આવતીકાલથી શરૂ થશે 18મી લોકસભાનું પ્રથમ સત્ર, PM મોદી અને નવા સાંસદો લેશે શપથ


First Session Of 18th Lok Sabha : આવતીકાલે સોમવાર (24 જૂન)થી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે.

પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે

સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા વડાપ્રધાન શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકરને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. આ પદ માત્ર બે દિવસ માટે છે.

પ્રોટેમ સ્પીકર પદ માટે કયાં નામોની ચર્ચા?

પ્રોટેમ સ્પીકરની મદદ માટે એટલે કે તેમની થોડા સમય માટેની ગેરહાજરી દરમિયાન તેમની ખુરશી પર બેસી ગૃહનું કાર્ય ચલાવવા માટે પાંચ પ્રિસાઇડિંગ ઓફિસરોનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમાં કે.સુરેશ, સુદીપ બંદોપાધ્યાય, ટી.આર.બાલુ, રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેનો સમાવેશ થાય છે.

પ્રોટેમ સ્પીકર તરીકે કોણ ચૂંટાય છે?

બંધારણમાં પ્રોટેમ સ્પીકરનો ઉલ્લેખ નથી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયની હેન્ડ બુકમાં તેનો ઉલ્લેખ છે. પ્રોટેમ સ્પીકરની કામગીરી સાંસદોને શપથ અપાવવા ઉપરાંત અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા હોય છે. પરંપરા મુજબ પ્રોટેમ સ્પીકર તરીકે સૌથી વરિષ્ઠ સાંસદની પસંદગી થાય છે, પરંતુ આ માટે કોઈ લેખિત કે નિશ્ચિત નિયમ નથી.

ભૃતુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ

આ વખતે વિપક્ષ ભૃતુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવાનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે મહતાબ માત્ર સાત વખત લોકસભાના સાંસદ બન્યા છે, જ્યારે કે.સુરેશ આઠમી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. જો કે, સંસદીય બાબતોના મંત્રીની દલીલ છે કે, સુરેશ લોકસભામાં બે વખત સાંસદ તરીકે ચૂંટાયા ન હોવાને કારણે સતત સેવા આપી શક્યા નથી, જ્યારે મહતાબ છેલ્લા બે વર્ષથી સતત લોકસભાના સાંસદ છે.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી ક્યારે થશે?

નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તે આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બંને ગૃહોમાં અને સંભવતઃ બે જુલાઈએ રાજ્યસભામાં અને ત્રણ જુલાઈએ લોકસભામાં ચર્ચા થશે. વડાપ્રધાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. સંસદનું સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે.

નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે

લોકસભા ચૂંટણી-2024માં ઈન્ડિ ગઠબંધને (I.N.D.I.A. Alliance) 235 બેઠકો જીતી છે, જેના કારણે નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે. આ ઉપરાંત વિપક્ષ ઉપાધ્યક્ષ પદની ચૂંટણીની પણ આશા રાખી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ પદ ખાલી છે. 17મી લોકસભામાં ઉપાધ્યક્ષ પદ પાંચ વર્ષથી ખાલી છે. ગૃહમાં કોઈ વિપક્ષી નેતા ન હોવાનું બીજી વખત બન્યું છે. સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો