતર્ગત બેન કરવામાં આવી છે.
એપ્સ બેન કરવા માટે સરકારે રજૂ કરેલ કારણો
- તેનાથી ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ અને એકતાને જોખમ હતું.
- એપ્સના કારણે 130 કરોડ ભારતીયોના ડેટાની સુરક્ષા જોખમમાં હતી.
- યુઝર્સનો ડેટા ચોરીને ગેરકાયદેસર રીતે ભારતની બહાર રહેલા સર્વરમાં મોકલવામાં આવતો હતો.
- આ એપ્સના કારણે લોકોની પ્રાઈવેસી જોખમમાં હતી.
- સંસદની અંદર અને બહાર પણ આ એપ્સને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
Comments
Post a Comment