હવે ભારતીયો માટે આ દેશમાં જવું પણ થશે સરળ, વિઝા ઑન અરાઈવલની તૈયારી
Taiwan Mulls Visa On Arrival For Indian : ભારત સાથે સંબંધો મજબૂત કરવા અને ભારતીયોને પોતાના દેશમાં લાવવા માટે તાઈવાન સરકાર પ્રયાસો હાથ ધર્યા છે. તેમની સરકારે ભારતીયોને ‘વિઝા ઑન અરાઈવલ’ આપવાની તૈયારી શરૂ કરી છે. તાઈવાનના નાયબ વિદેશ મંત્રી તિયેન ચંગ-ક્વાંગે કહ્યું કે, ભારતીય પ્રવાસીઓને વિઝા ઑન અરાઈવલની સુવિધા આપવા માટે તાઈવાન સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.
અમારો ઉદ્દેશ્ય ભારત સાથે સંબંધો મજબૂત કરવાનો : તાઈવાન
તેમણે કહ્યું કે, અમારી સરકાર દ્વારા વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાનો ઉદ્દેશ્ય ભારત સાથે સંબંધો મજબૂત કરવાનો અને ભારતીયોને તાઈવાન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીયો બહોળા પ્રમાણમાં પ્રવાસ કરે છે, તેથી અમે લુક ઈસ્ટ પોલિસી હેઠળ તેમને વિઝા ઑન અરાઈવલની સુવિધા આપવા માટે સક્રિયતાથી વિચારી રહ્યા છીએ.
‘અમે પહેલા અમારા ઈમિગ્રેશન વિભાગ સાથે ચર્ચા કરીશું’
તાઈપેઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા તાઈવાનના નાયબ વિદેશમંત્રી ક્વાંગે કહ્યું કે, ‘વિઝા ઑન અરાઈવલ પર નિર્ણય લીધા પહેલા અમે તાઈવાનના ઇમિગ્રેશન વિભાગ સાથે પ્રસ્તાવ અંગે આંતરિક ચર્ચા કરીશું. અમે ભારત સાથે અનુકૂળ પ્રવાસન અને વ્યવસાયિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.’ તેમણે યાદ અપાવ્યું કે, જ્યારે 1991ની શરૂઆતમાં ભારતે ‘લુક ઈસ્ટ પોલિસી’ની પહેલ કરી ત્યારે બંને દેશોએ વિઝા પ્રતિબંધોને હળવા કર્યા હતા.
ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપતા દેશો
ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપતા દેશોની યાદીની વાત કરીએ તો, 2023 સુધીના ડેટા મુજબ ભારતીય નાગરિકો 90 દિવસ સુધીના વિઝા-ઓન-અરાઈવલ પર સાત દેશો ઈરાન, તાંઝાનિયા, બુરુન્ડી, મોરિટાનિયા, ગેબોન, સમોઆ, ટોગોનો પ્રવાસ કરી શકે છે. આ વિઝા પર 60 દિવસ સુધી માલદીવ્સ અને કેપ વર્ડ જઈ શકે છે. જ્યારે ભારતીય આ વિઝા પર 42 દિવસ સુધી સેન્ટ લુસિયા અને 45 દિવસ સુધી કોમોરો ટાપુઓનો પ્રવાસ કરી શકે છે.
તેમજ ભારતીય નાગરિકો 30 દિવસ સુધીના વિઝા-ઓન-અરાઈવલ પર શ્રીલંકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, જોર્ડન, મ્યાનમાર, કંબોડિયા, મેડાગાસ્કર, સેશેલ્સ, ઇથોપિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, લાઓસ, સોમાલિયા, બોલિવિયા, બોત્સ્વાના, મોઝામ્બિક, રવાંડા, સિએરા લિયોન, તિમોર-લેસ્તે, તુવાલુ, માર્શલ ટાપુઓ, ગિની-બિસાઉ, પલાઉ ટાપુઓનો પ્રવાસ કરી શકે છે.
Comments
Post a Comment