ઓનલાઈન એજ્યુકેશન પોલિસી ઘડવી પડશે


માત્ર ભારતમાં જ નહિ, દુનિયાભરમાં અટકી ગયેલી શૈક્ષણિક પ્રક્રિયાઓને પુનઃ કાર્યાન્વિત કરવા અનેક વિદ્યા વિશારદો બૌદ્ધિક અખાડામાં ઉતર્યા છે અને હજુ સુધી કોઈ સર્વસ્વીકૃત ઉપાય કોઈને હાથ લાગ્યો નથી. એક તરફ ઓનલાઇન એજ્યુકેશન અને એ માટેના ફી સ્ટ્રક્ચર પર ડિબેટ ચાલે છે અને બીજી તરફ ખુદ શિક્ષકો જ અસમંજસમાં છે કે આમ તો કેમ કરીને ચાલશે ? છતાં અનેક શાળાઓએ વેબિનાર જેવા માધ્યમ દ્વારા વિવિધ એપ્લિકેશનોની મદદથી નવા સત્રનો આરંભ કરી દીધો છે. શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો પણ સામાન્ય મનુષ્ય તો છે જ. 

સહુની મુંઝવણ એ એની પણ છે. પરંતુ સંચાલકો હજુ સુધી સ્પષ્ટતા કરી શક્યા નથી કે તેઓ લાંબાગાળા માટે ક્યા મોડેલ પ્રમાણે પોતાના વિદ્યાર્થીઓને વિદ્યા વિકાસ હાંસલ કરાવશે ?

શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને સમજ્યા વિના આજકાલ એવો વાવંટોળ ચાલ્યો છે કે કેટલાક વાલીઓ એમ માનીને ચાલે છે કે ઓનલાઈન એજ્યુકેશનમાં તો કોઈ ફી ભરવાની જ હોય નહીં. ખરેખર એવું નથી. શૈક્ષણિક સંસ્થાઓ વર્ગખંડોમાં ભણાવવાને બદલે જ્યારે ઓનલાઇન ભણાવે ત્યારે એમને ત્રણથી ચાર ગણી મહેનત વધારે કરવી પડતી હોય છે.

એ વાત સાચી છે કે સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ આપવાનું થતું હોય તો ફીના ધોરણ તો બદલાવવા જ પડે. ગુજરાત સરકારની દાનત હંમેશા વાલીઓના વિરોધમાં રહી છે.

ભાજપ સંચાલકમિત્ર છે, વાલીમિત્ર નથી એ તો અનેક કિસ્સાઓમાં સાબિત થઈ ગયેલું છે એટલે એની પુનરાવતત પારાયણ અપ્રસ્તુત છે. ગુજરાત સરકાર શાળા સંચાલકોના મત પ્રમાણે જ ચાલે છે એને કારણે વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત સંઘર્ષ થયા કરે છે. એ સંઘર્ષ ચાલુ રખાવવાની કુનેહ ભાજપમાં છે.

આજકાલ એક એ ચિનગારી શરૂ થઈ કે તે નવા શૈક્ષણિક સત્રની ફી ભરવી કે ન ભરવી પડે ? અને ભરવી તો કેટલી ઓછી ભરવી તે અંગેની દ્વિધા અંગેની છે. રાજ્ય સરકારે આ અંગેની સર્વસામાન્ય નીતિ નક્કી કરીને સત્વરે જાહેર કરવી જોઈએ. શાળા અને કોલેજો ખરેખર ક્યારે શરૂ થશે એ મનોમન તો આ નેતાઓ અને સંચાલકો બન્ને જાણે છે છતાં ફીની લાલસામાં ટૂંકા પનાની મુદતો આપીને વરસને ધકેલી રહ્યા છે.

વડોદરાની એક શાળાએ તો વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને ડિજિટલ ક્લાસરૂમ સામે બેસવાનો હુકમ કર્યો છે. એટલે કે માતા કે પિતાના મોબાઈલ ફોન સામે વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેરીને બેસવું પડે છે. આવી કૃત્રિમતા પાછળનો તેમનો હેતુ માત્ર પોતાનો કમાન્ડ જાળવીને ફી વસૂલવાનો છે.

યુનિફોર્મમાં રહેલી યુનિફોમટીની વિભાવના જ આ શિક્ષણવિદો સમજતા નથી. સમૂહ વિનાના યુનિફોર્મનો શો અર્થ છે? આપણા દેશમાં સાબુની એટલે કે સામાન્ય બુદ્ધિની જે કટોકટી પ્રવર્તે છે એમાં આ આચાર્યો પણ હવે બાદ નથી. વળી એક શાળાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં તો આચાર્ય મેડમ વાલીને ટ્રાન્સપોર્ટેશન ફી ભરવા માટે પણ આગ્રહ કરી રહ્યા છે. હવે ઓનલાઇન જ ભણવાનું હોય તો ટ્રાન્સપોર્ટેશન ફી શાની ભરવાની? રાજ્યભરના જુનિયર કે સિનીયર કે.જી નું ચિત્ર તો બહુ વિકરાળ છે.

એમાં જે કેટલીક બ્રાન્ડેડ શાળાઓ છે એણે તો બહુ એડવાન્સમાં વાલીઓ પાસેથી પૈસા લઈ લીધા છે અને એમનું એ ફી કલેક્શન કરોડો રૂપિયાનું હોય છે. એમાં તો ટ્રાન્સપોર્ટેશન ફી ઉપરાંત વિદ્યાર્થીઓના રોજના નાસ્તાના પૈસા પણ લઈ લીધેલા છે. એટલું જ નહીં આજ સુધી એ પૈસા પાછા આપવા અંગે એક શબ્દ પણ તેઓ ઉચ્ચારતા નથી અને જે કોઈ તકલીફ ધરાવતા પરિવારોના દ્વારા બે ચાર વિદ્યાર્થીઓના પૈસા બાકી રહી ગયા હોય એમના પર કડક ઉઘરાણીની તવાઈ આવતી હોય છે. આમાં પણ રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક તરીકેની ભૂમિકા અદા કરે છે.

જેમ ઓનલાઈન એજ્યુકેશનમાં ફી ભરવાની જ ન હોય એ માન્યતામાંથી વાલીઓએ મુક્ત થવાની જરૂર છે, એ જ રીતે સંચાલકે પણ એની એ જ ફી વસૂલવાની વૃત્તિમાંથી મુક્ત થવાની જરૂર છે. વાલીઓએ જ્યારે રાજ્યના શિક્ષણ ખાતા સમક્ષ પ્રથમ સત્રની ફી ઘટાડવાની રજૂઆતો અને વિનંતી કરી ત્યારે શિક્ષણ ખાતાએ તો એવો હુકમ કર્યો કે કોઈ સંચાલકે ૧૫ મી ઓગસ્ટ પહેલા ફી જમા કરાવવાની વાલીઓને સૂચના આપવી નહીં. પરંતુ પ્રથમ સત્રની કેટલી ફી ઓછી થશે એના વિશે તો સરકારે મૌન જ જાળવ્યું છે.

કોલેજમાં તો વળી સાવ જુદા જ પ્રકારનું ચિત્ર છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ તો એડમિશન પ્રક્રિયા ધીમી પાડી દીધી છે. જેથી જેઓ એડમિશન લે એમના ક્લાસિસ ચાલુ કરવા માટેની ચિંતા જ ન રહે. શું ઓનલાઈન ને શું વેબિનાર ? આ સેલ્ફ ફાઇનાન્સ સંચાલકોને મદદ કરવા માટે યુનિવસટીઓએ સંખ્યાબંધ પરિણામો અટકાવી દીધા છે.

તૈયાર થયેલા પરિણામો ફાઇલોમાં ધૂળ ખાય છે. ચોમાસું આવી ગયું તો પણ ગઈ ગ્રીષ્મની મોસમમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો હજુ સુધી કેમ જાહેર કર્યા નથી ? એવું એને પૂછવાની વ્યવસ્થા ગુજરાત સરકાર પાસે નથી. રાજ્યભરના યુવક-યુવતીઓનું અભ્યાસનું વ્યવસ્થાતંત્ર અત્યારે વેરવિખેર થઈ ગયું છે. ખરેખર તો આ કોલેજના વિદ્યાર્થીઓમાં તો શાળાના વિદ્યાર્થીઓની તુલનાએ ઓનલાઇન ભણવાની સૌથી વધુ તાકાત હોય છે.

તેઓ અનેક રીતે ટેકનોલોજીના સૌથી વધુ જાણકાર છે. તેમ છતાં કોલેજીયન યુવક-યુવતીઓનું શિક્ષણ મહદંશે સ્થગિત છે. મોટા ભાગની શાળાઓ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ તેમના શિક્ષકો અને અધ્યાપકોના પગારમાં ત્રીસ ટકા કાપ મૂક્યો છે તો વિદ્યાર્થીઓની ફીમાં ત્રીસ ટકા ઘટાડો જાહેર કર્યો છે ખરો ? ઓપન યુનિવસટીઓ કે જેમનું કામ નિયમિત શિક્ષણ આપવાનું છે જ નહીં. એમનું ઓનલાઈન એજ્યુકેશન અત્યારે સારામાં સારી રીતે ચાલી રહ્યું છે એ નવાઈની વાત છે.

રાજ્યના મોટાભાગના અધ્યાપકો અને યુનિવસટીના વિદ્યાશાખાઓના ભવનો સાવ પાણીમાં બેસી ગયા હોય એવું ચિત્ર છે. તકલીફ કૂવામાં જ છે જેથી અવેડા ખાલીખમ છે. કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય પાસે આવનારા એક આખા વરસનો વિવિધ સંભાવનાઓ અને વિકલ્પો સાથેનો રોડમેપ હોવો જોઈએ એ નથી. દેશના શિક્ષણ તંત્રની નીતિમત્તાઓના સુકાની તરીકે કોઈ દેખાતું નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો