દેશમાં ત્રીજી વખત NDAની સરકાર બનવાનું નક્કી, ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન મોદીનું સંબોધન


Lok Sabha Election Result 2024 PM Narendra Modi Speech : દેશની લોકસભા ચૂંટણીમાં પરિણામોમાં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચી ગયા છે અને તેમણે દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું છે કે, હું તમામ દેશવાસીઓનો ઋણી છું. આ સાથે તેમણે ત્રીજી વખત સરકાર બનાવવા મજબૂત દાવેદારી સાથે પ્રતિબંદ્ધતા દર્શાવી છે. 

ઈન્ડિ ગઠબંધન મળીને પણ ભાજપની બરાબરી ન કરી શકે : મોદી

વડાપ્રધાને કહ્યું કે, ભાજપે જેટલી બેઠકો અકલા હાથે જીતી છે, તેટલી બેઠકો ઈન્ડિ ગઠબંધનના સભ્યો સાથે મળીને પણ જીતી શક્યા નથી. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તમે આટલી ગરમીમાં પણ જે પરસેવો વહાવ્યો, તેનાથી મને કામ કરવાની પ્રેરણા મળી છે.

આ આશીર્વાદ માટે તમામ દેશવાસીઓનો ઋણી : મોદી

આ આશીર્વાદ માટે તમામ દેશવાસીઓનો ઋણી. આ પાવન દિવસે સતત ત્રીજી વાર સરકાર બનવી નિશ્ચિત છે. આપણે બધા જનતા જનાર્દનના ખૂબ જ આભારી છીએ. દેશવાસીઓએ ભાજપ અને એનડીએ પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. આજનો આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે. આ ભારતના બંધારણ પર અતૂટ નિષ્ઠાની જીત છે. આ વિકસિત ભારતની જીત છે. આ સબ કા સાથ, સબ કા વિશ્વાસના મંત્રની જીત છે. 140 લોકોની જીત છે. 

ચૂંટણી પંચની કાર્યવાહી બિરદાવીને સંબોધનની શરૂઆત 

હું આજે દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ. ચૂંટણી પંચે દુનિયાના સૌથી મોટી ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન કરાવી. આશરે 100 કરોડ મતદાર, દોઢ કરોડ મતદાનકર્મી, 53 લાખ ઈવીએમ સાથે પ્રચંડ ગરમીમાં પોતાની જવાબદારીઓ નિભાવી. આપણા સુરક્ષાકર્મીઓએ કર્તવ્યભાવનો શાનદાર પરિચય કરાવ્યો. આ ચૂંટણી પ્રક્રિયા પર દરેક ભારતીયને ગર્વ છે. આવું દુનિયામાં ક્યાંય બીજે ઉદાહરણ જોવા મળતું નથી. આ ભારતીય ચૂંટણી પ્રક્રિયાની તાકાત છે.  આ ખૂબ જ ગૌરવનો વિષય છે, જે ભારતની ઓળખને ચાર ચાંદ લગાવી દે છે. આપણે વિશ્વ સમક્ષ ગર્વથી આ પ્રસ્તુત કરવું જોઈએ. 

જમ્મુ કાશ્મીરના મતદારોના ઉત્સાહને પણ બિરદાવ્યો 

જમ્મુ કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો. અને ભારતને બદનામ કરનારી તાકાતને અરીસો બતાવ્યો. આ માટે હું જનતા જનાર્દનને આદરપૂર્વક નમન કરું છું. તમામની સક્રિય ભાગીદારી વિના લોકતંત્રની આ વિરાટ સફળતા શક્ય નથી. ભાજપના, એનડીએના તમામ કાર્યકરને પણ હું ધન્યવાદ આપું છું. આ જનાદેશના અનેક પાસાં છે. 1962 પછી પહેલીવાર કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂરા કર્યા પછી ત્રીજી વાર પાછી આવી રહી છે. 

પ્રભુ જગન્નાથની ધરતી પર ભાજપનો મુખ્યમંત્રી હશે 

અરુણાચલ, સિક્કિમ અને ઓડિશા સહિતના રાજ્યોમાં જ્યાં વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ-એનડીએએ સારો દેખાવ કર્યો. ઓડિશામાં, પ્રભુ જગન્નાથની ધરતી પર પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી હશે.  આ રાજ્યોમાં પણ ભાજપ કોઈ કસર નહીં છોડે. 

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુને પણ PM મોદીએ યાદ કર્યા 

ભાજપે કેરળમાં પણ એક બેઠક જીતી. અમારા કેરળના કાર્યકરોએ ઘણાં બલિદાન આપ્યા છે. અનેક પેઢીઓથી તેઓ સંઘર્ષની સાથે લોકોની સેવા પણ કરતા રહ્યા. પેઢીઓથી જે ક્ષણની તે રાહ જોતા હતા, તેમને આજે સફળતા મળી છે. તેલંગાણામાં પણ અમારી સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ જેવા અનેક રાજ્યોમાં અમારા પક્ષે લગભગ ક્લિન સ્વિપ કર્યું છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં અને બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએએ ઉત્તમ દેખાવ કર્યો છે. 

દેશ નિરાશાની ગર્તામાં હતો ત્યારે અમને જનાદેશ અપાયો હતો 

દસ વર્ષ પહેલા દેશમાં પરિવર્તન માટે જનાદેશ આપ્યો હતો. એ સમયે દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ગયો હતો. યુવા પેઢી તેમના ભવિષ્ય માટે આશંકિત હતી. એવા સમયે જનતાએ અમને નિરાશામાંથી બહાર નીકળવાનું કામ સોંપ્યું હતું. ત્યાર પછી અમને પ્રચંડ જનાદેશ મળ્યો અને એનડીએનો બીજો કાર્યકાળ વિકાસ તરફ આગળ વધ્યો. 2024માં આ જ રીતે અમે દેશના ખૂણે ખૂણે ગયા. આજે ત્રીજી વાર જે આશીર્વાદ એનડીએને મળ્યો છે, હું તેની સામે જનતા જનાર્દન સામે, વિજયી ભાવથી નતમસ્તક છું. 

PM મોદીએ માતા હીરાબાનો પણ ઉલ્લેખ કર્યો 

આજનો આ જનાદેશ મારા માટે વ્યક્તિગત રીતે પણ ભાવુક ક્ષણ છે. મારી માતાના ગયા પછી આ મારી પહેલી ચૂંટણી હતી, પરંતુ સાચું માનો. દેશની કોઈ પણ કરો઼ડો માતા, બહેનોએ મને તેની કમી મહેસૂસ ના થવા દીધી. મને અભૂતપૂર્વ સ્નેહ અને આશીર્વાદ મળ્યા. દેશના ઈતિહાસમાં મહિલાઓ દ્વારા મતદાનના બધા રેકોર્ડ તૂટી ગયા. આ વખતે આ પોતીકાપણાંને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. 

જનકલ્યાણ યોજનાઓના કારણે અમને ફરી જનાદેશ મળ્યો 

આઝાદીના 70 વર્ષ પછી 12 કરોડ લોકોને નળથી જળ સહિતની અનેક જનકલ્યાણ યોજનાઓ ચલાવી. કરોડો ગરીબોને પાકા ઘર મળ્યા. 80 કરોડ લોકોને મફત રાશનની સુવિધા મળી. કરોડો ગરીબોને મફત સારવારની સુવિધા મળી. આ જ ભાવનાના કારણે જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટી શકી. જીએસટી સુધારા કર્યા. કોરોના સંકટ વખતે પણ જનહિતમાં નિર્ણયો લીધા. આ કારણથી આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ કારણથી અમને ફરી જનાદેશ મળ્યો છે. અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, જેમાં એસસી, એસટીની સંખ્યા વધુ છે. અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી ગરીબી નાબૂદ નહીં થાય.

પરિણામો બાદ વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.’

જનતાનો વિશ્વાસ મોદી સાથે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘NDAનો વિજય એ દેશ માટે પોતાનું જીવન આપનારા નેતા નરેન્દ્ર મોદી ઉપર જનાદેશે કરેલા અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ જીત મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાના વિશ્વાસનો મત છે. જનાદેશનો આ આશીર્વાદ વડાપ્રધાન મોદીએ છેલ્લા એક દાયકામાં કરેલા ગરીબ કલ્યાણ, વારસાના પુનરુત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને ખેડૂતોના કલ્યાણના કાર્યની સફળતાના આશીર્વાદ છે. નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ ગતિ અને તાકાત આપવા તૈયાર છે.‘ અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશના લોકોને નમન કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે.’

વલણો મુજબ ભાજપ 290થી વધુ, ઈન્ડિયા ગઠબંધન 230થી વધુ બેઠકો જીતે તેવી સંભાવના

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગયું છે. 543માંથી 542 બેઠકો પર મતગણતરી થઈ હતી. અત્યાર સુધીના વલણો મુજબ ભાજપની આગેવાની હેઠળની એનડીએ 290થી વધુ છે. જોકે ભાજપ એકલી બહુમતીથી દૂર છે. લોકસભામાં બહુમતનો આંકડો 272 છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધને 233 સીટો જીતી છે. ફાઇનલ પરિણામો આવવાના બાકી છે. ટ્રેન્ડમાં એનડીએને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં નુકસાન થયું છે. જો કે એનડીએ કેન્દ્રમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી લગભગ 1.5 લાખ મતોથી જીત મેળવી છે. આવી સ્થિતિમાં મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો