વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કયા રાજ્યમાંથી કયા સાંસદને સ્થાન મળ્યું? જુઓ યાદી


PM Modi Cabinet :  લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે, જે સતત ત્રીજી વખત દેશનું સુકાન સંભાળશે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી સહિત સ્વતંત્ર વિભાગ ધરાવતા પાંચ મંત્રી અને રાજ્ય કક્ષાના 36 મંત્રી પણ સામેલ છે. 

મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં કયા રાજ્યના કયા નેતાને સ્થાન મળ્યું છે, તેની સંપૂર્ણ યાદી આ પ્રમાણે છે. 

કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેનારા સાંસદો 

1. નરેન્દ્ર મોદીઃ 73 વર્ષીય નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ઉત્તર પ્રદેશની વારાણસી બઠક પરથી ત્રીજી વાર લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.  

2. રાજનાથ સિંહઃ ઉંમર 72 વર્ષ. તેઓ દેશના ગૃહ અને સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે. 

3. અમિત શાહઃ ઉંમર 59 વર્ષ. દેશના ગૃહ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ગાંધીનગરથી ફરી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં ચાર વાર ધારાસભ્ય રહ્યા છે અને રાજ્ય ગૃહ મંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. 

4. નીતિન ગડકરીઃ ઉંમર 67 વર્ષ. 2014થી મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવતા ગડકરી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. સતત ત્રીજી વાર મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. 

5. જે.પી. નડ્ડાઃ ઉંમર 67 વર્ષ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. 20143માં મોદી સરકારમાં આરોગ્ય મંત્રી હતા. હિમાચલ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.

6. શિવરાજ સિંહ ચૌહાણઃ ઉંમર 65 વર્ષ. પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આ લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. 

7. નિર્મલા સીતારમણઃ ઉંમર 64 વર્ષ. પાછલી સરકારમાં નાણા મંત્રી હતા. હવે રાજ્યસભાથી સાંસદ છે. 

8. એસ. જયશંકરઃ ઉંમર 69 વર્ષ. વિદેશ સચિવ તરીકે નિવૃત્ત થયા પછી વિદેશ મંત્રી બન્યા. બે વાર રાજ્યસભામાંથી સાંસદ તરીકે પસંદ થઈ ચૂક્યા છે. 

9. મનોહરલાલ ખટ્ટરઃ 70 વર્ષીય મનોહરલાલ ખટ્ટરે કેન્દ્રીય મંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા. નવ વર્ષ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સંઘના પૂર્વ પ્રચાર એવા ખટ્ટર હરિયાણાના કરનાલથી પહેલીવાર સાંસદ તરીકે પસંદ કરાયા છે. 

10. એચ.ડી. કુમારાસ્વામીઃ ઉંમર 65 વર્ષ. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાના પુત્ર છે અને વોક્કલિગા સમુદાયમાંથી આવે છે. તેઓ ત્રીજી વાર લોકસભા સાંસદ બન્યા છે. એનડીએના સાથી પક્ષ જનતા દળ (સેક્યુલર)ના નેતા છે. 

11. પિયુષ ગોયલઃ 60 વર્ષીય પિયુષ ગોયલ પહેલીવાર લોકસભામાં સાંસદ તરીકે પસંદ કરાયા છે. આ પહેલા પાછલી સરકારોમાં રાજ્યસભાના સભ્ય તરીકે મંત્રી રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. 

12. ધર્મેન્દ્ર પ્રધાનઃ ઉંમર 54 વર્ષ. પાછલી સરકારમાં શિક્ષણ મત્રી હતા. ઓડિશાની સંબલપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. 

13. જીતનરામ માંઝીઃ ઉંમર 78 વર્ષ. એનડીએના સાથી પક્ષ હિંદુસ્તાની અવામી મોરચાના નેતા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે અને દલિત સમાજમાંથી આવે છે. તેઓ પહેલીવાર સાંસદ બન્યા છે. 

14. લલન સિંહઃ ઉંમર 69 વર્ષ. એનડીએના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડના નેતા છે. જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ભૂમિહાર સમાજમાંથી આવે છે. તેઓ મુંગેરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. 

15. સર્બાનંદ સોનોવલઃ ઉંમર 62 વર્ષ. આસામના પૂર્વ મુખ્યમંત્રી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. પાછલી સરકારમાં મંત્રી હતા. આસામની દિબ્રૂગઢ બેઢક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. 

16. વીરેન્દ્ર ખટીકઃ ઉંમર 70 વર્ષ. પાછલી સરકારમાં મંત્રી હતા. આઠ વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે મધ્ય પ્રદેશની ત્રિકમગઢ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે, જે અહીંના મોટા દલિત નેતા મનાય છે. 

17. કે. રામમોહન નાયડુઃ આ મંત્રીમંડળમાં 36 વર્ષના સૌથી નાના મંત્રી તરીકે પસંદ થયા છે. પૂર્વ મંત્રી યેરેન નાયડુના પુત્ર છે અને આંધ્ર પ્રદેશની શ્રીકાકુલમથી સાંસદ છે. 

18. પ્રહલાદ જોશીઃ ઉંમર 61 વર્ષ. કર્ણાટકના ધારવાડથી પાંચમીવાર લોકસભા ચૂંટણી જીત્યા છે. કર્ણાટક ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પાછલી સરકારમાં પણ મંત્રી હતા. 

19. જુએલ ઓરામઃ ઉંમર 63 વર્ષ. ઓડિશાના સુંદરગઢથી સાંસદ તરીકે ચૂંટાયા છે. છ વાર સાંસદ રહી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ દિગ્ગજ આદિવાસી નેતા તરીકે જાણીતા છે. 

20. ગિરિરાજ સિંહઃ ઉંમર 71 વર્ષ. પાછલી સરકારમાં પણ મંત્રી હતા. સતત ત્રીજી વાર બિહારની બેગુસરાય બેઠક પરથી ચૂંટાયા છે. બિહાર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. 

21. અશ્વિની વૈષ્ણવઃ ઉંમર 54 વર્ષ. પાછલી સરકારમાં પણ મંત્રી હતા. IAS તરીકે રાજીનામું આપીને રાજકારણમાં સક્રિય થયા હતા. હાલ ઓડિશાથી રાજ્યસભા સાંસદ છે. 

22. જ્યોતિરાદિત્ય સિંધિયાઃ ઉંમર 53 વર્ષ. 2020માં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો અને કેન્દ્રીય મંત્રી બન્યા. પાંચમી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. મધ્ય પ્રદેશી ગુના બેઠકથી સાંસદ છે. 

23. ભૂપેન્દ્ર યાદવઃ ઉંમર 55 વર્ષ. રાજસ્થાનના અલવરથી પહેલીવાર લોકસભા સાંસદ તરીકે ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં પર્યાવરણ મંત્રી હતા. ભાજપના વ્યૂહનીતિકાર તરીકે ઓળખ ધરાવે છે. 

24. ગજેન્દ્ર સિંહ શેખાવતઃ ઉંમર 57 વર્ષ. રાજસ્થાનની જોધપુર બેઠક પરથી બીજી વાર ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં જળશક્તિ મંત્રી હતા. 

25. અન્નપૂર્ણા દેવીઃ ઉંમર 54 વર્ષ. ઝારખંડના કોડરામાથી સાંસદ છે, જે ઓબીસી સમાજમાંથી આવે છે. પાછલી સરકારમાં શિક્ષણ રાજ્ય મંત્રી હતા. આ વખતે બીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. 

26. કિરેન રિજીજુઃ ઉંમર 52 વર્ષ. અરુણાચલ પશ્ચિમ બેઠકથી લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં મંત્રી હતા અને પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો મહત્ત્વનો ચહેરો ગણાય છે. 

27. હરદીપ પુરીઃ ઉંમર 72 વર્ષ. ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે અને પાછલી સરકારમાં મંત્રી હતા. IFS તરીકે નિવૃત્ત થઈ રાજકારણમાં પ્રવેશ્યા હતા. 

28. મનસુખ માંડવિયાઃ ઉંમર 51 વર્ષ. ગુજરાતના પોરબંદરથી પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં મંત્રી હતા. 

29. જી. કિશન રેડ્ડીઃ ઉંમર 64 વર્ષ. તેલંગાણાની સિકંદરાબાદ બેઠક પરથી બીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં પ્રવાસન સંસ્કૃતિ મંત્રી હતા. 

30. ચિરાગ પાસવાનઃ ઉંમર 41 વર્ષ. બિહારના હાજીપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. એનડીએના સાથી પક્ષ લોકજનશક્તિ પાર્ટી- રામવિલાસના નેતા છે. તેમણે પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. 

31. સી.આર. પાટીલઃ ઉંમર 59 વર્ષ. ગુજરાત ભાજપ અધ્યક્ષ છે અને નવસારી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સતત ચોથીવાર ચૂંટણી જીત્યા છે. 2019માં સૌથી વધુ સરસાઈથી જીતવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. 

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લેનારા સાંસદો

1. રાવ ઈન્દ્રજીત સિંહ: ઉંમર 74 વર્ષ. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ છે. ગત સરકારમાં યોજના રાજ્યમંત્રી હતા. 2014ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. 

2. જીતેન્દ્ર સિંહ: ઉંમર 67 વર્ષ. જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા. ગત સરકારમાં પણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) રહી ચૂક્યા છે.

3. અર્જુન રામ મેઘવાલ: ઉંમર 70 વર્ષ. રાજસ્થાનના બિકાનેરના સાંસદ છે. ગત સરકારમાં કાનૂન મંત્રી હતા. રાજસ્થાનના રાજકારણનો દલિત ચહેરો છે. રાજકારણમાં આવતા પહેલાં IAS અધિકારી રહી ચૂક્યા છે.

4. પ્રતાપરાવ જાધવ: ઉંમર 63 વર્ષ.  મહારાષ્ટ્રની બુલઢાણા બેઠક પરથી સાંસદ છે અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ત્રીજીવાર લોકસભાની ચૂંટણી જીત્યા છે અને પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.

5. જયંત ચૌધરી: ઉંમર 45 વર્ષ. એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ છે. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બનશે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના પૌત્ર છે.

રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા સાંસદો

1. જિતિન પ્રસાદ: ઉંમર 50 વર્ષ. ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી સાંસદ છે. 2021માં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. મનમોહન સિંહ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.

2. શ્રીપદ નાઈક: ઉંમર 61 વર્ષ, ગોવા ઉત્તર બેઠક પરથી સતત છઠ્ઠી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

3. પંકજ ચૌધરી: ઉંમર 59 વર્ષ. ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. ઓબીસી સમુદાયમાંથી આવે છે. પાછલી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

4. કૃષ્ણપાલ ગુર્જર: ઉંમર 67 વર્ષ. હરિયાણાના ફરીદાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પાછલી સરકરામાં ઊર્જા રાજ્ય મંત્રી હતા અને સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા છે.

5. રામદાસ આઠવલે : ઉંમર 64 વર્ષ. મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ છે અને સતત ત્રીજી વાર ચૂંટણી જીત્યા છે. એનડીએના સાથી પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ છે. પાછલી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

6. રામનાથ ઠાકુર : ઉંમર 74 વર્ષ. બિહારથી રાજ્યસભા સાંસદ છે. ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે. એનડીએના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડના નેતા છે.

7. નિત્યાનંદ રાય : ઉંમર 58 વર્ષ, બિહારની ઉજિયારપુર બેઠક પરથી સાંસદ છે. પાછલી સરકારમાં પણ ગૃહ રાજ્યમંત્રી હતા અને સતત ત્રીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. બિહાર ભાજપના પૂર્વ અધ્યક્ષ છે.

8. અનુપ્રિયા પટેલઃ ઉંમર 43 વર્ષ. ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી સાંસદ છે. એનડીએના સાથી પક્ષ અપના દળ (સોનેવાલ)ની અધ્યક્ષ છે, ગત સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે.

9. વો સોમન્ના : ઉંમર 73 વર્ષ, કર્ણાટકની તુમકુર સીટથી સાંસદ છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે.

10. પી ચંદ્રશેખર : ઉંમર 48 વર્ષ. દેશના સૌથી અમીર સાંસદ છે. આંધ્ર પ્રદેશના ગુંટુરથી પ્રથમ વખત લોકસભા ચૂંટણી જીત્યા. પ્રથમવાર કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે. 

11. એસ. પી. સિંહ બઘેલ : ઉંમર 64 વર્ષ. ઉત્તર પ્રદેશની આગરા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. દલિત સમુદાયમાંથી આવે છે. ગત સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. એકવાર રાજ્યસભા અને પાંચવાર લોકસભામાંથી સાંસદ રહી ચૂક્યા છે. 

12. શોભા કરંદલાજે : ઉંમર 57 વર્ષ. કર્ણાટકની ઉત્તર બેંગલુરુ બેઠક પરથી પાછલી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી હતા, વોક્કાલિગા સમાજમાંથી આવે છે.

13. કીર્તિવર્ધન સિંહઃ ઉંમર 58 વર્ષ. ઉત્તર પ્રદેશની ગોંડા બેઠક પરથી સાંદ છે. પાંચ વાર સાંસદ બની ચૂક્યા છે, પરંતુ પહેલીવાર સાંસદ બન્યા છે. પૂર્વાંચલમાં પણ ભાજપના મોટા નેતા મનાય છે. 

14. બી. એલ. વર્માઃ ઉંમર 62 વર્ષ. ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે. 2020માં પહેલીવાર સાંસદ બન્યા હતા. પાછલી સરકારમાં પણ રાજ્ય મંત્રી હતા. ઓબીસી સમાજમાંથી આવે છે. 

15. શાંતનુ ઠાકુરઃ ઉંમર 41 વર્ષ. પશ્ચિમ બંગાળની બનગાંવ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. મટુઆ સમાજમાંથી આવે છે અને પાછલી સરકારમાં પણ રાજ્ય મંત્રી રહી ચૂક્ચા છે. 

16. સુરેશ ગોપીઃ ઉંમર 65 વર્ષ. કેરળની થ્રિસૂર બેઠક પરથી સાંસદ છે. કેરળમાં ભાજપ પહેલીવાર જીત્યો છે, જેમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે. તેઓ મલયાલમ ફિલ્મના અભિનેતા છે અને પહેલીવાર મંત્રી બન્યા છે. 

17. એલ. મુરુગનઃ ઉંમર 47 વર્ષ. મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે. દલિત સમાજમાંથી આવે છે અને મૂળ તમિલનાડુના છે. પાછલી સરકારમાં પણ મંત્રી હતા. ભાજપે નીલગિરીથી એ. રાજા વિરુદ્ધ ટિકિટ આપી હતી, પરંતુ હારી ગયા હતા. 

18. અજય ટમ્ટાઃ ઉંમર 53. ઉત્તરાખંડની અલમોડા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. 

19. બંડી સંજય કુમાર : ઉંમર 52 વર્ષ. તેલંગાણાના કરીમનગરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. છે. પ્રથમ વખત મંત્રી બની રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ છે અને તેલંગાણાના ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

20. કમલેશ પાસવાન: ઉંમર 57 વર્ષ. ઉત્તર પ્રદેશના બાંસગાવ બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સતત ચોથી વાર સાંસદ બન્યા છે અને પ્રથમવાર મંત્રી બની રહ્યા છે.

21. ભાગીરથ ચૌધરી: ઉંમર 60 વર્ષ. રાજસ્થાનના અજમેરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જાટ સમુદાયમાંથી આવે છે અને  પ્રથમ વખત મંત્રી બની રહ્યા છે.

22. સતીષ દુબે: ઉંમર 49 વર્ષ. બિહારથી રાજ્યસભા સાંસદ છે. 2014માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

23. સંજય સેઠ: ઉંમર 64 વર્ષ. ઝારખંડના રાંચીથી સાંસદ છે. રાજકારણમાં પ્રવેશ્યા પછી ઉદ્યોગપતિ છે, જે સતત બીજી વાર ચૂંટણી જીત્યા છે.

24. રવનીત બિટ્ટુ: ઉંમર 49 વર્ષ. હાલ કોઈપણ ગૃહના સભ્ય નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંતસિંહના પૌત્ર છે. ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

25. દુર્ગાદાસ ઉઈકેઃ ઉંમર 60 વર્ષ. મધ્ય પ્રદેશની બૈતુલ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આદિવાસી સમાજના અગ્રણી નેતા છે. 

26. રક્ષા ખડસેઃ ઉંમર 37 વર્ષ. મહારાષ્ટ્રની રાવેર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. મહારાષ્ટ્રના કદાવર નેતા એકનાથ ખડસેના પુત્રી છે. 

27. સુકાંત મજુમદાર : ઉંમર 44 વર્ષ. પશ્ચિમ બંગાળના બેલુરઘાટ બેઠક પરથી સાંસદ છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ છે અને સતત બીજી વાર લોકસભા ચૂંટણી જીત્યા છે. પ્રથમ વખત મંત્રી બની રહ્યા છે.

28. સાવિત્રી ઠાકુર : ઉંમર 45 વર્ષ. મધ્યપ્રદેશની ધાર બેઠકથી સાંસદ છે. બીજી વાર ચૂંટણી જીત્યા છે. આદિવાસી સમાજમાંથી આવે છે. જિલ્લા પંચાયતના રાજકારણથી શરૂઆત કરી.. હવે પહેલીવાર મંત્રી બન્યાં છે.

29. તોખન સાહુ : ઉંમર 53 વર્ષ. છત્તીસગઢના બિલાસપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. 

30. રાજભૂષણ ચૌધરી : ઉંમર 46 વર્ષ. બિહારના મુઝફ્ફરપુરથી સાંસદ છે. થોડાક દિવસો પહેલાં જ ભાજપમાં જોડાયા છે. ઓબીસી સમુદાયમાંથી આવે છે.

31. ભૂપતિ રાજુ શ્રીનિવાસ શર્મા : ઉંમર 56 વર્ષ. આંધ્ર પ્રદેશના નરસાપુરમથી સાંસદ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા છે. બૂથ કાર્યકર્તા તરીકે રાજકારણની શરૂઆત કરી અને પહેલીવાર મંત્રી બન્યા છે.

32. હર્ષ મલહોત્રા : ઉંમર 60 વર્ષ. પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. પ્રથમ વખત સાંસદ બન્યા છે અને પ્રથમ વખત જ મંત્રી બની રહ્યા છે. કોર્પોરેટર તરીકે રાજકારણની શરૂઆત કરી અને પૂર્વ દિલ્હીથી મેયર પણ રહી ચૂક્યા છે.

33. નિમુબેન બાંભણિયા: ઉંમર 57 વર્ષ. ગુજરાતની ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યાં છે. પહેલીવાર મંત્રી બનાવાયા છે.

34. મુરલીધરન મોહોલ: ઉંમર 49 વર્ષ. મહારાષ્ટ્રના પુણેથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. પૂણેના મેયર રહી ચૂક્યા છે. પહેલીવાર ચૂંટણી જીત્યા છે અને મંત્રી બનાવવામાં આવ્યા છે.

35. જ્યોર્જ કુરિયન: ઉંમર 63 વર્ષ. એકપણ ગૃહના સભ્ય નથી. કેરળ ભાજપના મહાસચિવ છે અને ખ્રિસ્તી સમુદાયથી આવે છે. અલ્પસંખ્યક આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ છે.

36. પબિત્રા માર્ગરિટા : ઉંમર 49 વર્ષ. આસામથી રાજ્યસભા સાંસદ છે. પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે. સ્થાનિક ફિલ્મોમાં અભિનેતા પણ રહી ચૂક્યા છે.   




Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો