વાયકર ઈવીએમ નહીં એનકોર સિસ્ટમમાં છેડછાડ કરીને જીત્યા? નવા દાવાથી નવી ચર્ચા શરૂ થઇ


- ગુરવે પાંડિલકરને લગભગ ૪ વાગ્યે પોતાનો ફોન આપેલો. એ વખતે જ પહેલી વારની મતગણતરી પૂરી થઈ હતી ને કીર્તિકર ૨૨૦૦ મતે જીતી ગયા હતા. ગુરવના ફોન પરથી ઓટીપી મેળવીને પાંડિલકર અને ગુરવે ભેગા મળીને મતગણતરીના ડેટામાં છેડછાડ કરી દીધી હોય ને તેના કારણે પછીની મતગણતરીમાં કીર્તિકરની ૨૨૦૦ મતની લીડ ધોવાઈ ગઈ હોય એ શક્ય છે. મતલબ કે, ગરબડ ઈવીએમમાં ના થઈ હોય પણ એનકોર સિસ્ટમમાં થઈ હોય ને પછીથી ગરબડવાળો ડેટા જ જાહેર કરાયો હોય.

Lok Sabha Election News 2024 | એલન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડ થઈ શકે છે એવો મમરો મૂકીને ઈવીએમની વિશ્વસનિયતાને ફરી શંકાના દાયરામાં લાવી દીધી છે. બીજી તરફ મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકની ચૂંટણીનાં પરિણામોના કારણે પણ આ મુદ્દો ચગ્યો છે. મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકની મતગણતરીમાં વિજેતા રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકરે મતદાન મથકના ડેટા ઓપરેટર દિનેશ ગુરવના ફોનમાંથી ઓટીપી મેળવીને ઈવીએમ અનલોક કરીને ગરબડ કરી હોવાનો આક્ષેપ થતાં આ મુદ્દો ઉગ્ર બની ગયો છે.

ચૂંટણી પંચે ઈવીએમને ઓટીપી દ્વારા અનલોક ના કરી શકાય એવી સ્પષ્ટતા કરીને મામલાને ઠંડો પાડવા કોશિશ કરી છે પણ તેના કારણે નવા સવાલો ઉભા થયા છે અને ચૂંટણી પંચનાં રીટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશી સહિતનો સ્ટાફ શંકાના દાયરામાં આવી ગયો છે. વાયકરે ઈવીએમમાં ગરબડ ના કરી હોય તો પણ સ્ટાફને સાધીને ભ્રષ્ટ રીતરસમો આદરીને ચૂંટણી જીતી હોવાની શંકા દ્રઢ બની છે. 

મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાના રવિન્દ્ર વાયકરે ઉધ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકરને ભારે રસાકસી પછી માત્ર ૪૮ મતે હાર આપી હતી. પહેલાં બે વાર કીર્તિકરને વિજેતા જાહેર કરાયા પછી છેવટે વાયકરને વિજેતા જાહેર કરાયા હતા. મુંબઈના એક અખબારના રીપોર્ટ પ્રમાણે, મતગણતરી વખતે કોઈ પણ વ્યક્તિ બહારથી મોબાઈલ ફોન લઈને અંદર જઈ શકતી નથી. વાયકરના સાળા મંગેશ પાંડિલકરને પણ ફોન નહોતો લઈ જવા દેવાયેલો પણ અંદર જઈને મતગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા ડેટા ઓપરેટર ગુરવનો ફોન લઈને ઈવીએમ અનલોક કરીને ગરબડ કરી નાંખી. 

ચૂંટણી પંચે આ દાવાને ખોટો ગણાવ્યો છે પણ પંચે કરેલી સ્પષ્ટતાને કારણે મતગણતરીમાં ગરબડ થઈ હોવાનું લાગે જ છે. પંચના કહેવા પ્રમાણે, ગુરવ પાસે ચૂંટણી પંચની એનકોર એપ્લિકેશન સિસ્ટમની એક્સેસ છે. એનકોર સિસ્ટમ રીટર્નિંગ ઓફિસરો માટેની એન્ડ-ટુ-એન્ડ એપ્લિકેશન છે કે જેમાં દરેક રાઉન્ડનો તમામ ડેટા મૂકાય છે. દરેક ઈવીએમમાં કેટલા મત પડયા, કોને કેટલા મત મળ્યા, નોટાને કેટલા મત મળ્યા, કેટલા મત અયોગ્ય ઠર્યા સહિતની તમામ ઝીણામાં ઝીણી વિગતો એનકોર સિસ્ટમમાં મૂકાય છે. ડેટા ઓપરેટરના મોબાઈલ ફોનમાં એનકોર સિસ્ટમમાં ફેરફાર કરવા માટે ઓટીપી આવતો હોય છે. ઓપરેટર ઓટીપીને આધારે એનકોર સિસ્ટમને ખોલીને ડેટા અપડેટ કરે છે.

ગુરવે પાંડિલકરને લગભગ ૪ વાગ્યે પોતાનો ફોન આપેલો. એ વખતે જ પહેલી વારની મતગણતરી પૂરી થઈ હતી ને કીર્તિકર ૨૨૦૦ મતે જીતી ગયા હતા. 

ગુરવના ફોન પરથી ઓટીપી મેળવીને પાંડિલકર અને ગુરવે ભેગા મળીને મતગણતરીના ડેટામાં છેડછાડ કરી દીધી હોય ને તેના કારણે પછીની મતગણતરીમાં કીર્તિકરની ૨૨૦૦ મતની લીડ ધોવાઈ ગઈ હોય એ શક્ય છે. 

મતલબ કે, ગરબડ ઈવીએમમાં ના થઈ હોય પણ એનકોર સિસ્ટમમાં થઈ હોય ને પછીથી ગરબડવાળો ડેટા જ જાહેર કરાયો હોય.

અત્યાર સુધી ઈવીએમમાં ગરબડ કરાતી હોવાના આક્ષેપ થતા પણ વાયકરના કેસે ઈવીએમમાં ગરબડ વિના ભ્રષ્ટાચાર કરીને ચૂંટણી જીતી શકાય છે એ શક્યતા તરફ સૌનું ધ્યાન દોરી દીધું છે. આ શક્યતા છે પણ રીટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશી સહિતનો સ્ટાફ જે રીતે વર્ત્યો છે એ જોતાં આ શક્યતા નકારી ના શકાય.

મતગણતરી ચાલતી હોય ત્યારે રીટર્નિંગ ઓફિસરનો સ્ટાફ સીસીટીવી કેમેરા પર નજર રાખીને બેઠો હોય છે કે જેથી કોઈ ગરબડ થાય તો ધ્યાનમાં આવે પણ પાંડિલકર ગુરવનો ફોન લઈને વાત કરતો હતો એ કેમ ધ્યાનમાં ના આવ્યું એ મોટો સવાલ છે. બે અપક્ષ ઉમેદવારો ભરત શાહ અને સુરેન્દ્ર મોહન અરોરાએ પાંડિલકરને ફોન પર વાત કરતો જોયો અને વાંધો લીધો ત્યારે રીટર્નિંગ ઓફિસર દોડતાં આવ્યાં પણ કોઈ પગલાં ના લીધાં. તેમણે ફરિયાદ પણ ૧૦ દિવસ પછી કરી પણ ત્યાં સુધીમાં બંને પોતપોતાના ફોન બદલી ચૂક્યા હતા. આ સિવાય પંચનું બીજું વલણ પણ શંકાસ્પદ છે જ.

આ મુદ્દે રાજકીય ઘમાસાણ મચ્યું છે. શિંદેની શિવસેનાનું કહેવું છે કે, ઉધ્ધવની પાર્ટીને હાર નથી પચી તેથી પાણીમાંથી પોરા કાઢી રહી છે. ઉધ્ધવની શિવસેનાએ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. વંદના સૂર્યવંશી મહારાષ્ટ્રનાં સૌથી ભ્રષ્ટ અધિકારી હોવાનો આક્ષેપ મૂકીને ઉધ્ધવની પાર્ટીએ ધમકી પણ આપી દીધી છે કે, મહારાષ્ટ્રમાં ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. 

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન નક્કી છે ત્યારે વંદના ક્યાં જશે એ અમે પણ જોઈશું. ઉધ્ધવની શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે, વંદના સૂર્યવંશી સતત ફોન પર વાત કરતાં હતાં અને કોઈ બીજી જગાએથી મળતી સૂચનાને આધારે વર્તતાં હતાં. શિવસેનાનો ઈશારો વંદના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે લાઈન પર હોવાનો અને તેમની સૂચના પ્રમાણે વર્ત્યાં હોવાનો છે. 

શિવસેનાના આક્ષેપો કોઈને રાજકીય લાગે પણ લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા એકદમ પારદર્શક અને શંકાથી પર હોવી જોઈએ તેમાં બેમત નથી. મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકની ચૂંટણી શંકાથી પર નથી એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં ચૂંટણી પંચે વાયકરને લોકસભાના સભ્ય તરીકે શપથ ના લેવા દેવા જોઈએ. 

આ સવાલ ચૂંટણી પંચની નિષ્પક્ષતાનો છે. કોઈ એક અધિકારી ભ્રષ્ટ હોય તેના કારણે સમગ્ર ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠે એ યોગ્ય નથી. ચૂંટણી પંચે વંદના સૂર્યવંશી સામે પગલાં લેવાં જોઈએ અને પોતાની રીતે તપાસ કરીને સત્ય શું છે એ શોધીને લોકો સામે મૂકવું જોઈએ.

- ઈવીએમ શંકાના દાયરામાં, બે મતગણતરીમાં અલગ આંકડા કઈ રીતે ? 

મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠકની મતગણતરીના ડ્રામાના કારણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ) પણ શંકાના દાયરામાં આવી ગયાં છે. ઈવીએમ એક્યુરેટ હોય તો જેટલી વાર ગણતરી કરો એટલી વાર એકસરખું પરિણામ આવવું જોઈએ પણ તેના બદલે બે વાર મતગણતરી કરાઈ તો બંને વાર અલગ અલગ પરિણામ આવ્યાં. 

ઈવીએમ દ્વારા મતગણતરી કરાઈ ત્યારે પહેલાં ઉધ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકર ૨૨૦૦ મતે વિજેતા જાહેર થયા હતા. એકનાથ શિંદેની શિવસેનાના રવિન્દ્ર વાયકરે ફરી મતગણકરીની માગ નહોતી કરી છતાં રીટર્નિંગ ઓફિસરે ફરી મતગણતરી કરાવી તો પણ કીર્તિકર ૧ મતે વિજેતા જાહેર થયા હતા. આ પરિણામ આશ્ચર્યજનક કહેવાય કેમ કે ઈવીએમમાંથી સીધા ૨૨૦૦ મત કીર્તિકરના ખાતામાંથી ગાયબ થઈ ગયા.

ઈવીએમને કોમ્પ્યુટર સાથે જોડીને તેનો ડેટા લેવામાં આવે છે અને દરેક બૂથની મતગણતરી કરવામાં આવે છે.  ઈવીએમ મશીન છે તેથી તેમાં ગમે ત્યારે મત ગણો તો પણ ડેટા સરખો જ આવવો જોઈએ. તમારા ખાતામાં કેટલા રૂપિયા છે એ તમે એક એટીએમમાં જઈને ચેક કરો કે બીજા એટીએમમાં જઈને ચેક કરો, રકમ સરખી જ આવે. એ રીતે ઈવીએમમાં પણ મતનો આંકડો તો બદલાય જ નહીં તો પછી આ આંકડો કઈ રીતે બદલાઈ ગયો ? ચૂંટણી પંચ કહે છે એ રીતે ઈવીએમમાં ગરબડ શક્ય નથી. તેનો અર્થ એ થયો કે, મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફે ગરબડ કરી છે. 

- રીટર્નિંગ ઓફિસર શંકાના દાયરામાં, ચુડાસમાની જીતની યાદ અપાવી દીધી

મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠકની મતગણતરીમાં રીટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશી શંકાના દાયરામાં છે. મતગણતરીના નિયમ પ્રમાણે, સૌથી પહેલાં પોસ્ટલ બેલેટના મત ગણતરીમાં લેવાના હોય પણ તેના બદલે સૂર્યવંશીએ પહેલાં ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાવીને નિયમનો ભંગ કર્યો.

ઈવીએમની મતગણતરીના અંતે અમોલ કીર્તિકર ૨૨૦૦થી વધારે મતોથી જીતી ગયા હતા. સૂર્યવંશીએ કીર્તિકરને વિજેતા જાહેર કરવાની જરૂર હતી. તેના બદલે તેમણે શિંદે જૂથના રવિન્દ્ર વાયકરે માગણી ના કરી હોવા છતાં ફેર મતગણતરી કરાવી. એ વખતે પણ પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરાવવાના બદલે ઈવીએમની ગણકરી કરાવી અને તેમાં પણ કીર્તિકર ૧ મતે જીત્યા ત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી કરાવી. પોસ્ટલ બેલેટમાં પણ ૧૧૧ મતોની અયોગ્ય ઠેરવી દીધા ને તેના કારણે છેવટે વાયકર ૪૮ મતે જીતી ગયા. કીર્તિકરે એ વખતે ફરી મતગણરીની માગણી કરી પણ વંદનાએ આ માગણી માન્ય ના રાખી.

વંદનાએ મતગણતરી કેન્દ્રમાં ગૌરવનો ફોન વાપરતાં પકડાયેલા મંગેશ પાંડિલકર અને ગૌરવને તાત્કાલિક પોલીસને સોંપવાની જરૂર હતી પણ એવું કરવાના બદલે બંનેને અંદર રહેવા દીધા. બંને સામે પોલીસ ફરિયાદ પણ દસ દિવસ પછી નોંધાઈ છે. વંદનાએ શિવસેનાને બે દિવસમાં અંદરના સીસીટીવી ફૂટેજ આપવા ખાતરી આપેલી પણ હવે સીસીટીવી ફૂટેજ જ ગાયબ કરી દીધા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો