મોદી-અમિત શાહનું રૂ. 30 લાખ કરોડનું શેરબજાર કૌભાંડ : રાહુલ
- દેશના પાંચ કરોડ પરિવારોના કરોડો રૂપિયા ધોવાયા, જેપીસી તપાસની માગ
- ભાજપ, નકલી એક્ઝિટ પોલ કરનારા અને શંકાસ્પદ વિદેશી રોકાણકારો વચ્ચેના સંબંધની તપાસ થવી જોઈએ : રાહુલ
- રાહુલ રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, મોદી સરકારમાં દેશની માર્કેટ કેપ રૂ. 348 લાખ કરોડ વધી : ગોયલ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર રચવાની કાર્યવાહી કરી રહી છે અને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને વિપક્ષમાં બેસવાનો નિર્ણય કરી લીધો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા નાણામંત્રી નિર્મલા સીતારામન પર ચૂંટણી પરિણામોના દિવસે સ્ટોક માર્કેટમાં રૂ. ૩૦ લાખ કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કરીને જેપીસી તપાસની માંગ કરી છે. આ સાથે કોંગ્રેસે નવી સરકારમાં વિપક્ષના આકરા વલણના સંકેતો અત્યારથી જ આપી દીધા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નિર્મલા સીતારામન પર લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે શૅરબજારમાં રોકાણકારોને રોકાણ કરવા આપેલી સલાહ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ કર્યો કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લોકોને રોકાણ કરવાની સલાહ શા માટે આપી હતી. આ સમગ્ર ઘટના એક મોટું કૌભાંડ અને તેની જેપીસી મારફત તપાસ થવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલી વખત આપણે જોયું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શૅરબજાર પર ટીપ્પણી કરી. વડાપ્રધાને બે-ચાર વખત કહ્યું કે સ્ટોક માર્કેટમાં તેજી આવશે. ગૃહમંત્રીએ પણ સીધું જ કહ્યું કે ૪ જૂને સ્ટોક માર્કેટ ઉપર જશે, તેથી શૅર ખરીદવા જોઈએ. આ જ સંદેશો નાણામંત્રીએ પણ આપ્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના મતદાન પછી સામે આવેલા એક્ઝિટ પોલ પર પણ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે એક જૂને મીડિયાએ ખોટા એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. ભાજપનો જે સરવે હતો તેમાં તેને ૨૨૦ બેઠકો મળી રહી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં એક્ઝિટ પોલના આધારે ત્રણ જૂને સ્ટોક માર્કેટે બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. પરંતુ ૪ જૂને શૅરબજારમાં વિક્રમી કડાકો બોલાય છે. પરિણામે ૪ જૂને દેશની સામાન્ય જનતાએ શૅર બજારમાં રૂ. ૩૦ લાખ કરોડ ગુમાવ્યા હતા.
રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીએ શૅરબજારમાં રોકાણ કરનારા પાંચ કરોડ લોકોને વિશેષ રોકાણની સલાહ શા માટે આપી? શું લોકોને રોકાણની સલાહ આપવી તેમનું કામ છે? બંને ઈન્ટરવ્યૂ એક જ અદાણી જૂથ દ્વારા સંચાલિત મીડિયા હાઉસ એનડીટીવીને કેમ અપાયા? એનડીટીવીની માલિકી અદાણી જૂથ પાસે છે, જેના પર શૅરબજારમાં હેરાફેરી કરવા માટે સેબીની તપાસ પણ ચાલી રહી છે. વધુમાં ભાજપ, નકલી એક્ઝિટ પોલ કરનારા અને શંકાસ્પદ વિદેશી રોકાણકારો વચ્ચે શું સંબંધ છે, જેમણે એક્ઝિટ પોલ જાહેર થવાના એક દિવસ પહેલા રોકાણ કર્યું અને પાંચ કરોડ પરિવારોના ભોગે જંગી નફો રળ્યા? અમે આ સમગ્ર ઘટનાક્રમને મોટા શૅરબજાર કૌભાંડ ગણાવીએ છીએ.
ભાજપને પણ ખબર હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને તેને બહુમતી નથી મળવાની. તેમ છતાં તેમણે રીટેલ રોકાણકારોને સ્ટોક ખરીદવાની સલાહ આપી. પરિણામ એ આવ્યું કે દેશની જનતાને રૂ. ૩૦ લાખ કરોડનું નુકસાન થયું અને કેટલાક પસંદગીના લોકોને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થયો. તેથી જ અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ, એક્ઝિટ પોલ કરનારા અને વિદેશી રોકાણકારો વિરુદ્ધ તપાસની માગ કરીએ છીએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ અદાણી મુદ્દા કરતાં પણ વધુ મોટો મુદ્દો છે. આ સીધો જ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે સંકળાયેલો મુદ્દો છે, જેમની પાસે વાસ્તવિક ચૂંટણી પરિણામો અંગેના ડેટા સુધીની પહોંચ હોય છે. તેમની પાસે આઈબી રિપોર્ટ્સ છે, તેમનો પોતાનો ડેટા છે અને તેઓ રીટેલ રોકાણકારોને સ્ટોક્સ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આ ઘણું જ રસપ્રદ છે. અગાઉ પહેલાં ક્યારેય કોઈ વડાપ્રધાને લોકોને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સલાહ નથી આપી. આ પહેલી વખત બની રહ્યું છે.
દરમિયાન પીયુષ ગોયલે રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બનવાની હોવાનું નિશ્ચિત થતાં જ શૅરબજારમાં ઊછાળો આવ્યો છે. મોદી સરકારમાં આજે શૅરબજારમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે, જેનો લાભ સામાન્ય રોકાણકારોને મળી રહ્યો છે. શૅરબજારમાં ભારતીય રોકાણકારોની સંખ્યા વધી છે. ૧૦ વર્ષ પહેલાં યુપીએની સરકારમાં દેશના શૅરબજારની માર્કેટ કેપ રૂ. ૬૭ લાખ કરોડ હતી, જે આજે વધીને રૂ. ૪૧૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે રૂ. ૩૪૮ લાખ કરોડની વૃદ્ધિ દર્શાવે છે.
- 3 જૂને રૂ. 13.79 લાખ કરોડની કમાણી, 4 જૂને 31.07 લાખ કરોડનું ધોવાણ
- સૌથી પહેલાં ગૃહમંત્રીએ 14 મેએ, મોદીએ 20 મેએ સ્ટોકમાં રોકાણની સલાહ આપી
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પહેલાં ગૃહમંત્રી અમિત શાહ, પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામને એનડીએ સરકાર પુનરાગમન કરી રહી હોવાનો દાવો કરતાં રોકાણકારોને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા સલાહ આપી હતી. એક્ઝિટ પોલમાં પણ મોદી સરકારના જંગી વિજયની આગાહી કરાઈ હતી, પરંતુ ૪ જૂનના પરિણામોમાં એકદમ વિપરિત પરિણામ આવતાં શૅર બજારમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારોને રૂ. ૩૧ લાખ કરોડનું નુકસાન થયું હતું.
દેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સૌથી પહેલાં અમિત શાહે ૧૪ મેના રોજ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ૪ જૂને પરિણામો જાહેર થશે ત્યારે શૅર બજારમાં વિક્રમી ઊછાળો આવશે. તેમણે કહ્યું કે દેશમાં સ્થિર સરકાર આવે એટલે બજારમાં ઊછાળો જોવા મળે છે. મોદી સરકાર સતત ત્રીજી વખત બનશે એટલે બજારમાં સતત તેજી જોવા મળશે. ત્યાર પછી પીએમ મોદીએ ૨૦ મેના રોજ એક મુલાકાતમાં શૅરબજારમાં ૪ જૂન પછી તેજીની આશા વ્યક્ત કરી હતી.
મોટાભાગના એક્ઝિટ પોલમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકારનો જંગી વિજય થવાની આગાહી કરાઈ હતી. સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવાની આગાહીના પગલે સોમવારે ત્રીજી જૂને શૅરબજાર ખૂલતા જબરજસ્ત ઊછાળો નોંધાયો હતો. આ દિવસે સેન્સેક્સ ૨૫૦૭.૪૭ પોઈન્ટના ઊછાળા સાથે ૭૬,૭૩૮.૮૯ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શા પછી દિવસના અંતે ૭૬,૪૬૮.૭૮ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સની જેમ એનએસઈના નિફ્ટી૫૦એ પણ ૭૩૩ પોઈન્ટ ઉછળીને ૨૩,૨૬૪ની નવી વિક્રમી સપાટી બનાવી હતી.
જોકે, બીજા દિવસે ૪ જૂૂને સવારે ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં મોદી સરકારને એક્ઝિટ પોલ કરતાં ઓછી અને ઈન્ડિયા ગઠબંધનને જંગી બેઠક મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ હતી. પરિણામે શૅરબજાર ખૂલવાની સાથે જ બજારમાં ૬,૦૦૦ જેટલા પોઈન્ટનો કડાકો બોલાયો હતો. કામકાજના અંતે સેન્સેક્સમાં ૪૩૯૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૩૭૯ પોઈન્ટનો ઐતિહાસિક ધબડકો થયો હતો. પરિણામે રોકાણકારોને એક જ દિવસમાં રૂ. ૩૧.૦૭ લાખ કરોડનું નુકસાન થયું હતું.
Comments
Post a Comment