કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ બસ પર હુમલા પાછળ આ સંગઠન જવાબદાર હોવાની શક્યતા, તપાસ NIAને
Terror Attack in Kashmir News | જમ્મુ કાશ્મીરમાં રવિવારે આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો. જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ આતંકીઓ નાસી છૂટયા હતા, જેની શોધખોળ માટે સૈન્ય દ્વારા મોટા પાયે ઓપરેશન લોંચ કરાયું છે. સાથે જ એનઆઇએ અને એસઆઇએની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
આ હુમલાની જવાબદારી કોઇ સંગઠને સ્વીકારી નથી પણ એવી શક્યતા છે કે હુમલા પાછળ લશ્કર-એ-તોઇબાના આતંકીઓ જવાબદાર હોઇ શકે છે. શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવીમાં એક શિવ મંદિરે પૂજાપાઠ કરીને પરત ફરી રહ્યા હતા. એ સમયે વચ્ચે જંગલ અને પહાડી વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. જેને કારણે કાબુ ગુમાવી દેવાતા બસ ખાઇમાં ખાબકી હતી જેમાં મોટી જાનહાની થઇ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે માર્યા ગયેલા શ્રદ્ધાળુઓમાં બિનકાશ્મીરી પણ હતા. આ હુમલામાં રાજસ્થાનના એક પરિવારના ચાર લોકો માર્યા ગયા છે. જેમાં એક બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે પરિવારના અન્ય સભ્યોમાં કાપડ વેપારી 42 વર્ષના રાજેન્દ્ર સૈની તેમના ૪૦ વર્ષીય પત્ની મમતા એક સગા ૩૦ વર્ષીય પૂજા સૈની અને બાળકનો સમાવેશ થાય છે. ૅજ્યારે પીડિતોમાં ત્રણ ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે. બસમાં કુલ 53 લોકોની બેઠક વ્યવસ્થા હતી. આ હુમલાને પગલે જમ્મુ પ્રાંતમાં બંધ પાળવામાં આવ્યો હતો જ્યારે મોટા પાયે લોકોએ આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.
Comments
Post a Comment