ઉત્તર ગાઝામાં ઇઝરાયેલની સેનાનો યુદ્ધનો વિસ્તરીત તબક્કો શરુ થયાની જાહેરાત


- ગાઝા ઉપર ઇઝરાયેલી સેનાના ત્રિપાખીયા હુમલાઓ શરુ થયા

- હમાસના બે કમાન્ડરનો ખાત્મોઃ ગાઝામાં વીજળી, પાણી બાદ હવે ટેલીકોમ ઇન્ટરનેટ પણ બંધ 

- ગાઝાની કાર્યવાહી માટે માત્ર ઇઝરાયેલ જ જવાબદાર : અમેરિકા

જેરુસલેમ : હમાસે તા. ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ ઉપર કરેલા મિસાઈલ હુમલા બાદ શરુ થયેલા યુદ્ધના ૨૨માં દિવસે ગાઝા વિસ્તારમાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)નું ઓપરેશન વિસ્તરી રહ્યું છે. ઇઝરાયેલની સેના ગુરુવારે સામાન્ય હુમલા કરી પરત આવી ગયા બાદ આજે દિવસભર ગાઝામાં હમાસના ત્રાસવાદીઓ સામે જંગે ચડી છે. હુમલા પહેલા ઈઝરાયેલે ગાઝા વિસ્તારમાં પાણી અને ઇંધણ બંધ કર્યા બાદ હવે ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આમ અંધારપટ અને સંદેશાવ્યવહાર વગર ગાઝાની સ્થિતિનો સાચો તાગ મેળવવો મુશ્કેલ થઇ ગયો છે. 

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝાનો નકશો બદલી નાખે, હમાસનો ખાત્મો કરી નાખવામાં આવશે એવી ચેતવણી ઉચ્ચારી હતી. શુકવાર અને શનિવારની ઘટના બાદ લાગી રહ્યું છે કે ઈઝરાયેલે હવે સત્તાવાર રીતે ભૂમિદળની મદદથી આક્રમક હુમલા શરુ કરી દીધા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યુઆવ ગેલેન્ટે આજે નિવેદન આપ્યું હતું કે આઈડીએફના ગાઝા ઉપરના હુમલાનો નવો તબક્કો શરુ થઇ ગયો છે. 

'આઈડીએફ આદેશ અનુસાર ગાઝામાં ઓપરેશન કરી રહ્યું છે. નવા આદેશ આવે ત્યાં સુધી અમારી કાર્યવાહી શરુ રહેશે અને હવે યુદ્ધનો નવો તબક્કો શરુ થઇ ગયો છે,' એમ આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું. હવાઈ હુંમલાની સાથે ઉત્તર ગાઝામાં આઈડીએફની કુમકોએ પ્રવેશ કર્યો છે જેમાં હમાસના ચોક્કસ ત્રાસવાદીઓ, થાણા અને તેમની યુદ્ધ સામગ્રીને લક્ષ્ય બનાવી તેનો ખાત્મો કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. હેગારીએ જણાવ્યું હતું કે યુદ્ધ હજી પૂર્ણ સ્વરૂપે નથી શરુ થયું પણ આઈડીએફના હુમલાનું પ્રમાણ અને વિસ્તાર વધી રહ્યા છે. ઈઝરાયેલે ભૂમિ, હવાઈ દળ અને નૌસેનાની મદદ લઇ હમાસના ત્રાસવાદીઓ ઉપર હુમલા શરુ કર્યા છે. હેગારીએ ઉમેર્યું હતું કે બે દિવસથી ચાલી રહેલા હુમલામાં ઇઝરાયેલના પક્ષે કોઈ સૈનિકને ઈજા કે મૃત્યુ થયું નથી. 

ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે હમાસની ગાઝા બ્રિગેડના બે સિનિયર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક ત્રાસવાદી હવાઈ હુમલા માટે અને બીજા નૌસેનાના કમાન્ડર હતા. ઈઝરાયેલે તેમના મોતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તા.૭ ઓક્ટોબરના મિસાઈલ હુમલામાં આ બન્નેએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. 

બીજી તરફ, અમેરિકાના એક વરિષ્ઠ જનરલે ઇઝરાયેલની મુલાકાત લીધી હતી અને તેની મુલાકાતના લીધે અમેરિકા ઇઝરાયેલની લશ્કરી મદદ કરી રહ્યું હોવાની વાતો વહેતી થઇ હતી. જોકે, અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું હતું લેફ્ટનન્ટ જનરલ જેમ્સ ગ્લીન માત્ર પોતાનો અનુભવ જણાવવા ગયા હતા. ગાઝા વિસ્તાર ઉપર ઇઝરાયેલની ચઢાઈ અને તેના પરિણામો કે વ્યૂહરચનાની જવાબદારી ઇઝરાયેલી સેના અને સરકારની જ છે અમેરિકાની કોઈ ભૂમિકા નથી.

યુદ્ધની અન્ય ઘટનાઓ

- લેબેનોન સરહદે ઇઝરાયેલ અને હમાસની તરફેણ કરી રહેલા હેઝબુલ્લા જૂથ વચ્ચે લડાઈ શરુ થઇ ગઈ છે. ઈઝરાયેલી સેંના ઉપર હેઝબુલ્લાએ મીસાલીલ હુમલો કર્યા બાદ વળતા જવાબમાં ઇઝરાયેલે કાર્યવાહી શરુ કરી છે. આ સરહદી વિસ્તારમાં લગબગ અડધો ડઝન સ્થેળે બન્ને વચ્ચે લડાઈ ચાલી રહી છે. 

- પાણી, ઇંધણ અને વીજળી બાદ ઈઝરાયેલે સંદેશાવ્યહાર બંધ કરી દીધો હોવાથી ગાઝાની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી અંગે કોઈ માહિતી મળી રહી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, યુનો અને અન્ય માનવીય સહાય આપતી એજન્સી પણ પોતાના સ્ટાફ સાથે સંપર્કમાં નથી. 

- ગાઝામાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહીના કારણે ૧૧૦ તબીબી સ્ટાફના મોત, ૧૦૦ને ઈજા થઇ છે તેમજ ૫૦ જેટલી એમ્બ્યુલન્સ ઉપર પણ હુમલા થયા છે. આ વિસ્તારમાં ૧૨ જેટલી હોસ્પિટલ હુમલાના કારણે નુકસાન કે ઇંધણ નહી હોવાથી બંધ કરવાની ફરજ પડી છે. 

- અમેરિકાની ચેતવણી કે ગાઝા ઉપર ઇઝરાયેલ લાંબો સમય કબજો જમાવી રાખશે તો નાગરિકોને ભારે નુકસાન થઇ શકે છે. ઇઝરાયેલનો બચાવ છે કે માત્ર હમાસને ખતમ કરવા જ ગાઝા ઉપર હુમલા ચાલી રહ્યા છે, કબજો જમાવવાનો કોઈ ઈરાદો નથી. 

- ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર હમાસે કરેલા હુમલામાં તા. ૭ ઓક્ટોબરે કુલ ૩૧૧ સૈનિકો માર્યા ગયા હતા આ પછી કોઈ મૃત્યુ થયા નથી. હમસે અપહરણ કરેલા ૨૨૯ વ્યક્તિને છોડી મૂક્યા છે જયારે ૫૦ના મૃત્યુ થયા હોવાની હમાસની જાહેરાત.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે