લેપટોપ-ટેબલેટ-કોમ્પ્યુટરની આયાત અંગે સરકારનો મોટો નિર્ણય, હાર્ડવેર ઈન્ડસ્ટ્રીના દબાણ બાદ જૂનો નિર્ણય પરત ખેંચ્યો
નવી દિલ્હી, તા.13 ઓક્ટોબર-2023, શુક્રવાર
કેન્દ્ર સરકારે લેપટોપની આયાત પર પ્રતિબંધ (Laptop Import Ban)ના જૂના નિર્ણયથી પીછેહઠ કરી છે. ઓગસ્ટ-2023માં ભારતે લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય બાદ ભારે ટીકા થઈ હતી. જોકે હવે આ મામલે સરકારે પોતાનો જૂનો નિર્ણય પરત ખેંચી લીધો છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે, ભારત લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદશે નહીં.
સરકાર આયાતકારોની આયાત પર નજર રાખશે : વાણિજ્ય સચિવ
ટ્રેડ ડેટા જારી કરવાના એક પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે, ભારત લેપટોપ અને કોમ્પ્યુટર આયાત પર કોઈ પ્રતિબંધ લાદશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર આયાત કરનારાઓની આયાત પર નજર રાખશે. અગાઉ સરકારે ઓગસ્ટમાં કહ્યું હતું કે, લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત માટે એક નવેમ્બરથી લાયસન્સ સિસ્ટમ શરૂ કરશે.
લેપટોપની આયાત પર માત્ર નજર રખાશે
વાણિજ્ય સચિવે કહ્યું કે, લેપટોપ પર આવા પ્રકારનો પ્રતિબંધ ન લાદવાનો અમારો વિચાર છે. અમે માત્ર એવું કહી રહ્યા છે કે, લેપટોપની આયાત નજર રાખી શકાય તે માટે આયાત પર કડક નજર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે આયાત પર નજર રાખી રહ્યા છે અને તેને પ્રતિબંધ સાથે કોઈ લેવા-દેવા નથી.
ઓગસ્ટમાં આ વસ્તુઓની આયાત પર લગાવાયો હતો પ્રતિબંધ
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) સંતોષ કુમાર સારંગીએ કહ્યું કે, પહેલી નવેમ્બરથી આયાત પ્રતિબંધ સિસ્ટમ લાગુ થશે. તેમણે કહ્યું કે, આ બાબતની કામગીરી પ્રગતિ પર છે અને 30 ઓક્ટોબર પહેલા કામગીરી પૂર્ણ થવાની આશા છે. સરકારે દેશમાં મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા અને ચીન જેવા દેશોથી આયાત ઘટાડવા ઓગસ્ટમાં લેપટોપ, કોમ્પ્યુટર, ટેબલેટ, કોમ્પ્યુટર સહિત માઈક્રો કોમ્પ્યુટર અને કેટલાક ડેટા પ્રોસેસિંગ મશીનોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
IT ઈન્ડસ્ટ્રીએ નિર્ણય પરત ખેંચવા કરી હતી અપીલ
સરકારના આ આદેશ બાદ આઈટી હાર્ડવેરથી સંકળાયેલી ઈન્ડસ્ટ્રીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને આ આદેશ પરત ખેંચવા અપીલ કરી હતી. એક અંદાજ મુજબ ભારત દર વર્ષે 7-8 અબજ ડોલરની વેલ્યૂ બરાબર કોમ્પ્યુટર હાર્ડવેરને લગતા ઈલેક્ટ્રોનિક્સ આઈટ્સની આયાત કરે છે.
લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટરની આયાતમાં 23.1 ટકા ઘટાડો
ઇકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ ગયા મે મહિના-2023માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ચીનથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલાર સેલ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાતમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાતમાં ઘટાડો એવા પ્રદેશોમાં વધુ થયો છે જ્યાં PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર સેલની આયાતમાં 70.9 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટરની આયાતમાં 23.1 ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે.
Comments
Post a Comment