VIDEO : અટારી વાઘા બોર્ડર પર લહેરાવાયો દેશનો સૌથી ઊંચો ત્રિરંગો, પાકિસ્તાની ધ્વજ કરતાં 18 ફૂટ મોટો, દેખરેખ પણ કરશે
નવી દિલ્હી, તા.19 ઓક્ટોબર-2023, ગુરુવાર
પંજાબના અમૃતસર સ્થિત ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ અટારી-વાઘા બોર્ડર (Attari-Wagah Border) પર દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવાયો છે. ભારતના ત્રિરંગા (Indian Flag)ની ઊંચાઈ 418 ફુટ છે, જે પાકિસ્તાની ધ્વજ (Pakistani Flag)થી 18 ફુટ વધુ છે.
ત્રિરંગો ખાસ સર્વેલન્સ ટેકનોલોજીથી સજ્જ : નીતિન ગડકરી
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે, સરહદ પર લહેરાવાયેલ ત્રિરંગો ખાસ સર્વેલન્સ ટેકનોલોજીથી સજ્જ છે. ત્રિરંગાના ટોચ પર એક સિસ્ટમ લગાવાયું છે, જે આપણા જવાનોને સરહદની દેખરેખ રાખવામાં મદદ કરશે. અગાઉ ભારતીય ત્રિરંગાની પોલની ઊંચાઈ 360 ફુટ હતી, જ્યારે પાકિસ્તાની ધ્વજની પોલની ઊંચાઈ 400 ફુટ છે. હવે ભારતના દ્વારે 418 ફુટ ઊંચા ત્રિરંગો લહેરાઈ રહ્યો છે.
ટ્રાફિક-પાર્કિંગ-તૂટેલા રસ્તાઓની સમસ્યા નિવારવા માસ્ટર પ્લાન તૈયાર કરવાની જાહેરાત
આ અગાઉ કેન્દ્રીય મંત્રીએ શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે શ્રી હરમંદિર સાહિબની આસપાસના વિસ્તારોનું બ્યુટિફિકેશન અને ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને તૂટેલા રસ્તાઓની સમસ્યા નિવારવા માસ્ટર પ્લાન તૈયાર કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ માટે દુબઈના આર્કિટેક્ટ નિરંજન કુમારની મદદ મેળવવાનો પણ નિર્ણય કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment