ઘરે બેઠાં કલાના છમકલા અને રોગચાળા વચ્ચે રાગચાળા
લોકડાઉનની બલિહારી જુઓ કૈંક લોકો ઘરમાં નવરા બેઠા જાતજાતની કલાના છમ-કલા કરતા થઈ ગયા રોગચાળા વચ્ચે કેટલાય 'રાગ-ચાળા' કરવાને રવાડે ચડી દયા. કોઈને શું ગમ પડે ? એવું સુ-ગમ સંગીત ગાવા માંડયા. લોકગીતને બલે લોક-ડાઉનગીક ગાંવા લાગ્યા. કોઈ વળી તાલવાદનના શોખીનો ટેબલ ઉપર તાલ આપી આપીને તબલચીને બદલે ટેબલચી બની ગયા. બાંધકામની સાઈટ પર કામ બંધ થતા તગારા ઉંધા કરી નગારા વગાડતા શીખી ગયા.
લોકડાઉનમાં ઢીલ આપવામાં આવતાની સાથે જ સવારના પહોરમાં પથુકાકાનો બેસૂરો અવાજ કાને પડયોઃ બાલ કૈસા હૈ જનાબ કા ક્યા ખ્યાલ હૈ આપકા... મેં બારણું ઉઘાડીને ઘણાં વખતે પથુકાકાને જોઈને રીતસર ચોંકી ગયો. મેં પૂછ્યું અરે કાકા? આવી વિચિત્ર હેરસ્ટાઈલ ક્યા કરાવી આવ્યા? આવા વાળ કેમ કપાવ્યા?'
પથુકાકા માથે હાથ ફેરવીને વાળની લટ ઉલટપલટ કરતા બોલ્યા 'આ મારી ગાર્ડન-કટ હેરસ્ટાઈલ છે' તને બીજે ક્યાંય જોવા નહીં મળે. મેં પૂછ્યું 'ગાર્ડન-કટ સ્ટાઈલનો મતલબ શું? જરા સમજાવો તો ખરા? ખોંખારો ખાઈને પથુકાકા બોલ્યા 'ઘણા દિવસે બગીચાના દરવાજા ખુલ્યા ને એટલે જરા મોર્નિંગ વોક લેવા પહોંચી ગયો. ચાર-પાંચ આંટા મારીને થાક્યો એટલે બાંકડા પર બેસી ગયો. ફરફરાટ હવા આવતી હતી એવાં ઝોડું આવી ગયું અને માથું બાંકડા પર ઢાળી દીધું એમાં બગીચાનો માળી આડીઅવી ઉગી નીકળેલી મેંદીની વાડ કાપવા નીકળ્યો. હવે બરાબર હું જ્યાં સૂતો'તો ત્યાંની વાડ કાપવા ગયો એમાં એનું ધ્યાન ન રહ્યું, એમાં વાડની ભેગા મારા વાળ પણ કપાઈ ગયા બસ એટલે જ મેં આ હેરસ્ટાઈલને નામ આપ્યું છેગાર્ડન-કટ આજકાલના જુવાનિયાઓ શાહુડીના પીછાંજવાં સ્પાઈક કટ, અનાનસ-કટ અનેફલાવર-બુકેકટ જેવી હેર સ્ટાઈલરાખે છે તોહું કેમ ગાર્ડન-કટ ન રાખું? આમેય મારી લાઈફમાં કટ-કટ જ છેને? નોકરીએ ન જવાય ત્યારે પગાર-કટ, મોંઘવારીમાં ખર્ચા-કટ, માથે ગાર્ડન-કટ અને સાથે કાકીની કાયમી કટ-કટ... એટલે મારો કેશ-કલાપ જોઈને ભલે જેને જે કહેવુ હોય એ કહે, પણ હું તો બસ ભૈરવી રાગમાં યાહૂ સ્ટાર શમ્મી કપૂરનું જ ગીતગાંગરૂં છુઃ ચાહે કોઈ મુઝે જંગલી કહે... કહેને દો જી કહેતા રહે...
મેં કાકાને દાદ આપતા પૂછ્યું 'તમે પણ લોકડાઉનમાં નવરાશનો સદુપયોગ કરી રોગચાળા વચ્ચે રાગચાળો કરવાનું શીખી ગયા? પણ આ (હો) બાળાકાકી શીખ્યો કે નહીં?' પથુકાકા હસીને કહે કે 'તારા કાકી માંડ શીખ્યા માંડ' મેં નવાઈભેર પૂછ્યું માં શું શીખ્યા કહો તો ખરા?' ત્યારે વધુ જોરથી હસીને કાકા બોલ્યા 'અરે ભાઈ માંડ શીખ્યા એટલે સંગીતના માસ્તર પાસેથી જેમતેમ શાસ્ત્રીય રાગ માંડ શીખ્યા અને બસ એ રાગમાં 'પાકીઝા'નું ગીત થાડે રહિયો ઓ બાંકે યાર ગીતના શબ્દોની ઐસીતૈસી કરી ગાતા-ગાંગરતા રહે છેઃ ભાડે રહિયો ઓ બાંકે યાર રે ભાડેરહિયો...' મેં ટકોર કરી કે ' કાકીના આ ગીતને સાંભળી કોઈ 'પાકીઝા'ને બદલે 'કાકીઝા ( કે કાકી-જા) ફિલ્મ બનાવે તો કહેવાય નહીં.
બે-ત્રણ દિવસ થયા એટલે જરા ચક્કર મારવા નીકળ્યો કાકાના ઘરની બહાર લાકાડાની જૂની સીડી પડેલી જોઈ મેં બારીમાં ઊભો રહી વિન્ડો શોપિંગ નહી પણ વિન્ડો જોકિંગ કરતા કાકાને પૂછયું કે 'આ લાકડાની સીડી કેમ બહાર ફેંકી દીધી' પથુકાકા બોલ્યા 'આ બધા તારી કાકીના કામ છેય' મેં કહ્યું કાકીએ કેમ સીડી બહાર નાખી? ત્યારે કાકાએ ફોડ પાડીને કહ્યું કે 'બે દિવસ પહેલાં તે કાકીના કંઠના (ખોટા) વખાણી કરીને તેં સૂચન કર્યું હતું ને કે કાકી તમારી સી.ડી. બહાર પાડો એટલે તારીકાકીએ એ જ વખતે સૂચનનો અમલ કર્યો.ઘરમાં મેડા ઉપર ચડવા લાકડાની સીડી હતી એ ઉંપાડીને બહાર પાડી.
અમારી સોસાયટીમાં એક દિવસ ભરબપોરે ધમાધમ થવા માડયું પહેલાં મને અને કાકાને લાગ્યું કે અથાણા અને મસાલાની સિઝનમાં બહેનો કંઈ ખાંડતી હશે. પણ કાકાના કાન મારાથી વધુ સરવા. એટલે કાનસેન કાકા કહે કે આ ધમાધમી કંઈક ખાંડવાની નથી. તાલબદ્ધ રીતે અવાજ આવે છે એટલે નક્કી નાચવાની પ્રેકટીસ ચાલતી હોય એવું લાગે છે. ચાલ અગાશીમાં જઈને જોઈ આવીએ.
હું અને કાકા ચાર દાદરા ચડીને અગાશીમાં પહોંચ્યા જોયું તો સોસાયટીની આઘેડ મહિલાઓને એક ડાન્સ ટીચર નૃત્ય શીખવતી હતી ઈન્સ્ટ્રકશન આપતી હતી કે બહેનો નાચવા જેવી શ્રેષ્ઠ કસરત કોઈ નથી મન મૂકીને નાચો, જોશભરેનાચો, તાલબદ્ધ રીતે નાચો...
આ સૂચનાનું પાલન કરીને (હો) બાળાકાકી સહિત બધી મહિલાઓ અને ભારેખમ ભાર્યાઓ ગાતી જતી હતી. ગીતના શબ્દો બરાબર સમજાતા નહોતા. પણ ગીતના ઢાળને આધારે કાકાએ બંધબેસતા શબ્દો ગોઠવી દીધાઃ
એય ચરબીએ ભરી
આ કાયા ને
વચ્ચેથી બાંધી ફાંદ રે
ઝીલણ ઝીલવા ગ્યા'તા
પથુકાકાએ ટેરેસ ઉપર ધમાધમી કરતી આ ટેરેસાઓને કહ્યું કે 'આપણાં આ જૂના મકાનમાં રિપેર બોર્ડવાળાએ ટેકા મૂક્યા છે ખબર છેને? એટલે બહુ ઠેકડા મારી ધમાધમી કરતા નહીં હો?' આ શિખામણ સાંભળતાની સાથે જ (હો) બાળાકાકી આગળ ધસી આવ્યા અને સામા તાડૂક્યા કે ડહાપણ કરવાનું રહેવા દો અને અમને સુખે નાચવા દો, ધણિયાણીથી ધણધણી ઉઠે એવાં કેમ ધણી થયા છો? ઘરભેગા થાવ, અમે પછી આવીએ છીએ.
હું અને કાકા સડસડાટ દાદરો ઉતરી ગયા ઘરમાં પહોંચીને કાકાબોલ્યા કેઃ
એવી ઘરવાળીથી પ્રભુ બચાવે
જે પહેલાં આંખો નચાવે
ને પછી 'આખો' નચાવે
કાકાને કહ્યું કે'હશે, ભલેને બહેનો ડાન્સ સાથે એક્સરસાઈઝ કરી શરીર સપ્રમાણ બનાવે? તમને શું વાંધો છે?' કાકા મને હાથ ઝાલી કિચનમાં લઈ ગયા. જાતે ધસેલા વાસણના ઢગલાં સામે આંગળી ચિંધી પંચ-લાઈના સંભળાવી કેઃ
લોકડાઉનના પગલે
આવી ગયું કેવુંપરિવર્તન
ધણી ધસે બર્તન
અને ધણિયાણી કરે નર્તન.
જોડે રે'જો રાજ કે
વાવાઝોડે રે'જો રાજ
પહેલાં ગવાતું જોડે રે'જો રાજ....જોડે રે'જો રાજ...પણ મહામારીને પગલે આધા આધા રહેવાનું શીખવું પડયું થોડે થોડે દૂર રહીને ગાતા થયા કે જોડે રે'જો રાજ. હજીતો મહામારીના મરણતોલ ફટકાથી સહુના કટકેકટકા થયા એની કળ નહોતી વળી ત્યાં તો ઉપરાઉપરી વાવઝોડા ફૂંકાયા. એટલે પછી ગાવાનો વારો આવ્યો કે વાવાઝોડે રે'જોરાજ...
હું અને કાકા ઘણા દિવસે અનલોક ડાઉન પછી ઓટલે બેસીને ગામગપાટા મારતા હતા. હમણાં જ ફૂંકાયેલા વાવાઝોડાની વાતો કરતા હતા.ત્યાં અમારા જ મકાનના નવા જ પરણેલા પરપ્રાંતીય કપલને બનીઠની બહાર નીકળતું જોયું આ કપલને જોઈ મારાથી તરત બોલાઈ ગયું કે વાહ વાહ શું જોડું છે? આ સાંભળીને દિલના દાઝેલા કાકા છણકો કરીને બોલ્યા કે'આ નવા નવા પરણેલા નીકળે ત્યારે વાહ વાહ જોડું જ લાગે, પણ પછી મારી જેમ (હો) બાળાકાકી જેવી ધણિયાળી ભટકાય ત્યારે સહુ બોલી ઉઠે છેકે આ વહુ છેકે વાવાઝોડું છે?'
મેં હસીને કહ્યું 'કાકા વાવાઝોડા તો ફંટાઈ જાય,' ત્યારે કાકા બોલ્યા 'ઈ પવનનાવાવાઝોડા ફંટાઈ જાય, પણ વિવાદરૂપી વાવાઝોડામાં મારા જેવાં કંઈક અંંટાઈ જાય.
મેં હસીને કહ્યું 'મને લાગે છે કદાચ આ જ કારણસર વાવાઝોડાને મોટે ભાગે મહિલાઓના નામ અપાય છે.રીટા, સોફિયા, નર્ગિસ વગેરે વગેરે...' વાતનો તંતુ પકડી કાકાએ આગળ ચલાવ્યું 'આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું ફૂંકાયું એણે કેવો દાટ વાળી નાખ્યો જોયું ને? મને બરાબર યાદ છે ત્રણેક વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળમાં અને બાંગલાદેશમાં ઓખી વાવાઝોડું ફૂંકાયું હતું. બંગાળી ભાષામાં આંખને ઓખી કહે છે ને? એટલે વાવાઝોડાને ઓખી નામઅપાયું હતું. મારો તો અનુભવ છે પત્ની અને પવનની દિશા નક્કી નહીં, કંઈ તરફ ફૂંકાય એનો નેઠો નહીં. નવી પરણેલી વહુ આંખો લડાવે અને પછી વખત વિતતા વટકે તો આખો (દિવસ) લડાવે. એટલે ઓખી નામ બહુ જ બંધબેસતું આપ્યું હતું. ટૂંકમાં હવેલીમાં દર્શન થાય હિંડોળાના અને ઘરમાં દર્શન થાય (વહુના) ડોળાના વહુ અને વાવાઝોડું ફંટાઈ જાય પછી જ રાહત થાય.'
થોડા દિવસ પછી કાકાને ચિંતામાં બેઠેલા જોયા મેં અમસ્તુ જ કહ્યું 'કાકા વાવાઝોડા તો આવે ને જાય. એમાં ચિંતા કરવાની ન હોય. આ ટકોર સાંભળી કાકા બોલ્યા ઈ બહારનું વાવાઝોડું તો ફંટાઈ ગયું. પણ મારા ઘરનું વાવાઝોડું (હો-બાળાકાકી અત્યાર સુધી પિયરના ગામ જામખંભાળીયામાં કેન્દ્રીત થયું હતું એ પાછું બે-ત્રણ દિવસમાં ત્રાટકવાનું છે, એની ચિંતા છે. મેં કહ્યું 'કાકા પ્રાઈવેટાઈઝેશનના જમાનામાં તમે તો વાવાઝોડાનું પણ ખાનગીકરણ નાંખ્યું હો?' કાકા કહે કે સાગરમાં અને સંસાર-સાગરમાં ક્યારે વાવાઝોડું ફૂંકાય એ કહેવાય નહીં સાગરમાં ઉદભવેલા વાવાઝોડા પાછા સાગરમાં શમી જાય, પણ સંસાર સાગરમાં ઉદભવેલા વાવાઝોડાનું જો જોર વધુ હોય તો ફેમિલી કોર્ટમાં પહોંચી કાયમ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પરિણામ દેખાડે એટલે જ કહું છું ને કે ભાઈ ઃ માથાઝીક બૂરી, ક્યાંક કાયમ માટે થઈ જાય સામાજિક દૂરી.
મેં ટાપશી પૂરી કે સાગરમાં ઊઠે વાવાઝોડું અને સંસારમાં ઊઠે વિવાહઝોડું.વાવાઝોડું આવવાનું હોય એ પહેલાં હવામાન ખાતા તરફથી દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાતી હોય છે. આમ છતાં ઘણાં સાહસિકો કિનારે ફરકતા ભયસૂચક વાવટાની ઐસીતૈસી કરી તોફાની દરિયામાં નાવહંકારતા હોય છે. આવી જ રીતે સંસાર-સાગરમાં ન પડવા માટે સદીઓથી સાધુ-સંતો ભગવા વાવટા ફરકાવી ચેતવણી આપતા રહ્યા છે. છતાં સંસાર-સાગરમાં ઝંપલાવવાવાળા ઝંપલાવે જ છેને? ચક્રવાત જેમ ઘૂમરી ફરીફરીને આગળ વધે છે એમ માંડવામાં વર-કન્યા ગોળ ગોળ ફેરા ફરેને ઈ પછી જ ચક્રવાતની શક્યતા નિર્માણ થાય છે. એટલે જ ફરી કહું છું સાગરમાં ઊઠે ઈ વાવાઝોડું અને સંસાર-સાગરમાં ઊઠે ઈ વિવાહઝોડું.
અંત-વાણી
લગન વિનાના રહી ગયેલા વાંઢાઓની દશા લોકડાઉન વખતે વધુ કપરી થઈ. જીવનમાં આવીનહી પરી એમાં સ્થિતિ થઈ કપરી.આવી દશામાં જ્યારે હાથે રાંધવાનું આવ્યું ત્યારે કેવી હાલત થઈ તેની ઝલક આપતો શેટલિયા રાજકોટીનો સવા-શેરઃ
વાંઢાજનક દશાનો એટલો
આભાર હોય છે
રોટલીના આકાર
સદાય નિરાકાર હોય છે.
** ** **
લોકડાઉન વખતે પણ ક્યાંક ક્યાંક છાનેખૂણે 'લાઈવ ઢોકળા'નું લાઈવ રિલે જોયું એટલે જ કહેવું પડેઃ
સ્વર પ્રેમીઓની કળા-દ્રષ્ટિ
સ્વાદ પ્રેમીઓની ઢોકળા-દ્રષ્ટિ.
** ** **
એક વાત ધ્યાનમાં આણું
ગાવાના વખતે ગવાય ગાણું
ખાવાના વખતે ખવાય ખાણું
બસ આટલું યાદ રાખો.
તો સચવાશે તમારૂં ટાણું.
Comments
Post a Comment