બજાર ચડતી કળાએ .


દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. પરંતુ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણામંત્રાલયે રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે. લોકડાઉન અને પછી અનલોક પછી બજાર સુધારા તરફી છે પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી.

ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે. એનું નકારાત્મક પાસુ એ છે કે દેશમાં ૫૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતર્યો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે. એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે.

કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવેરામાં જે રાહતો આપી છે અને મોરેટોરીયમની જે સગવડ આપી હતી એની અસરો બજારમાં હવે દેખાવા લાગી છે. પરંતુ અર્થશાસ્ત્રના સિધ્ધાંત પ્રમાણે રાજ્ય સરકારોએ મંદીમાં જે ખર્ચ વધારવો જોઇએ એના બદલે છે ખર્ચ ઘટી રહ્યો છે. રાજ્ય સરકારો ટેકસ ક્યારે ઘટાડશે તે એક કોયડો છે. રાજ્ય અને કેન્દ્ર દ્વારા હાલ લેવામાં આવતા વિવિધ કરવેરા કોઇ પણ રીતે બિઝનેસ પ્રોત્સાહક નથી. મોંઘવારી પણ સતત ઊંચા પગથિયા ચડે છે. આજકાલ તો ડુંગળીનો દડો પણ સોનાનો થવા લાગ્યો છે.

પેટ્રોલ, ડિઝલની લાઇનમાં જ ડુંગળી આવીને ઉભી રહી ગઇ છે. છેલ્લા ઘણા વરસોથી આ ક્રમ ચાલે છે, દિવાળી નજીક આવે કે તુરત જ ડુંગળીના ભાવ આસમાનને અડવા માટે 'મહેકી' ઉઠે છે. ડુંગળી તો દેશના ગરીબથી તવંગર સહુના સ્વાદ અને શોખનો વિષય છે. છતાં નાના પરિવારોમાં ડુંગળી મહદ્ અંશે શાકનો વિકલ્પ બનીને દિવસો પસાર કરી આપે છે. મોંઘવારીએ હવે ડુંગળી પર પણ તરાપ મારી છે અને રાજ્ય કે કેન્દ્ર પાસે એવી કોઇ વ્યવસ્થા જ નથી કે તે ડુંગળીના ભાવનું નિયમન કરી શકે. આ વરસે તો છેલ્લા ચાર વરસમાં ડુંગળીના ભાવ સૌથી વધુ ઊંચે ગયા છે. ડુંગળીની લાક્ષણિકતા જ આંખમાં આંસુ લાવવાની છે એની પ્રતીતિ બજાર હવે આથક રીતે પણ કરાવે છે. આ વખતની મંદીનું એક કારણ ભલે કોરોનાને નામે હોય પરંતુ એ સિવાયની સરકારની નીતિઓ બહુ પ્રોત્સાહક નથી. જેઓ વેપારધંધા લઈને બેઠા છે એમને ખબર છે. વળી ઓનલાઈન વેપારને કારણે પણ રિયલ માર્કેટને ફટકો પડે છે.

દેશમાં પ્રવર્તમાન મંદીનું એક કારણ ગત બજેટ તૈયાર કરવામાં દાખલ કરાયેલી બિનઅર્થશાસ્ત્રીય પ્રણાલિકાઓ પણ છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મંદીની શરૂઆત છેલ્લા બે વરસથી થયેલી છે. છતાં પણ આજ સુધી રાજ્ય સરકારોએ પોતાના ખર્ચના આંકડાઓને અભિવૃદ્ધ કર્યા નથી. એનો બીજો અર્થ છે કે, રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપનારી નીવડી છે.

હવે વિકલ્પો બહુ મર્યાદિત છે. વડાપ્રધાન મોદી પોતાની કોઇ વિશ્રામ વેળાએ જો દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ બનાવે અને ખર્ચના યોગ્ય પ્રયોજન માટે ઉદ્દીપકનું કામ કરે તો તેજીના ચક્ર અધિક સજીવન થઇ શકે છે. પરંતુ આપણે ત્યાં સરકાર પોતાના પક્ષે તો કદી બોધપાઠ લેતી જ નથી અને બધા જ બોધપાઠ લેવાના અને ભોગવવાના પ્રજાના ભાગે જ આવે છે. આજકાલ દેશમાં તેર રાજ્યો એવા છે જેની તિજોરીની હાલત ગંભીર છે. છત્તીસગઢ અને કેરળની હાલત વધુ ખરાબ છે.

સાત રાજ્યો એવા છે જેની ખોટ પાછલા વરસ કરતા વધારે છે, એમાં ગુજરાત, આન્ધ્ર, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યો છે. આ એ રાજ્યો છે કે જેમણે પોતાના ખર્ચમાં કાપ મૂકીને મંદીને વધુ વેગ આપ્યો છે. બજારમાં હવે તહેવારોને કારણે અને કોરોનાનો ભય હળવો થવાને કારણે જે નવી ચમક દેખાવા લાગી છે એને ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારોએ વિવિધ પરિયોજનાઓને બહાને ખર્ચમાં વધારો કરવો પડશે. તો જ ડિમાન્ડ કાર્યાન્વિત થશે. ડિમાન્ડ ખરેખર તેજીનું પ્રાણતત્ત્વ છે. એક વખત બજારમાં ડિમાન્ડ પ્રજ્વલિત થાય પછી સમગ્ર અર્થતંત્રમાં નવો અજવાસ ફેલાઇ જાય છે. 

Comments