દેશના કયા રાજ્યમાં ભાજપને ક્યાં લાભ, ક્યાં નુકસાન, આખરે 240 બેઠક પર અટક્યો વિજયી રથ
Image Twitter |
Lok Sabha Elections Results 2024: વર્ષ 2014 અને 2019માં પોતાના બળ પર સત્તામાં આવેલી ભાજપ જો પાંચ વર્ષ સુધી સરકારમાં રહેવા માંગે, તો તેણે તેના સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 272ના જાદુઈ આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહી છે અને 240 બેઠકો પર જ અટકી ગઈ હતી. જો કે, તેમ છતાં પણ ભાજપ દાવો કરી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
ભાજપ માટે 2024નો આ આંકડાએ એક મોટો ઝટકો આપ્યો છે. કારણ કે પાંચ વર્ષમાં તેનો વોટ શેર નીચે આવી ગયો છે. 2019માં ભાજપને 37.7% વોટ મળ્યા હતા. જ્યારે આ વખતે ભાજપને 36.6% વોટ મળ્યા છે.
વોટ શેર લગભગ એક ટકા ઘટવાને કારણે ભાજપને 64 બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપે કેરળમાં ખાતુ ખોલ્યું છે, પરંતુ હિંદી પટ્ટાવાળા રાજ્યોમાં તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પરિણામો પરથી ખ્યાલ આવે છે કે, દક્ષિણ વિસ્તારને છોડીને બાકીના દરેક વિસ્તારમાં ભાજપને ભારે નુકસાન થયું છે.
આવો જાણીએ ક્યાં અને કેટલું નુકસાન?
પૂર્વ
આ પ્રદેશમાં બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. અહીં 153 બેઠકોમાંથી ભાજપ માત્ર 75 બેઠકો જીતી શક્યું હતુ. 2019માં ભાજપે અહીં 77 બેઠકો જીતી હતી. પૂર્વમાં આવેલા ઓડિશામાં ભાજપને સૌથી વધુ ફાયદો થયો છે. ઓડિશામાં ભાજપને ગત વખત કરતાં આ વખતે 12 વધુ બેઠકો મળી છે.
પશ્ચિમ
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દમણ દીવ-દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે. અહીં 132 બેઠકોમાંથી ભાજપે 79 બેઠકો જીતી છે. જ્યારે ગત વખતે ભાજપને 103 બેઠકો જીતી હતી. ભાજપને સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી થયું છે. આ બંને રાજ્યોમાંથી ભાજપે 24 બેઠકો ગુમાવી છે. તેને મધ્યપ્રદેશમાં માત્ર એક બેઠકનો ફાયદો થયો છે. મધ્યપ્રદેશમાં ભાજપે તમામ 29 બેઠકો પર જીત મેળવી છે.
ઉત્તર
આ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે. આ રાજ્યોની 126 બેઠકોમાંથી ભાજપ માત્ર 56 જ બેઠકો મળી છે. જ્યારે ગત વખતે તેને 94 બેઠકો મળી હતી. ભાજપને આ પ્રદેશમાં કંઈ નવું મળ્યું નથી, ઊલટાનું તેમાથી ગુમાવવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ 29 બેઠકોનું નુકસાન થયું છે.
દક્ષિણ
દક્ષિણની વાત કરીએ તો આ પ્રદેશમાં પાંચ રાજ્યોમાં કુલ 132 બેઠકો છે. જેમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો -લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જેમાંથી ભાજપે 30 બેઠકો જીતી છે. છેલ્લી ચૂંટણીમાં 29 બેઠકો જીતી હતી. તેમજ વધુમાં આ વખતે ભાજપે કેરળમાં ખાતુ ખોલ્યુ છે. કેરળની ત્રિશૂર બેઠક પરથી ભાજપના સુરેશ ગોપીએ જીત મેળવી છે. આંધ્ર અને તેલંગાણામાં ભાજપને 7 બેઠકો મળી છે, પરંતુ કર્ણાટકમાં પણ 8 બેઠકો ગુમાવવી પડી છે.
Comments
Post a Comment