ગુજરાત પર મહેરબાન થયા મેઘરાજા, યલો એલર્ટ વચ્ચે આ જિલ્લાને વરસાદે ઘમરોળ્યું
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે (25મી જૂન) પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.
વડોદરામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
વડોદરાના પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના કાંકરેજના આકોલી, શિહોરી,દાંતા અને અરણીવાડામાં વરસાદ વરસ્યો છે. દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું
અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદન લઈને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર માત્રામાં આવક થઈ છે. નોંધનીય છે કે, આજે રાજ્યના 88 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો છે. આ સિવાય ખેડામાં સવા બે ઈંચ, વડોદરાના ડેસરમાં પોણા 2 ઈંચ,પંચમહાલના કાલોલમાં સવા 2 ઈંચ અને વડોદરાના પાદરામાં એક ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: મોસમનો બગડ્યો મિજાજ! દેશમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીની ચેતવણી, જાણો IMDનું અપડેટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદમાં ભારે વરસાદ થઈ શકે છે. 28 જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
Comments
Post a Comment