પહેલા મોટા પડકારમાં પાસ થઈ NDA સરકાર? લોકસભા સ્પીકર મુદ્દે સહયોગી પક્ષો 'રાજી'

Rajnath Singh

Parliament Speaker Election 2024 : દેશમાં મોદી 3.0ની સરકાર બન્યા બાદ લોકસભા અધ્યક્ષ પદ અને નાયબ અધ્યક્ષ પદની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકાર બન્યા બાદ લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર 24 જૂનથી આઠ દિવસ માટે શરૂ થવાનું છે, જેમાં 26મી જૂને આ બંને પદ માટે ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પહેલા ભાજપ એનડીએના સાથી પક્ષોને મનાવવામાં સફળ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. એનડીએના સાથી પક્ષોએ અધ્યક્ષ પદ માટે ભાજપ પર નિર્ણય છોડી દીધો છે.

NDAના સાથી પક્ષોએ ભાજપ પર નિર્ણય છોડ્યો

ભાજપે અધ્યક્ષ પદના ઉમેદવારના નામ અંગે સર્વસંમતિ બનાવવા માટે એનડીએના સાથી પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેમાં ભાજપે તેમને કોઈ નામ અથવા સૂચન આપવા કહ્યું હતું. જોકે એનડીએના સાથી પક્ષોએ હજુ સુધી કોઈપણ નામનું સૂચન આપ્યું નથી અને ભાજપ અંતિમ નિર્ણય છોડી દીધો છે. સાથી પક્ષોએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની સાથે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જવાબદારી આપી છે કે, તેઓ અધ્યક્ષ પદ માટે સાથી પક્ષો અને વિપક્ષો સાથે વાતચીત કરી સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરે. 

રાજનાથ સિંહના ઘરે યોજાયેલી બેઠકમાં આ નેતાઓ રહ્યા ઉપસ્થિત

નવી દિલ્હીમાં રાજનાથ સિંહના નિવાસસ્થાને આજે સાંજે ભાજપના સાથી પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકજશક્તિ પાર્ટી (પાસવાન)ના વડા ચિરાગ પાસવાન, જેડીયુના નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, ડૉક્ટર વીરેન્દ્ર કુમાર, ટીડીપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડૂ, ભાજપના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, વિદેશ મંત્રી એસ.જયશંકર, મનોહર લાલ ખટ્ટર, પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને અન્નપૂર્ણા દેવી સહિત અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ ચર્ચા કરાઈ

બેઠકમાં 24 જૂને શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ડિ ગઠબંધન (INDIA Alliance)ના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે, ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષોમાંથી કોઈ એકને નહીં અપાય તો અમે અધ્યક્ષની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉતારીશું.

જેડીયુએ ભાજપને સમર્થન આપ્યું

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ (JDU)એ કહ્યું કે, તેઓ ભાજપે પસંદ કરેલા અધ્યક્ષ પદના નામનું સમર્થન કરશે. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) એનડીએના સાથી પક્ષો છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને બહુમતીના આંકડા સુધી પહોંચાડવામાં આ બંને પક્ષો કિંગમેકર બન્યા છે. 

નાયબ અધ્યક્ષ પદ મેળવવા વિપક્ષોની મોટી વ્યૂહનીતિ 

બીજીતરફ વિપક્ષ (ઈન્ડિય ગઠબંધન) વારંવાર માંગ કરી રહ્યા છે કે, વિપક્ષની કોઈ પાર્ટીને લોકસભામાં નાયબ અધ્યક્ષ પદ આપવું જોઈએ. લોકસભાની પરંપરા મુજબ સ્પીકરનું પદ સત્તાધારી પાર્ટી અથવા ગઠબંધન પાસે રહ્યું છે. તો ડેપ્યુટી સ્પીકરની ખુરશી વિપક્ષ પાર્ટી અને વિપક્ષના ગઠબંધનના ભાગમાં આવી છે. વર્ષ 2019ની ચૂંટણી બાદ નાયબ અધ્યક્ષ પદની ખુરશી પાંચ વર્ષ સુધી ખાલી રહી હતી. હવે વિપક્ષોની વ્યૂહનીતિ શરૂ થઈ છે કે, જો એનડીએને સર્વસંમતિ ચૂંટણી કરાવવી હોય તો તેણે વિપક્ષને નાયબ અધ્યક્ષ પદનું પદ આપી પરંપરાનું પાલન કરવું પડશે.

નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે

લોકસભા ચૂંટણી-2024માં ઈન્ડિ ગઠબંધને (I.N.D.I.A. Alliance) 235 બેઠકો જીતી છે, જેના કારણે નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે. આ ઉપરાંત વિપક્ષ ઉપાધ્યક્ષ પદની ચૂંટણીની પણ આશા રાખી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ પદ ખાલી છે. 17મી લોકસભામાં ઉપાધ્યક્ષ પદ પાંચ વર્ષથી ખાલી છે. ગૃહમાં કોઈ વિપક્ષી નેતા ન હોવાનું બીજી વખત બન્યું છે. સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવે છે.

લોકસભામાં કયા પક્ષ પાસે કેટલી બેઠકો

લોકસભામાં કયા પક્ષને કેટલી બેઠકો અંગે વાત કરીએ તો ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે 293 સાંસદો છે. એનડીએમાં ભાજપ 240 બેઠકો જીતનાર સૌથી મોટો પક્ષ છે, જ્યારે ટીડીપી પાસે 16, જેડીયુ પાસે 12, શિંદેની શિવસેના પાસે સાત અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાસે પાંચ સાંસદો છે. બાકીના 10 પક્ષોના 13 સાંસદો છે. વિપક્ષ ઈન્ડિ ગઠબંધનના કુલ 234 સાંસદો છે, જેમાં કોંગ્રેસે સૌથી વધુ 99 બેઠકો જીતી છે. ત્યારબાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) 37, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) 29, DMKએ 22 બેઠકો જીતી હતી. અધ્યક્ષ પદની ચૂંટણી જીતવા માટે 272ના આંકડાની જરૂર છે. 

26 જૂને યોજાઈ શકે છે લોકસભા અધ્યક્ષની ચૂંટણી

લોકસભા અધ્યક્ષ પદને લઈ ચાલી રહેલા રાજકીય ધમસાણ વચ્ચે 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે આઠ દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો