એન્ટિટોક્સિનનો સ્ટોક મંગાવવા સ્લેજગાડીની રિલે રેસ

સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-13

સ્લેજની રિલે રેસ દિવસ-રાત 24 કલાક સતત ચાલુ રાખવાનું આયોજન

હિમવર્ષા કે હિમ ઝંઝાવાત વચ્ચે પણ ડ્રાયવરે સ્લેજગાડી હંકારતા રહેવાનું


મેં જોયું કે  મેલ ટીમનો એ ડ્રાયવર એ જ હાલતમાં ઠરીને પુરેપુરો ઠંડો પડી ગયો 'તો...અર્થાત  ભયંકર ઠંડીમાં એ ડ્રાયવર સ્લેજગાડીમાંથી માંડ માંડ  ઉતરીને ટેન્ટમાં જવા નીચે નમ્યો હશે, એ વેળા જ બરફીલી ઠંડીમાં થીજી ગયો હશે. બીજુ મેં  એ જોયું કે તેના મોઢામાં દાંત વચ્ચે દીવાસળી હતી અને બે ઘૂંટણ વચ્ચે દીવાસળીની પેટી દબાવેલી હતી. એ ડ્રાયવરના બન્ને હાથ ઠંડીમાં ઠરીને ઠીકરૂ થઇ જવાથી તેણે મોઢામાં દીવાસળી રાખી બે ઘૂંટણ વચ્ચે દીવાસળીની પેટી રાખીને મોઢું નીચું કરી દીવાસળીને પેટી સાથે ઘસીને સળગાવવાનો પ્રયાસ કર્યો હશે અને આ સમય દરમિયાન અતિશય  ઠંડા સુસવાટામાં તે પોતે  પુરેપુરો ઠરી ગયો હશે. અને એ જ હાલતમાં અત્યારે એ ડ્રાયવરને વિલિઅમ મિશેલ જોઇ રહ્યા હતા... તેમના સ્મૃતિપટ પર આ કરૂણ દ્રશ્ય એવું અંકાઇ ગયું કે અલાસ્કાના સંસ્મરણો વિષે તેમણે લખેલ પુસ્તકમાં આ દ્રશ્યનો ખાસ ઉલ્લેખ કર્યો છે. 

એક તરફ ઝડપી સ્લેજગાડી માટે પુરજોશમાં તૈયારી થઇ રહી હતી, તો બીજી તરફ નોમ માટે એવા સારા સમાચાર આવી રહ્યા હતા કે અલાસ્કાના એન્કરેજ ટાઉનમાં એન્કરેજ રેલરોડ હોસ્પિટલના ચીફ સર્જન ડો. જહોન બ્રેડલી બિસનનો એક સારો સંદેશ આવ્યો કે અમારી પાસે ૩૦૦,૦૦૦ યુનિટ એન્ટિટોક્સિનનો સ્ટોક છે. નોમ ટાઉનમાં ડિપ્થેરિઆની મહામારી ફાટી નીકળ્યાના ન્યૂઝ સાંભળીને તુરંત ડો. જ્હોન બ્રેડલીએ નોમના ડોક્ટરને તાકીદે ઉપરોક્ત સંદેશો પાઠવી દીધો એટલું જ નહીં, તેમણે અલાસ્કાના ગવર્નર સ્કોટ બોનને પણ અર્જન્ટ ટેલિગ્રામ મોકલ્યો કે, 'અહીની રેલ્વે હોસ્પિટલમાં ૩૦૦,૦૦૦ યુનિટ સિરમનો સ્ટોક છે. અહીંથી આ સ્ટોકના પેકેેટ્સ રેલ્વે દ્વારા હું નેનાના ટાઉન મોકલી દઉં, પણ ત્યાંથી પછી સિરમનો આ સ્ટોક 'મેલ ટીમ ' કે પછી બીજી સ્લેજ ગાડી દ્વારા નોમ મોકલવાની વ્યવસ્થા કરવી પડે.''

આ સાથે બીજી પણ એક સારી ખબર આવી. વેસ્ટ કોસ્ટની કેટલીક હોસ્પિટલોમાં બધું મળીને એકંદરે ૧૧ લાખ યુનિટ એન્ટીટોક્સિનનો સ્ટોક હોવાની પબ્લિક હેલ્થ સર્વિસને માહિતી મળી. દવાનો આ સ્ટોક ભેગો કરીને સૌ પહેલા સિએટલ સિટિ મોકલીને પછી ત્યાંથી તે અલાસ્કા મોકલવાની વ્યવસ્થા કરવાની રહે. સિએટલ પોર્ટ પરથી બોટ દ્વારા અલાસ્કાના સેવાર્ડ બંદરે દવા મોકલવી પડે. જહાજને સિવાર્ડ પહોંચતા છ થી સાત દિવસ લાગે, પરંતુ તેમાં બીજી તકલીફ એ હતી કે જહાજ અત્યારે મધદરિયે હતું, જે તા.૩૧મી જાન્યુઆરીએ સિએટલ બંદરે  આવનાર હતું, તે પહેલાં નહી. નોમમાં  તા. ૨૧ જાન્યુઆરીએ મહામારી ફાટી નીકળી હતી. ૩૧ જાન્યુઆરીએ જહાજ સિએટલ આવે અને ત્યાંથી દવાનો સ્ટોક લઈ જહાજ રવાના થાય તો છ દિવસે અલાસ્કાના સેવાર્ડ બંદરે પહોંચે અને ત્યાંથી નોમ પહોંચતા બીજા દશ- પંદર દિવસ નીકળી જાય. આટલા બધા દિવસો દરમિયાન તો નોમમાં ડિપ્થેરિઆની મહામારીમાં કદાચ સેંકડો બાળકોનો ભોગ  લેવાઈ જાય એટલે સિએટલથી દવાનો સ્ટોક મંગાવવાના બદલે એન્કરેજ ટાઉનથી ડો જોહન બ્રેડલી બિસન જો ટ્રેનમાં દવાનો સ્ટોક નિનાના ટાઉન મોકલે તો  ત્યાંથી સ્લેજ ગાડીઓ દ્વારા વધારે ઝડપથી દવાનો સ્ટોક નોમ ટાઉન પહોંચાડી શકાય. આથી અલાસ્કાના ગવર્નર  સ્કોટ સી.બોને ડો. બિસનને સૂચના આપી કે તમે સત્વરે દવાના પેકેટસ તૈયાર કરી ટ્રેન દ્વારા નિનાના ટાઉન મોકલવાની તાબડતોબ વ્યવસ્થા ગોઠવી દો. પછી ત્યાંથી દવાનો સ્ટોક નોમ સુધી કઈરીતે મોકલવો તેની વ્યવસ્થા હું ગોઠવી દઈશ.

ડો. બિસન અત્યંત તેજસ્વી અને સક્ષમ  ડોકટર હતા અને આખા અલાસ્કા રાજયમાં તેમની ગણના એક નિષ્ણાત સર્જન તરીકે થતી હતી.

તા.૨૬ જાન્યુઆરીની બપોર સુધીમાં ગવર્નર બોને નિનાના રેલ્વે સ્ટેશનેથી દવાનો જથ્થો સ્લેજગાડી દ્વારા નોમ પહોંડવાનો મહત્વનો નિર્ણય લઇ લીધો...નોમ ટાઉનમાં વહેલી તકે દવા પહોંચાડવા માટે સ્લેજગાડીની રિલે રેસ જેવી વ્યવસ્થા ગોઠવાઇ...

નિનાના સ્ટેશનેથી એક સ્લેજગાડીમાં દવાના પેકેટ્સ ભરીને ડ્રાયવર આ સ્લેજગાડી શક્ય  તેટલી વધારે ઝડપે દોડાવીને અમુક અંતર સુધી જાય, ત્યાં બીજી સ્લેજગાડી તૈયાર ઊભી હોય તેમાં દવાના પેકેટસ મુકીને નવો ડ્રાયવર તેની સ્લેજગાડી પુર ઝડપે આગળ દોડાવે. 

સ્લેજગાડીઓની આ રિલે રેસ માટે કેટલાક ચોક્કસ નિયમો નક્કી કરાયા - (૧) રેસ  દરમિયાન રાત કે દિવસ નહી જોવાના, (૨)  હિમ ઝંઝાવાત કે હિમ વર્ષા જેવા અત્યંત વિષમ હવામાનમાં પણ સ્લેજગાડીની દોડ અટકાવવાની નહીં, (૩) સ્લેજગાડીના ડ્રાયવરે તેને નિશ્ચિત કરી આપેલા મુકામ સુધી પહોંચવામાં રસ્તે ક્યાંય આરામ માટે જરાય રોકાવાનું નહીં.

ગવર્નર બોને નેનાના ખાતેના પોસ્ટ ઓફિસ ઇન્સ્પેકટરને આ વિષે તાકીદનો સંદેશો મોકલ્યો. મેલ ટીમની સ્લેજગાડીના અત્યંત બાહોશ અને ઝડપી ગતિએ ગાડી હંકારતા ડ્રાયવરો સાથે પોસ્ટના  ઇન્સ્પેકટરોનો રોજનો સંપર્ક રહેતો હોવાથી ગવર્નરે આવા બાહોશ ડ્રાયવરોની યાદી તૈયાર કરી તેમને સ્લેજગાડીઓની એક જુદા જ પ્રકારની રિલે રેસ માટે તૈયાર રાખવાની સૂચના પણ ઇન્સ્પેકટરને મોકલાવી.

ગવર્નરે સંદેશામાં ખાસ લખ્યું કે આ સ્લેજગાડીઓનો ખર્ચ અલાસ્કાનું વહીવટીતંત્ર ભોગવશે. 

બીજી તરફ ગવર્નર સ્કોટ સી. બોને, નોમના ડો. વેલ્ચને પણ તાબડતોબ એક સંદેશો પાઠવ્યોઃ- પોસ્ટ ખાતાના ઇન્સ્પેક્ટરને સ્લેજગાડીઓ માટે સૌથી ઝડપી દોડ લગાવે તેવી ડોગ્સ ટીમો ભાડે લઇ લેવા સૂચના આપી દીધી છે. નિનાના રેલ્વે સ્ટેશને દવાના પેકેટ્સ ઊતરે કે તુરત સ્લેજગાડીમાં નાંખીને તેજ ગતિએ તનાના ટાઉન સુધી દવા પહોંચાડવાની છે. ત્યાં સુધીમાં સ્લેજગાડીના ડ્રાયવર અને ડોગ્સ થાકી ગયા હોવાથી તનાના ટાઉનમાં તૈયાર રખાયેલી બીજી સ્લેજ ગાડીમાં દવાના પેકેટ્સ મુકીને એ સ્લેજગાડી રૂબી ટાઉન પહોંચશે. ડો. વેલ્ચ, તમે નોમથી તાબડતોબ સ્લેજ ગાડી રૂબી ટાઉન મોકલી આપો, જેથી દવાના પેક્ટસ તેમા મુકીને એ સ્લેજગાડી પરત નોમ ટાઉન આવવા નીકળી પડે..''

નેનાના અને નોમ વચ્ચે ૬૭૪ માઇલનું અંતર છે. પોસ્ટ ખાતાની મેલ ટીમોને આટલું અંતર કાપતા ખાસ્સા ૨૫ દિવસ લાગે છે, કારણ કે મેલ ટીમની સ્લેજ ગાડીના ડ્રાયવરો રાત્રે ગાડી હંકારતા નથી. વળી દિવસે પણ તેઓ સ્લેજ હંકારતી વેળા વચ્ચે વચ્ચે ચા-નાસ્તા માટે રોકાતા હોવાથી નોમ સુધી પહોંચતા તેમને ૨૫ દિવસ લાગે છે.

પરંતુ નેનાનાથી નોમ દવાનો સ્ટોક તાબડતોબ શક્ય એટલી વહેલી તકે પહોંચાડવાનો હોવાથી સ્લેજ ગાડીના ડ્રાયવરો માટે ખાસ નિયમો ઘડવામાં આવ્યા, જેમાં ડ્રાયવરને રસ્તામાં આરામ માટે એક પણ પળ રોકાવા પર પાબંધી લગાવી દેવાઇ હતી. 

નેનાનાથી નોમ જતા રસ્તામાં જે કોઇ  ગામ કે ટાઉન આવે ત્યાં ફાસ્ટ ડ્રાઇવર સાથેની સ્લેજ ગાડી તૈયાર રાખવા માટે સૂચના આપી દેવાઇ હતી. આમ નેનાનાથી નોમ સુધીમાં વચ્ચે વચ્ચે નવી સ્લેજ ગાડી અને તેનો નવો ડ્રાયવર આવી જતો હોવાથી રસ્તામાં ક્યાંય આરામ માટે રોકાવાની ડ્રાયવરને જરૂર ના પડે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો