જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ : પીએમ મોદી


- પીએમ મોદી આજે શ્રીનગરમાં યોગ દિવસ ઉજવશે

- જમ્મુ-કાશ્મીરના વિકાસને કોઈ આતંકી ઘટનાઓ રોકી શકશે નહીં : વડાપ્રધાન, 3300 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશ્મીરના બે દિવસના શ્રીનગર પહોંચ્યા હતા. કાશ્મીરમાં ૩૩૦૦ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને શુભારંભ કરતા પીએમ મોદીએ દેશને આશ્વાસન આપ્યું કે દુશ્મનોને આકરી સજા કરવામાં તેમની સરકાર કોઈ કચાશ બાકી નહીં રાખે. મોદી શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિનના પ્રસંગે અહીં યોગ દિવસ ઊજવશે. 

લોકસભા ચૂંટણી પછી પહેલી વખત શ્રીનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું વિભાજન કરતી કલમ ૩૭૦ હવે દૂર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં હવે ખરા અર્થમાં ભારતનું બંધારણ લાગુ થયું છે. આજે લાલ ચોકમાં મોડી સાંજ સુધી દુકાનો ખુલ્લી રહી શકે છે. લોકોની અવર-જવર વધી છે. ડાલ સરોવરના કિનારે સ્પોર્ટ્સ કારોનો શો થઈ શકે છે અને દુનિયા તે જોઈ શકે છે.

તાજેતરના આતંકી હુમલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, દુશ્મનોને જમ્મુ-કાશ્મીરનો વિકાસ પસંદ નથી. તેઓ આજે આ વિકાસ રોકવા માટે 'અંતિમ પ્રયત્નો' કરી રહ્યા છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં હવે વિકાસ રોકાશે નહીં. કાશ્મીર ખીણ હવે રેલવે સંપર્કથી પણ દેશ સાથે જોડાઈ રહી છે. ચીનાબ નદી પર દુનિયાનો સૌથી મોટો રેલવે બ્રીજ બન્યો છે. તેની તસવીરો જોઈને દરેક ભારતીયને ગૌરવ થાય છે. આતંકી ઘટનાઓને સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. હું તમને બધાને આશ્વાસન આપું છું કે જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આકરી સજા કરવામાં આવશે. શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં અહીં જે મોટા પાયે મતદાન થયું તેણે દુનિયાભરને સંદેશો આપી દીધો છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્ર વધુ મજબૂત થયું છે.

હકીકતમાં વડાપ્રધાન મોદી શુક્રવારે ૨૧ જૂને શ્રીનગરમાં વહેલી સવારે ૬.૩૦ કલાકે એસકેઆઈસીસીમાં ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી માટે યોજાનારા સમારંભમાં ભાગ લેશે. શુક્રવારે સવારે ડલ સરોવર ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ૭,૦૦૦ લોકો જોડાશે. વડાપ્રધાનની મુલાકાતના પગલે શ્રીનગરમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા શ્રીનગરને કામચલાઉ રીતે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

છ રાજ્યોની આઠ બેઠકોના ઉમેદવારોએ EVMની ચકાસણી માટે અરજી કરી

92 મતદાન કેન્દ્રોના મશીનોની ખરાઈની માગ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં અંગે વિપક્ષના આક્ષેપો વચ્ચે દેશના ૬ રાજ્યોની ૮ લોકસભા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત ૮ ઉમેદવારોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તેમણે ઈવીએમની માઈક્રો કંટ્રોલર ચીપ્સ સાથે ચેડાંની ફરિયાદ કરી છે.

સુપ્રીમ કોર્ટે ૨૬ એપ્રિલે ઈવીએમ સાથે ચેડાંની આશંકાઓને નિરાધાર ગણાવતા પેપર બેલેટ પર પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ એ જ સમયે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પરિણામોમાં હારી ગયેલા ઉમેદવારોને એક વિકલ્પ આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે ચૂંટણી પરિણામોમાં બીજા અને ત્રીજા ક્રમે આવનારા ઉમેદવારો પ્રત્યેક ચૂંટણી ક્ષેત્રમાં પાંચ ઈવીએમની ખરાઈ માટે લેખિત અરજી કરી શકે છે. કોર્ટે આ પ્રક્રિયા માટે ચૂંટણી પંચને એક નિશ્ચિત ચાર્જ વસૂલવાની મંજૂરી પણ આપી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ ઈવીએમનું વેરિફિકેશન કરાવવા માગતા ઉમેદવારોએ પ્રતિ મશીન રૂ. ૪૦,૦૦૦ અને ૧૮ ટકા જીએસટી એડવાન્સ ચૂકવવાના રહેશે.

ઈવીએમની માઈક્રો કંટ્રોલર ચીપ્સની ખરાઈની માગણી કરનારા ઉમેદવારોમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના અહેમદનગરથી ભાજપના ઉમેદવાર સુજય વિખે પાટીલે ૪૦ મતદાન કેન્દ્રોના મશીનોની ખરાઈની માગ કરી છે. પાટિલને લોકસભા ચૂંટણીમાં શરદપવારની એનસીપીના ઉમેદવાર નીલેશ લંકેએ હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ વાયએસઆર કોંગ્રેસ અને ડીએમડીકેના એક-એક ઉમેદવારે પણ વેરિફિકેશન માટે અરજી કરી છે. ચૂંટણી પંચ મુજબ કુલ છ રાજ્યોની આઠ સંસદીય બેઠકોના ઉમેદવારોએ ઈવીએમના વેરિફિકેશનની માગ કરી છે. કુલ ૯૨ મતદાન કેન્દ્રોના મશીનોના વેરિફિકેશનની માગ કરાઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો