આગ ઝરતી ગરમી વચ્ચે ઉ.પ્રદેશમાં એક લાખ વૃક્ષો કપાશે


- 111 કિમી કાંવડ યાત્રા માર્ગ માટે 33 હજાર મોટા, 78 હજાર નાના વૃક્ષો હટાવાશે

- કાવડ યાત્રાના શ્રદ્ધાળુઓ અને અન્ય નાગરિકો વચ્ચે વધતી ભીડની સમસ્યાને કારણે નિર્ણય લેવાયો : યોગી સરકાર

- હજારો વૃક્ષોના નિકંદનના નિર્ણયથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ પણ આશ્ચર્યમાં, સુઓમોટો થકી સુનાવણી

નવી દિલ્હી : દેશમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની અસર દરેક ઋતુમાં જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા માટે નિષ્ણાતો વિનંતી કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને જણાવ્યું છે કે સરકાર ૧૧૧ કિમી લાંબા કાંવડ યાત્રા માર્ગ માટે એક લાખથી વધુ વૃક્ષો કાપવા જઇ રહી છે. જેમાં ૩૩ હજારથી વધુ મોટા વૃક્ષોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે એક લાખથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી પણ આપી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ આ સમગ્ર મામલે આઠ જુલાઇએ વધુ સુનાવણી કરશે. જોકે યોગી સરકારના આ નિર્ણયથી પર્યાવરણ પર શું અસર થશે તેની ચિંતાએ જોર પકડયું છે.

રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ઉત્તર પ્રદેશ સરકારને ગાઝિયાબાદ, મેરઠ અને મુઝફ્ફરનગર સહિતના યોજના સાથે સંકળાયેલા વિસ્તારોમાં આશરે ૧,૧૦,૦૦૦ વૃક્ષો કાપવાની અનુમતી આપી હતી. મોટા કદના આટલા બધા વૃક્ષોને કાપવાના નિર્ણયના અહેવાલોની સુઓમોટો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે નોંધ લીધી હતી અને સમગ્ર મામલે જવાબ માગ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે પોતાના જવાબમાં ટ્રિબ્યૂનલને કહ્યું છે કે ૧૧૧ કિમી લાંબો રોડ બનાવવા માટે ૩૩,૭૭૬ મોટા વૃક્ષો અને ૭૮,૯૪૬ નાના વૃક્ષો કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ રોડ ગાઝીયાબાદથી ઉત્તરાખંડ-ઉત્તર પ્રદેશ સરહદે આવેલા પુરકાજી સુધી બનાવવામાં આવી રહ્યો છે. ૧૩મી માર્ચે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પ્રથમ સુનાવણી કરી હતી જે સમયે ઉત્તર પ્રદેશના ફોરેસ્ટ વિભાગ, ત્રણ જિલ્લાના મેજિસ્ટ્રેટ પાસેથી જવાબ માગ્યો હતો.  જવાબમાં સરકાર દ્વારા રજુ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આશરે ૨૨૨ હેક્ટર જમીન પર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કાંવડ યાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું છે. જેને એક કરોડ શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ શ્રદ્ધાળુઓ હરિદ્વારથી ગંગાજળ લઇને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ અને વિવિધ શહેરો અને ગામડામાં પરત ફરે છે. હાલ જે રસ્તો છે તે આમ નાગરિકો અને શ્રદ્ધાળુઓ બન્ને માટે વધુ ભીડવાળો છે. જેને કારણે નવો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

શ્રાવણ મહિનામાં આ રોડ પર મોટી સંખ્યામાં કાંવડ યાત્રા નિકળે છે. કાંવડ યાત્રા માર્ગ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૦માં મંજૂરી આપવામાં આવી હતી, આ માર્ગ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના જિલ્લાઓમાંથી પસાર થાય છે. જોકે આ પ્રોજેક્ટનો અમલ કરવા માટે સરકાર દ્વારા એક લાખથી વધુ વૃક્ષોને કાપવામાં આવશે. સરકારનો આ જવાબ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશનું તાપમાન દિલ્હીમાં ૫૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું અને રાજસ્થાનમાં મે મહિનામાં તાપમાને તમામ રેકોર્ડ તોડયા હતા. વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગનો હાહાકાર છે અને દરેક ઋતુમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો નવા ગ્રીન ઝોન ઉભા કરવા પર ભાર મુકી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો