ભારતમાં ભૂખમરો વધ્યો : હાલત પાક. કરતાં પણ બદતર


- ગ્લોબલ હંગર ઈન્ડેક્સ : વિશ્વના ૧૨૫ દેશોની યાદીમાં ભારત ૧૧૧મા ક્રમે

- વૈશ્વિક ઈન્ડેક્સમાં પાકિસ્તાન ૧૦૨, બાંગ્લાદેશ ૮૧, નેપાળ ૬૯ અને શ્રીલંકા ૬૦મા ક્રમે ઃ ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ ભારતમાં સૌથી વધુ ૧૮.૭ ટકા

- ભારતમાં કુપોષણનો દર ૧૬.૬ ટકા, પાંચ વર્ષથી નાના બાળકનો મૃત્યુદર ૩.૧ ટકા, મહિલાઓમાં એનિમિયાનો દર ૫૮.૧ ટકા

- ભૂખમરાની સ્થિતિના મૂલ્યાંકનના માપદંડો ખામીવાળા ઃ કેન્દ્રએ હંગર ઈન્ડેક્સનો રિપોર્ટ ફગાવ્યો 

નવી દિલ્હી: ભારત દુનિયામાં પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવા કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ગુરુવારે વૈશ્વિક સ્તરનો 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ' જાહેર થયો છે. ૧૨૫ દેશોને સમાવતા આ સૂચકાંકમાં ભારતનો ક્રમ ૧૧૧મો છે. વધુમાં 'ચાઈલ્ડ વેસ્ટિંગ'નો દર પણ સૌથી વધુ ૧૮.૭ ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી છે. આ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ દર્શાવાઈ છે. જોકે, આ સૂચકાંકને કેન્દ્ર સરકારને ફગાવી દીધો છે અને દાવો કર્યો છે કે ભારતને બદનામ કરવાના બદઈરાદાથી આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે. 

ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા જાહેર કરાયેલો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાની સ્થિતિ પર નજર રાખે છે. આ સંસ્થા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ ૧૧૧મો છે. આ ઈન્ડેક્સમાં ૧૨૫ દેશોનો સમાવેશ કરાયો હતો. ગયા વર્ષે ૧૨૧ દેશો પરના ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ ૧૦૭ હતો. આ વર્ષના સૂચકાંક મુજબ વિશ્વમાં 'ચાઈલ્ડ વેસ્ટિંગ' રેટ પણ ભારતમાં સૌથી વધુ ૧૮.૭ ટકા છે જ્યારે વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતનો સ્કોર ૨૮.૭ ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે.

આ ઈન્ડેક્સ મુજબ ભારતની સ્થિતિ તેના પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા અને આકાશને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ૧૦૨, બાંગ્લાદેશ ૮૧, નેપાળ ૬૯મા ક્રમે છે. વધુમાં થોડાક સમય પહેલાં નાદારીના આરે પહોંચી ગયેલું શ્રીલંકા આ ઈન્ડેક્સમાં ૬૦મા ક્રમે છે.

દુનિયામાં ભૂખમરાની સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ એશિયા, આફ્રિકાના સહારા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં છે, જ્યાં જીએચઆઈનો સ્કોર ૨૭ છે. હંગર ઈન્ડેક્સના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ વિશ્વમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ ભારતમાં સૌથી વધુ ૧૮.૭ ટકા છે, જે દેશમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. બાળકોની ઊંચાઈના સંદર્ભમાં વજનના આધારે ચાઈલ્ડ વેસ્ટિંગનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ઈન્ડેક્સ મુજબ ભારતમાં કુપોષણનો દર ૧૬.૬ ટકા છે અને પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર ૩.૧ ટકા છે. રિપોર્ટ મુજબ ૧૫થી ૨૪ વર્ષની સગીરા-યુવતીઓમાં એનેમિયાનો દર ૫૮.૧ ટકા જેટલો ઊંચો છે.

જોકે, કેન્દ્ર સરકારે આ ઈન્ડેક્સને ફગાવી દીધો છે. સરકારે સંસ્થાના 'ભૂખમરાની સ્થિતિ' માપવાના મૂલ્યાંકનો ખામીવાળા હોવાનો દાવો કરતા કહ્યું છે કે આ મૂલ્યાંકનો ભારતની સાચી સ્થિતિ રજૂ નથી કરી રહ્યા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં 'ગંભીર મેથડોલોજિકલ સમસ્યા' છે. વધુમાં આ રિપોર્ટ બદઈરાદાપૂર્વક ભારતને બદનામ કરવા તૈયાર કરાયો હોવાનું દર્શાવે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સૂચકાંકમાં ભૂખમરાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાના માપદંડો ખામીવાળા છે. આ ઈન્ડેક્સના ચારમાંથી ત્રણ માપદંડો બાળકના સ્વાસ્થ્ય સંબંધિત છે અને તે સંપૂર્ણ વસતીનું પ્રતિનિધિત્વ કરતા નથી જ્યારે ચોથો માપદંડ 'પ્રપોર્શન ઓફ અન્ડરનોરિશ્ડ પોપ્યુલેશન' માત્ર ૩,૦૦૦ના અત્યંત નાના કદના ઓપિનિયન પોલ પર આધારિત છે. 

મંત્રાલયે કહ્યું કે, એપ્રિલ ૨૦૨૩થી પાંચ વર્ષથી નાના બાળકોના ડેટા પોષણ ટ્રેકર પર અપલોડ કરાયા છે, જે સાતત્યપૂર્ણ વધારો દર્શાવે છે. તે એપ્રિલ ૨૦૨૩માં ૬.૩૪ કરોડથી વધીને સપ્ટેમ્બર ૨૦૨૩માં ૭.૨૪ કરોડ થયો છે. ચાઈલ્ડ વેસ્ટિંગની ટકાવારી પણ પોષણ ટ્રેક પર જોવા મળે છે, જે માસિક ધોરણે વધીને ૭.૨ ટકાથી નીચેના સ્તરે પહોંચી છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ ૧૮.૭ ટકા દર્શાવાયો છે.

- મનમોહન સરકારમાં ભારત ૬૩મા ક્રમે, મોદી સરકારમાં છેક ૧૧૧મા ક્રમે

વિશ્વમાં ભૂખમરાની સ્થિતિ દર્શાવતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત ૧૧૧મા ક્રમે છે. જોકે, વર્ષ ૨૦૧૩માં મનમોહન સરકારમાં ભારત ૬૩મા ક્રમે હતું. ત્યાર પછી વર્ષ ૨૦૧૪માં તેમાં આંશિક સુધારો થઈને ૫૫મા ક્રમે પહોંચ્યું હતું. જોકે, ત્યાર પછી દેશમાં ભૂખમરાની સ્થિતિ ક્રમશઃ સતત કથળી છે અને આજે ભારત ૧૧૧મા ક્રમે પહોંચી ગયું છે. આ ઈન્ડેક્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા નવ વર્ષમાં મોદી સરકારના શાસનમાં ભારતમાં ગરીબો વધુ ગરીબ થયા છે, મધ્યમ વર્ગ કચડાઈ રહ્યો છે જ્યારે ધનિકો વધુ ધનિક બન્યા છે. કેન્દ્ર સરકારે આ ઈન્ડેક્સને ફગાવી દીધો છે અને તેને બોગસ ગણાવ્યો છે. સરકારની એ વાત સાચી છે કારણ કે ભારતમાં ધનિકો વધુ ધનિક થયા છે એ બાબતની આ ઈન્ડેક્સમાં નોંધ જ નથી લેવાઈ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો