5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી : 6 ઓક્ટોબરે ચૂંટણી નિરીક્ષકોની બેઠકમાં તારીખોની જાહેરાત થવાની સંભાવના
નવી દિલ્હી, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર
દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2023)ને લઈ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. ચૂંટણી પંચે પણ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે... હવે માત્ર ચૂંટણીની તારીખો જાહેર કરવાની જ કામગીરી બાકી હોય તેવું લાગી રહ્યું છે... દરમિયાન 5 ચૂંટણી રાજ્યોમાં નિયુક્ત કરેલા ચૂંટણી નિરીક્ષકોની આગામી 6 ઓક્ટોબરે મહત્વની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક બાદ તમામ પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. આ વર્ષના અંતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
ભાજપ 5 ચૂંટણી રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તામાં
આ પાંચ રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ ભાજપની સત્તા છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ, તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને મિઝોરમમાં નેશનલ ફ્રન્ટ સત્તા પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પાંચેય રાજ્યોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
આ 5 રાજ્યોમાં યોજાશે ચૂંટણી
આ વર્ષને અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર-2023થી જાન્યુઆરી-2024 સુધીનો છે. 40 બેઠકો ધરાવતા મિઝોરમમાં 17 ડિસેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, જ્યારે છત્તીસગઢનો કાર્યકાળ 3 જાન્યુઆરી, મધ્ય પ્રદેશ 6 જાન્યુઆરી, રાજસ્થાન 14 જાન્યુઆરી અને તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.
Comments
Post a Comment