અમેરિકામાં બેફામ ગોળીબાર કરી 22 લોકોની હત્યા : મોતનું તાંડવ


- યુવકે માનસિક સમતૂલન ગુમાવતા લુઇસ્ટનમા હત્યાકાંડ, હાહાકાર

- લુઇસ્ટનમાં સ્કૂલો-દુકાનો-ઓફિસો બંધ, લોકોને ઘરોમાં રહેવા પોલીસની તાકીદ : હુમલાખોરની તસવીરો જારી કરી

- માનસિક બીમાર રોબર્ટ કાર્ડને ગોળીબારના અવાજો સંભળાતા હતા, આર્મી બેઝ પર હુમલો થવાનો ડર રહેતો હતો

લુઇસ્ટન :  અમેરિકામાં ફરી એક વખત સામુહિક હત્યાકાંડથી આખી દુનિયા હચમચી ગઈ છે. અમેરિકાના ઉત્તરમાં આવેલા મેઇન રાજ્યના લુઇસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૬૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પોલીસે હુમલાખોરને ઓળખી કાઢ્યો છે. તેનું નામ રોબર્ટ કાર્ડ છે. તે માનસિકરૂપે બીમાર છે. પોલીસ ૧૨ કલાક કરતાં વધુ સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી તેને પકડી શકી નથી અને તેની શોધ ચાલુ છે. રોબર્ટને પકડવા માટે એફબીઆઈ, સ્વાટ ટીમ સહિત બધી જ એજન્સીઓને ઉતારાઈ છે. વધુમાં શહેરમાં સ્કૂલો-દુકાનો બંધ રાખવાના જ્યારે શહેરીજનોને ઘરોમાં રહેવાના આદેશ અપાયા છે. અમેરિકામાં મે ૨૦૨૨ પછી આ સૌથી મોટો અને ભયાનક સામૂહિક હત્યાકાંડ છે.

લુઇસ્ટન પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મેઇન રાજ્યના લુઇસ્ટન શહેરમાં બુધવારે સાંજે ૭.૦૦ વાગ્ય પછી ત્રણ અલગ અલગ જગ્યાએ ગોળીબારના સમાચાર મળ્યા છે, જેમાં સ્પેયર ટાઈમ રિક્રિએશન, સ્કીમેંજીસ બાર એન્ડ ગ્રિલ રેસ્ટોરાં અને એક વોલમાર્ટ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનો સમાવેશ થાય છે. પોલીસે ગોળીબાર કરનાર આરોપીની ઓળખ જાહેર કરી છે. તેનું નામ રોબર્ટ કાર્ડ છે, જે અમેરિકન સૈન્ય રિઝર્વમાં ફાયરઆર્મ્સ પ્રશિક્ષક હતો. 

લુઇસ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ૪૦ વર્ષીય રોબર્ટ કાર્ડ માનસિક રીતે બીમાર છે. તેને થોડાક સમય પહેલાં જ મેન્ટલ હેલ્થ ફેસિલિટીમાં દાખલ કરાયો હતો અને તાજેતરમાં જ સેન્ટરમાંથી તેને રજા અપાઈ હતી. રોબર્ટ કાર્ડને ગોળીબારના અવાજો સંભળાતા હતા. તેને આર્મી બેઝ પર હુમલો થવાનો સતત ડર રહેતો હતો. લુઇસ્ટનમાં આ ઘટનાને ૧૨ કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. હુમલાનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી.આ પહેલાં એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીના શેરિફ કાર્યાલયે તેમના ફેસબૂક પેજ પર શકમંદની બે તસવીર જાહેર કરી હતી, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર ઉઠાવીને એક ઈમારતમાં પ્રવેશ કરતો જોવા મળે છે. પોલીસે તેની કારની પણ તસવીર જાહેર કરી હતી. પોલીસે લોકોને રોબર્ટ કાર્ડને પકડવા માટે મદદ કરવા વિનંતી કરી છે. ફોટોમાં લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો પુરુષ ફાયરિંગ રાઈફલ પકડીને ગોળીબાર કરી રહ્યો છે.

લુઇસ્ટનમાં સેન્ટ્રલ મેને મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે મોટાપાયે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. લુઇસ્ટન એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીનો ભાગ છે અને મેઇનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડથી ૫૬ કિ.મી. ઉત્તરમાં આવેલું છે. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફની ઓફિસે જણાવ્યું હતું કે, અમે હુમલાખોરની શોધ કરી રહ્યા છીએ. શહેરમાં બધા જ વેપારીઓને તેમની દુકાનો-ઓફિસો બંધ રાખવા અપીલ કરી છે. વધુમાં લોકોને પણ તેમના ઘરોમાં દરવાજા બંધ કરીને રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, પ્રમુખ બાઈડેને લુઇસ્ટનમાં થયેલા ગોળીબાર અંગે ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ તથા કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે વ્યક્તિગતરૂપે ફોન પર વાત કરી હતી અને આ ભયાનક હુમલામાં શક્ય તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી હતી. 

બોસ્ટનમાં એફબીઆઈ કાર્યાલયે જણાવ્યું કે, તે મેઇન રાજ્યના લુઇસ્ટનમાં છે અને ભયાનક ગોળીબારની તપાસ માટે તૈયાર છે. એફબીઆઈના નિવેદન મુજબ એફબીઆઈ બોસ્ટન ડિવીઝને સ્થાનિક, રાજ્ય અને સંઘીય કાયદા એજન્સીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. અમે પુરાવા એકત્ર કરીને તપાસ અને વ્યૂહાત્મક મદદ સાથે પીડિતોને મદદ સહિત શક્ય તમામ મદદ માટે તૈયાર છીએ.

અમેરિકામાં 10 મહિનામાં માસ શૂટીંગમાં 35000નાં મોત

- અમેરિકી સેનેટમાં ગન કન્ટ્રોલનો કાયદો રાજકીય દબાણથી આવતો નથી

અમેરિકામાં માસ શૂટિંગની હવે કોઈ નવાઈ રહી નથી. અમેરિકામાં ગન વાયોલન્સ આર્કાઈવ મુજબ માસ શૂટિંગ સહિતની અલગ અલગ ઘટનાઓમાં ૨૦૨૩ના ૧૦ મહિનામાં કુલ ૩૫,૨૭૯ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં ૧,૧૫૭ બાળકો-સગીરોનો સમાવેશ થાય છે.

અમેરિકામાં માસ શૂટિંગની ઘટનાો પર નજર રાખતી વેબસાઈટ ગન વાયોલન્સ આર્કાઈવના અહેવાલ મુજબ દેશમાં વર્ષ ૨૦૨૩માં માસ શૂટિંગની ૫૬૫ ઘટના જ્યારે માસ મર્ડરની ૩૧ ઘટના થઈ છે, જેમાં કુલ ૩૫,૨૭૯ લોકોનાં મોત થયા છે. આ ઘટનાઓમાં ૪૧ પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાયો છે. વધુમાં બંદૂકથી આત્મહત્યા કરનારાઓની સંખ્યા ૧૯,૭૩૪ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગન વાયોલન્સમાં મોટાભાગનાં મોત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, ઈલિનોઈ અને લુસિઆનામાં થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકામાં પુખ્ત વયના પ્રત્યેક પાંચ નાગરિકમાંથી એક નાગરિક એવો છે, જેના કોઈ પરિવાર સભ્યનું મોત બંદૂકથી થયું છે, જેમાં હોમીસાઈડ્સ અને આત્મહત્યાનો પણ સમાવેશ તાય છે. વધુમાં ગન વાયોલન્સ આર્કાઈવના અહેવાલ મુજબ છેલ્લા એક દાયકામાં ગન વાયોલન્સની ઘટનાઓ સતત વધતી રહી છે. વર્ષ ૨૦૧૪માં ગન વાયોલન્સની ૨૭૨ ઘટના નોંધાઈ હતી, જે વધીને ૨૦૨૩ના ૧૦ મહિનામાં ૫૬૫ થઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો