ચાહકો માટે ટ્રીપલ ધમાકા : નવરાત્રી, દિવાળી અને ક્રિકેટ, લાભપાંચમ પછીના દિવસે ફાઈનલ


- વિવિધા-ભવેન કચ્છી

- ભારતમાં તો વર્લ્ડ કપ પણ એક તહેવાર જ

- વન ડેના વર્લ્ડ કપના 48 વર્ષના ઇતિહાસમાં ભારત બે જ વખત ચેમ્પિયન બની શક્યું છે :  આ વખતે ક્રિકેટરો ચાહકોને દિવાળી ગિફ્ટ આપશે ?

આ વતી કાલથી  વન ડેના વર્લ્ડ કપનો પ્રારંભ અમદાવાદના ૧.૩૦ લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા  વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર થઇ રહ્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં જ યોજાનાર છે. વર્લ્ડ કપ અને તહેવારોની રમઝટ સાથે  સાથે જામશે કેમ કે નવરાત્રી ૧૫ ઓક્ટોબરથી શરુ થાય છે.  ક્રિકેટ ચાહકો રાત્રે ૧૦.૩૦ની આસપાસ મેચ પૂરી થશે પછી ગરબાની મજા માણવા જશે. હવે તો  સ્માર્ટ ફોન હોઈ મેચના લાઈવ બોલ બાય  બોલ અપડેટ પણ જોઈ શકાય છે તેથી સાવ એવું પણ નહીં બને કે ગરબાના મેદાન કે પાર્ટી પ્લોટનાં આયોજકોને  મેચ પૂરી થાય તેનો ઇંતેજાર કરવો પડે.                                                                 

નવરાત્રી અને દિવાળીમાં જમાવટ

૧૨ નવેમ્બરે દિવાળી છે એટલે એમ પણ કહી શકાય કે છેક લાભ પાંચમ પૂરી થાય ત્યારે પણ વર્લ્ડ કપની જમાવટ જારી હશે. ૧૮ નવેમ્બરે લાભ પાંચમ અને તે પછીના દિવસે ૧૯મીએ વર્લ્ડ કપની ફાઈનલ રમાનાર છે. જો કે વર્લ્ડ કપના કાર્યક્રમ પર નજર નાંખતા જોઈ શકાય છે કે મોટેભાગે ભારત સેમી ફાઈનલમાં પ્રવેશ કરી શક્યું છે કે કેમ તે દિવાળીના દિવસ સુધીમાં નક્કી થઇ ગયું હશે  કદાચ એવું પણ બને કે દિવાળીના દિવસે જ સેમી ફાઈનલમાં પ્રવેશવાના ખૂટતા પોઈન્ટ ભારતને મળે અને ચાહકો તે જ દિવસે દિલથી ઉજવણી કરી  શકશે અને દિવાળીના ફટાકડા જોડે સેમી ફાઈનલ પ્રવેશને લીધે ડબલ ધમાકા ઉજવણી કરે. આમ કહેવાનું કારણ એટલા માટે કે વર્લ્ડ કપની આખરી રાઉન્ડ રોબીન  મેચ ૧૨ નવેમ્બરે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે છે.  આ મેચના જીતના પોઈન્ટ ભારત માટે મહત્વના પણ હોઈ શકે. આ મેચના  બે દિવસના બ્રેક પછી ૧૫ નવેમ્બરે પ્રથમ સેમી ફાઈનલ અને ૧૬ નવેમ્બરે બીજી સેમી ફાઈનલ છે. બીજી રીતે કહીએ તો ભાઈબીજના દિવસે પ્રથમ સેમી ફાઈનલ હશે. 

આશા રાખીએ કે ભારત ઘરઆંગણે ચેમ્પિયન બની દેશના કરોડો ચાહકોને દિવાળીની યાદગાર ગિફ્ટ આપે.

ક્રિકેટનો ક્રેઝ નહી પણ ''ફીવર''

ભારત જેટલા ક્રિકેટ ચાહકો વિશ્વના અન્ય ક્રિકેટ રમતા દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ નહી પણ ''ફીવર'' તેવો શબ્દ પ્રયોગ થાય છે. ભારતનું ક્રિકેટ બોર્ડ એટલું સમૃદ્ધ અને પ્રભાવી છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ તેના પર નભે છે તેમ કહી શકાય. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોની કે વર્તમાન સ્ટાર કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટરો ન્યુઝીલેન્ડ ,વેસ્ટ ઇન્ડીઝ ,પાકિસ્તાન, બાંગ્લા દેશ ,શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા દેશના ક્રિકેટ બોર્ડને પણ ખરીદી  શકે તેવા ધનિક છે. આવા દેશોના ખેલાડીઓની વર્ષની કુલ આવક કરતા તો ભારતના ટોચના ક્રિકેટરોની વર્લ્ડ કપ દરમ્યાન જ થનાર જાહેરાતોની કમાણી હશે. ચેપલ ,ગાવાસ્કર અને શાી જાણે છે કે ભારતનો  પ્રત્યેક  ક્રિકેટ ચાહક નિષ્ણાત વિશ્લેષક છે તેથી તેઓ ભારતની મેચની કોમેન્ટરી કરતા વિશેષ સાવધ રહે છે.ભારતના ચાહકને કંઇક વિશેષ જ્ઞાાન આપવું  પડે છે. કોઈપણ શ્રમિક કે ઓછો અભ્યાસ કરેલ ભારતીય નાગરિક ક્રિકેટનો સ્કોલર હોય છે. ભારતનો દેખાવ નબળો થતો હોય તો તેને તેના હાલ પર જ છોડી દેવો બાકી મગજ ગુમાવ્યું હોઈ કંઈ પણ કરી શકે છે. 

ચાહકો જ મોટા વિશ્લેષક

ભારતમાં ક્રિકેટ પૂજા છે અને જીત અપાવનાર ક્રિકેટર ભગવાન છે. ચાહકો એ હદે લાગણીપ્રધાન છે કે અગાઉની મેચમાં જે ક્રિકેટરે જીતાડયા હોય  તેને ''ઓલટાઈમ ફેવરીટ'' તરીકે પોખે તે જ ખેલાડી બીજી મેચમાં ફ્લોપ જાય અને ભારત હારે તો રાતોરાત એના પર ફિટકાર વરસે. ભારતના ચાહકોના માનીતા ખેલાડીઓ પ્રત્યેક મેચ બાદ બદલાતા હોય છે.એટલે સુધી કે  એક જ મેચના ખરાબ દેખાવ સાથે જ તેને ટીમમાંથી પડતો મૂકી દેવા સુધી મામલો પહોંચી જાય.

ભારતના  ક્રિકેટ પરિણામની કે સિદ્ધિની રીતે જોઈએ તો  ખાસ ગૌરવ લેવા જેવું નથી. એવું લાગે કે ક્રિકેટરોની વ્યક્તિ પૂજાથી પ્રેરાઈને ચાહકોને ક્રિકેટમાં દિલચશ્પી જળવાઈ રહી છે. ટીમ વર્કથી ચેમ્પિયન બનીએ નહી કે વિદેશની ભૂમિ પર શ્રેણીઓ જીતીએ નહીં તો પણ ક્રિકેટમાં બેસુમાર શોખ જે તે સમયના આઇકોન ખેલાડીઓને લીધે જારી રહે છે.

ચાહકોની ટૂંકી યાદદાસ્ત 

૧૯૭૫માં પ્રથમ વર્લ્ડ કપ રમાયો હતો અને હવે ૨૦૨૩માં ૧૩મો વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને ભારત કે જે ક્રિકેટનું પાવર હાઉસ છે તે ૪૮ વર્ષમાં  બે જ વખત વર્લ્ડ કપ જીત્યું છે. આમ છતાં ક્રિકેટ વિશ્વમાં ભારતના બેટ્સમેનો મોટા માથાં ગણાતા હોઈ વર્લ્ડ કપ જીતવાની આશા રખાય છે. અગાઉ જણાવ્યું તેમ ભારતની પ્રત્યેક હાર પછી ક્રિકેટરો પર માછલા ધોવાય અને નવી શ્રેણી કે ટુર્નામેન્ટ વખતે નજીકના ભૂતકાળનું ભૂલી જઈ ચાહકો  ફરી ક્રિકેટના ઉન્માદમાં સરકી જાય. ભારતના નાગરિકોની ટૂંકી યાદદાસ્ત જેટલી નેતાઓને મદદ કરે છે તેટલી જ ક્રિકેટરોને પણ કામ લાગે છે. ભારતનું ક્રિકેટ  અને ભારતીય ક્રિકેટરો ટોચની ટીમ સામે શ્રેણી હારી જાય કે ટુર્નામેન્ટમાં ફ્લોપ દેખાવ કરે તે સાથે જ ભારતીય ક્રિકેટ બોર્ડે તે પછી તરત શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ કે બાંગ્લા દેશ સામેની શ્રેણીનું કેલેન્ડર તૈયાર જ રાખ્યું હોય છે. ક્રિકેટરો આવી શ્રેણીમાં જમાવટ કરે અને ભોળા ચાહકો બે ત્રણ અઠવાડિયા અગાઉનો રોષ ભૂલી જાય.

પોસ્ટર બોય ક્રિકેટ 

ભારત ૧૯૮૩માં અને તે પછી છેક ૨૮ વર્ષ પછી બીજી અને છેલ્લી વખત  વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આટલી હદનો તમામ રીતનો સપોર્ટ છતાં આ રેકોર્ડ દયનીય છે. બીજી રીતે એમ કહેવાય કે શ્રીલંકા એક વખત તો આપણે બે વખત વર્લ્ડ કપ જીત્યા છે . આ તો થઇ વન ડેના વર્લ્ડ કપની વાત. આઈ.પી.એલ. ટી- ૨૦ની સૌથી મોટી લીગ છે. આમ છતાં ભારત ટી - ૨૦નો વર્લ્ડ કપ પણ માત્ર એક જ વખત જીત્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ સફળતા મળી ત્યારે તે વર્ષ ૨૦૦૭નું હતું અને તે વખતે આઈ .પી.એલ. શરુ જ નહોતી થઈ . ૨૦૦૮થી પ્રથમ આઈ.પી.એલ.નો પ્રારંભ થયો હતો. તેનો અર્થ એમ કે આઈ.પી.એલ.ના ૧૫  વર્ષમાં ભારત ટી-૨૦માં ચેમ્પિયન જ નથી બન્યું. આઠ ટી - ૨૦ વર્લ્ડ કપમાં ભારત  એક જ વખત ચેમ્પિયન તે રેકોર્ડ પણ શરમજનક તો કહેવાય જ. ટેસ્ટ શ્રેણીની વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું.આર્થિક રીતે સાવ કંગાળ વેસ્ટ ઇન્ડીઝ બે વખત અને શ્રીલંકા એક વખત ટી- ૨૦માં ચેમ્પિયન બન્યું છે.

દર વખતે દાવેદાર 

આમ છતાં નવી આશા જગાવતા વ્યક્તિગત મોટા નામ ધરાવતા પોસ્ટર ક્રિકેટરો ભારત પાસે હોઈ ચાહકો જીતવાની ઉમ્મીદ સાથે  દર વખતે  ભારતીય ક્રિકેટ સાથે કનેક્ટ થઇ જાય છે. ૧૯૭૦  પછીના ભારતીય ક્રિકેટમાં ત્રણ યુગ પરિવર્તક ક્રિકેટરો કહી શકાય સુનીલ ગાવસ્કર ,કપિલ દેવ અને સચિન તેંડુલકર. જે રીતે પ્રત્યેક નવો ગાયક કે ગાયિકા મુહમ્મદ રફી,કિશોર ,મુકેશ અને લતા -આશાના કંઠ કે કાયામાં પ્રવેશવાનો ધ્યેય રાખે છે તેમ ભારતીય ક્રિકેટરોની નવી પેઢીને ત્રણ ક્રિકેટરો પ્રેરિત કરે છે. ભારતમાં ક્રિકેટની આ હદની દિવાનગી  આ ક્રિકેટરોને જ આભારી છે. હા,ધોની  વિકેટ કિપર બેટ્સમેન અને સફળ કેપ્ટન હતો તેને  પણ પ્રભાવ તો આ મહાન ક્રિકેટરોનો જ રહ્યો. અલબત્ત ધોની અને કોહલીએ આ મહાનતા અને લોકપ્રિયતાના યુવા સ્વપ્નની શ્રેણી આગળ ધપાવી તેમ કહી શકાય. ફિલ્મ દુનિયાને પણ આવા આઇકોન પ્રાપ્ત થયા જ છે. 

એકંદરે એમ કહી શકાય કે ભારતની ટીમ વર્ષોથી એવી છે કે ટુર્નામેન્ટ અગાઉ જીતવાની દાવેદાર ચાર સેમી ફાઈનલિસ્ટની યાદીમાં સ્થાન પામે જ. કેમ કે ચાર પાંચ વજનદાર રેકોર્ડ ધરાવનાર ખેલાડીઓ ટીમમાં હોય જ છે. ભારતની સૌથી મોટી નબળાઈ ટીમવર્ક અને જીતમાં કન્વર્ટ કરવાની ઓછી આવડત કહી શકાય. ભારતના ખેલાડીએ સૌથી વધુ રન કે વિકેટનો એવોર્ડ જીત્યો હોય પણ ટીમ ચેમ્પિયન ન બની હોય. નિર્ણાયક મેચમાં જ સ્ટાર ખેલાડીઓ ફ્લોપ જાય. દશેરાએ જ ઘોડો ન દોડે. તેથી ઊંધુ  ઓસ્ટ્રેલિયા જેવી ટીમના જે ખેલાડી અગાઉની મેચોમાં સાવ સામાન્ય રહ્યા હોય તે નિર્ણાયક મેચમાં ખીલી ઉઠે.   આ વખતે પણ  આવો નબળો રેકોર્ડ ધરાવવા છતાં ભારત ઘરઆંગણે ચેમ્પિયન બનવા માટેની ફેવરિટ મનાય છે. ક્રિકેટ વિશ્વના તમામ વિવેચકો ભારતને સેમી ફાઈનલ પ્રવેશની ચાર ટીમમાં તો સ્થાન આપે જ કેમ કે તેઓના મનમાં કોહલી ,રોહિત શર્મા, ગીલ અને બુમરાહ જેવા ક્રિકેટરો છે.

વન ડેનાં  વર્લ્ડ કપમાં ૧૯૭૫માં અને ૧૯૭૯માં વેસ્ટ ઇન્ડીઝ, ૧૯૮૩માં ભારત, ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયા, ૧૯૯૨માં પાકિસ્તાન , ૧૯૯૬માં શ્રીલંકા, ૨૦૦૦, ૨૦૦૩, ૨૦૦૭માં સળંગ ત્રણ વખત ઓસ્ટ્રેલિયા, ૨૦૧૧માં ભારત, ૨૦૧૫માં ફરી ઓસ્ટ્રેલિયા અને ૨૦૧૯ના છેલ્લા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. આમ ઓસ્ટ્રેલિયા હેટ્રિક સહિત પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. ભારતની ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બને તેવી શુભેચ્છા.

લાસ્ટ બોલ : ૧૯૭૫ના સૌપ્રથમ વર્લ્ડ  કપ વખતે ભારતના બધા જ ખેલાડીઓ ટેસ્ટ મેચ સ્પેશિયલ જ હોઈ વિકેટ બચાવવી જ મહત્વની હોય તેમ રમ્યા હતા. તે વખતે ભારતની ટીમ વન ડે ક્રિકેટમાં ઈસ્ટ આફ્રિકા જેવી જ સામાન્ય મનાતી હતી. તે વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે હતી. ઈંગ્લેન્ડના ૬૦ ઓવરોમાં ૪ વિકેટે ૩૩૪ સામે ભારતે સાત વિકેટ બચાવી પૂરી ૬૦ ઓવરો રમીને ત્રણ વિકેટે ૧૩૨ રન નોંધાવ્યા હતા. અને ભારત ૨૦૨ રનથી હાર્યું હતું. ગાવસ્કરે ૧૭૪ બોલ રમીને ઓપેનીંગમાં આવીને  છેક ૬૦ ઓવર સુધી ક્રીઝ પર રહીને ૩૬ અણનમ રન બનાવ્યા હતા જેમાં એક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. મોહિન્દર અમરનાથ, ફરોખ એન્જીનીયર, મદનલાલ, આબિદ અલી અને ઘાવરી જેવા આક્રમક બેટ્સમેનોને બેટિંગ કરવાની તક જ નહોતી મળી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે