તકવાદી I.N.D.I.A. ગઠબંધન મતદારોના હૃદયમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ, વડાપ્રધાન મોદીના પ્રહાર


Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા આવવાના શરૂ થઈ ગયા છે. તેવા સમયે કન્યાકુમારીમાં ૪૫ કલાકની ધ્યાન સાધના પૂરી કર્યા પછી વડાપ્રધાન મોદીએ શનિવારે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તકવાદી ઈન્ડિયા ગઠબંધન મતદારોના હૃદયમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોએ ફરી એક વખત એનડીએ સરકાર પસંદ કરવા માટે વિક્રમી સંખ્યામાં મતદાન કર્યું છે. મતદારોએ વિપક્ષના 'પ્રતિગામી રાજકારણ'ને નકારી કાઢ્યું છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂરું થયા પછી મોદીએ કહ્યું કે, લોકોએ તેમની સરકારનો ટ્રેક રેકોર્ડ જોયો છે. તેમની સરકારના કામકાજથી ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને દલિતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.

મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટમાં કહ્યું, 'ભારતે મતદાન કર્યું. પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા બધા જ લોકોનો હૃદયથી આભાર. તેમની સક્રિય ભાગીદારી આપણા લોકતંત્રનો પાયો છે. તેમની કટિબદ્ધતા અને સમર્પણ એ સુનિશ્ચિત કરે છે કે આપણા દેશમાં લોકતાંત્રિક ભાવના વિકસતી રહે છે. હું ચૂંટણીમાં મજબૂત ભાગીદારી માટે ભારતની નારી શક્તિ અને યુવા શક્તિની વિશેષરૂપે પ્રશંસા કરું છું. મતદાનમાં તેમની મજબૂત હાજરી ખૂબ જ ઉત્સાહજનક સંકેત છે.'

વડાપ્રધાને કહ્યું કે, તેઓ એ વિશ્વાસ સાથે કહી શકે છે કે ભારતની જનતાએ એનડીએ સરકારને ફરીથી ચૂંટી કાઢવા માટે વિક્રમી સંખ્યામાં મતદાન કર્યું છે. દેશની જનતાએ એ પણ જોયું છે કે કેવી રીતે સુધારાએ ભારતીય અર્થતંત્રને દુનિયામાં પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવી દીધું છે.

તેમણે ઉમેર્યું કે, સરકારની દરેક યોજનાઓ કોઈપણ ભેદભાવ અથવા ભ્રષ્ટાચાર વિના લાભાર્થી સુધી પહોંચી છે. તકવાદી ઈન્ડિયા ગઠબંધન મતદારોના હૃદયમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ ગયું છે. તેઓ જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ જોડાણનો આશય કેટલાક પરિવારવાદીઓનું રક્ષણ કરવાનો હતો અને રાષ્ટ્રને ભાવિ વિઝન દર્શાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે.

દરમિયાન વડાપ્રધાન મોદીએ શનિવારે કન્યાકુમારીમાં વિશ્વવિખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તમિલ સંત થિરુવલ્લુવરને અંજલિ આપીને ૪૫ કલાક લાંબી તેમની ધ્યાન સાધના પૂર્ણ કરી હતી. મોદીએ સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્ધ્ય આપ્યો હતો. ત્યાર પછી ધ્યાન કર્યું હતું. તેમની સાધનાના અંતે સફેદ ધોતીમાં સજ્જ વડાપ્રધાન મોદી ફેરી બોટમાં વિવેકાનંદ મેમોરિયલની બાજુમાં આવેલી ૧૩૩ ફૂટ ઊંચી થિરુવલ્લુવરની પ્રતિમાના સ્થળે પહોંચ્યા હતા અને તેમને ફૂલોની અંજલી આપી હતી અને ત્યાંથી તેઓ દરિયા કિનારે પહોંચ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો