લોકસભાની ટેસ્ટ મેચ પૂર્વે પાંચ રાજ્યોમાં T-20


- નવે.માં ચૂંટણી ડિસે.માં પરિણામ

- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, મિઝોરમમાં વિધાનસભાની 679 બેઠકો પર જંગ

- છત્તીસગઢમાં બે તબક્કામાં 7 અને 17મીએ, મિઝોરમમાં 7, મધ્ય પ્રદેશમાં 17, રાજસ્થાનમાં 23, તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન

- તેલંગાણામાં કોંગ્રેસ-બીઆરએસ વચ્ચે, મિઝોરમમાં એમએનએફ-કોંગ્રેસ વચ્ચે રસાકસી, છત્તીસગઢ-મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ, રાજસ્થાનમાં ભાજપ અગ્રેસર : પોલ

નવી દિલ્હી : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં ૭થી ૩૦ નવેમ્બર વચ્ચે ચૂંટણીઓ યોજાઇ જશે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ ગણાતી આ પાંચ રાજ્યોની ચૂંટણીઓના પરિણામો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખો અનુસાર ચાર રાજ્યોમાં એક તબક્કામાં જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે. મધ્ય પ્રદેશમાં ૧૭મી નવેમ્બર, રાજસ્થાનમાં ૨૩મી નવેમ્બર, તેલંગાણામાં ૩૦મી નવેમ્બર, મિઝોરમમાં ૭મી નવેમ્બરના મતદાન થશે. જ્યારે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન ૭મીએ જ્યારે બીજા તબક્કાનું મતદાન ૧૭મી નવેમ્બરના રોજ થશે. 

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકો છે, જ્યારે સત્તાપક્ષ કોંગ્રેસ છે. તેથી આ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ અહીંયા કોંગ્રેસના વરીષ્ઠ નેતા અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. વસુંધરા રાજે અને ભાજપ વચ્ચે અનબન હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. જોકે વસુંધરા રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓમાં સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. અને આવી કોઇ અનબન ન હોવાની સ્પષ્ટતા કરી હતી.  છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેથી આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. જ્યારે તેલગાણા અને મિઝોરમમાં સ્થાનિક પક્ષો અને ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે. 

ચૂંટણીઓની તારીખો જાહેર થઇ જતા આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે કેટલીક એજન્સીઓ દ્વારા ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ તેલંગાણામાં કુલ ૧૧૭ બેઠકો છે, વર્તમાન મુખ્યમંત્રી કેસીઆરને ઝાટકો લાગી શકે છે. જ્યારે મિઝોરમમાં જોરમગંથાનો પક્ષ જીત મેળવી શકે છે, જોકે મિઝોરમમાં કોંગ્રેસ પાછળ નથી, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળશે. એબીપી ન્યૂઝ સી-વોટર અનુસાર તેલંગાણામાં કોંગ્રેસને ૪૮થી ૬૦, ભાજપને ૫-૧૧ જ્યારે બીઆરએસને ૪૩-૫૫ બેઠક મળી શકે છે. તેથી તેલંગાણામાં બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. તેવી જ રીતે મિઝોરમમાં એમએનએફને ૧૩થી ૧૭, કોંગ્રેસને ૧૦થી ૧૪,  ઝેડપીએમને ૯થી ૧૩ બેઠક મળી શકે છે.  ઓપિનિયન પોલ અનુસાર કુલ ૯૦ બેઠકો ધરાવતા  છત્તીસગઢમાં કોંગ્રેસને ૪૫થી ૫૧, ભાજપને ૩૯થી ૪૫ બેઠકો મળશે, તેથી કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં ભાજપ બીજા ક્રમે રહી શકે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ કરતા ભાજપ આગળ હોવાનો દાવો પોલમાં કરાયો છે. જોકે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ નિકળી જશે. નવેમ્બર મહિનામાં આ પાંચેય રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે જ્યારે ચૂંટણીના પરીણામો ત્રણ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

મફત સુવિધાઓ પક્ષો કેવી રીતે-ક્યારે લાગુ કરશે તે જણાવવાનું રહેશે : ચૂંટણી પંચ

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. વિવિધ પક્ષો મતદારોને લલચાવવા માટે અવનવી જાહેરાતો કરી રહ્યા છે. એવામાં ચૂંટણી પંચે કહ્યું છે કે આ વખતે પક્ષો માટે એક પ્રોફાર્મા તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીઓ સમયે જે મોટા મોટા વચનો આપવામાં આવશે તેને ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે પક્ષોએ જણાવવાનું રહેશે. મતદારોને એ અધિકાર છે કે આ મફતમાં આપવાની જાહેરાતો છે તેને પક્ષો કેવી રીતે લાગુ કરશે. સાથે જ ચૂંટણી પંચે મફત સુવિધાઓ આપવાની જાહેરાતોને લોકલુભાવનવાદનો તડકો ગણાવ્યો હતો. 

મતદારોને જાગૃત કરવા ચૂંટણી પંચનો નિર્ણય 

ઉમેદવારોએ ક્રિમીનલ કેસોની માહિતી છાપામાં ૩ વખત આપવી પડશે

- પક્ષોએ ચૂંટણી પહેલા કુલ ફંડની અને ચૂંટણી બાદ કુલ ખર્ચની જાણકારી આપવાની રહેશે 

નવેમ્બર મહિનામાં ચાર રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. એવામાં ચૂંટણી પંચે એક મોટી જાહેરાત કરી છે. હવેથી જે પણ ઉમેદવારો સામે આપરાધિક કેસો હશે તેની જાણકારી ઉમેદવારોએ ત્રણ વખત સમાચારપત્રોમાં આપવાની રહેશે.

પ્રથમ વખત ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. જે મુજબ જે પણ પક્ષના ઉમેદવારોની સામે આપરાધિક કેસો હશે આ કેસોની સંપૂર્ણ જાણકારી એક નહીં પણ ત્રણ વખત સમાચારપત્રોમાં છપાવવાની રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે એવા ઉમેદવારો કે જેમની સામે કોઇ પણ પ્રકારના ગુનાની ફરિયાદ દાખલ થયેલી હોય તેની સંપૂર્ણ જાણકારી જાહેર કરવાની રહેશે. જેમાં કઇ કઇ કલમો લગાવાયેલી છે. અને ક્યા અપરાધ બદલ શુ કાર્યવાહી ચાલી રહી છે તે જણાવવાનું રહેશે. મતદારો પોતાના ઉમેદવારો અંગે વધુ જાગૃત થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.  

સાથે જ આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું છે કે આ ચાર રાજ્યોમાં વિવિધ પક્ષોએ ૩૧મી ઓક્ટોબર સુધીમાં કેટલુ ચૂંટણી ફંડ મળ્યું છે તેની જાણકારી આપવાની રહેશે. જ્યારે ચૂંટણી બાદ ખર્ચાની જાણકારી આપવાની રહેશે. આ રિપોર્ટ જાહેર કર્યા બાદ જ પક્ષોને ટેક્સની છૂટ મળશે. સાથે જ ચૂંટણી પંચે અન્ય એક મોટી જાહેરાત વૃદ્ધ મતદારોને લઇને કરી છે. આ ચાર રાજ્યોમાં વૃદ્ધો ઘરેથી પણ મતદાન કરી શકશે. સાથે જ રાજ્યોની સરહદો પર ૯૪૦ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. ગેરકાયદે દારૂ, રોકડા રૂપિયા, મફતમાં આપવાનો થતો સામાન અને ડ્રગ્સ પર નજર રખાશે. પૈસાના જોરે ચૂંટણીઓ લડવા કે જીતવાને ચલાવી નહીં લેવાય તેમ ચૂંટણી પંચે કહ્યું છે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો