દિલ્હીની વાત : મોદીએ શાહને દિલ્હી કેમ પાછા બોલાવ્યા ?


નવીદિલ્હી, તા.13 નવેમ્બર 2020, શુક્રવાર

દિવાળી મનાવવા વતન ગુજરાત આવેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી આવી જવા કહેવાતાં રાજકીય અટકળો તેજ બની છે. શાહ રવિવાર સુધી દિલ્હી રોકાવાના હતા તેના બદલે મોદીનો આદેશ આવતાં શુક્રવારે સાંજે જ દિલ્હી પાછા ઉપડી ગયા. સત્તાવાર રીતે શાહના પ્રવાસ ટૂંકાવા પાછળ કોઈ કારણ નથી અપાયું પણ ભાજપનાં સૂત્રો બિહારની રાજકીય સ્થિતીને કારણભૂત ગણાવે છે. બિહારમાં ભાજપને નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો મળી તેના પગલે સરકારની રચનામાં મડાગાંઠ સર્જાઈ છે, નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે એ નક્કી છે પણ ખાતાંની ફાળવણીના મુદ્દે ખેંચતાણ ચાલુ છે. ભાજપનો આગ્રહ છે કે, ભાજપની રાજકીય તાકાત વધી છે તેથી ગૃહ મંત્રાલય સહિતનાં મહત્વનાં ખાતાં તેને અપાય પણ નીતિશ એ માટે તૈયાર નથી. જે.પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ અત્યાર સુધી નીતિશ સાથે આ મુદ્દે વાત કરતા હતા પણ બંને ઢીલા પડી રહ્યા હોવાનું મોદીને લાગતાં તેમણે તાત્કાલિક શાહને બોલાવી લીધા. સૂત્રોના મતે, શાહ શનિવારે પટણા પણ જઈ શકે છે.

ભાજપ દલિત નેતા ચૌપાલને નાયબ મુખ્યમંત્રી બનાવશે

બિહારમાં એનડીએની સરકાર રચવાની ગતિવિધી તેજ બની છે ત્યારે આ વખતે ભાજપ નાયબ મુખ્યમંત્રીપદે સુશીલ કુમાર મોદીને પસંદ નહીં કરે એવી વાતો પણ વહેતી થઈ છે. મોદીના સ્થાને દલિત નેતા કામેશ્વર ચૌપાલને ભાજપ નાયબ મુખ્યમંત્રીપદે બેસાડશે એવી ચર્ચા છે. ચૌપાલને ગુરૂવારે અચાનક જ દિલ્હી બોલાવાયા તેના કારણે આ વાતો ચાલી રહી છે.

ચૌપાલ રામમંદિર ચળવળનો જાણીતો ચહેરો છે. ૧૯૮૯માં રામમંદિરનો શિલાન્યાસ ચૌપાલના હાથે કરાવાયો હતો. હાલમાં ચૌપાલ વિધાન પરિષદના સભ્ય છે. સંઘના સ્વયંસેવક ચૌપાલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પણ છે.

ચૌપાલ હજુ સુધી એક પણ ચૂંટણી જીત્યા નથી. બે વાર લોકસભા અને બે વાર વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા ચૌપાલ એ રીતે લોકપ્રિય ચહેરો નથી પણ ભાજપની નજર દલિત મતબેંક પર છે. દલિત મતોને પોતાની તરફ વાળીને ભવિષ્યમાં એકલા હાથે સરકાર રચવાની ભાજપની વ્યૂહરચનામાં ચૌપાલ ફિટ બેસે છે. બિહારમાં ભાજપ પાસે બીજો કોઈ દલિત ચહેરો નથી. ચૌપાલ હિંદુવાદી પણ છે તેથી તેમની પસંદગી કરાયાનું મનાય છે.

યુપીમાં વિધાન પરિષદ ચૂંટણીમાં પ્રિયંકા વર્સીસ રાહુલ

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસમાં જૂથબંધી જોવા મળતાં  વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શરમજનક દેખાવથી નેતાઓને કોઈ ફરક ના પડયો હોય એવું લાગે છે. ૧ ડીસેમ્બરે થનારી વિધાન પરિષદની ચૂંટણી માટે વારાણસીમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી દીધાં છે.

કોંગ્રેસ વતી સંજીવ સિંહ પહેલાં જ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે ત્યારે શુક્રવારે નાગેશ્વર સિંહે પણ ઉમેદવારી નોંધાવી. નાગેશ્વરની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, રાજેશ્વરસિહં પટેલ, બાહુબલિ નેતા અજય રાય, વારાણસી શહેર પ્રમુખ રાઘવેન્દ્ર ચૌબે પણ હાજર રહેતાં કોંગ્રેસના ઉમેદવાર કોણ એ મુદ્દે અસમંજસ ઉભી થઈ છે.

સંજીવ સિંહ પ્રિયંકા ગાંધીની પસંદગી છે. આમ આદમી પાર્ટીના સંજીવ સિંહે સીએએ વિરોધી ઉગ્ર આંદોલન કરતાં પ્રિયંકાએ તેમને સામેથી બોલાવીને કોંગ્રેસમાં લીધા હતા. નાગેશ્વર જૂના કોંગ્રેસી છે અને દબંગ નેતા અજય રાયના ખાસ છે. અજય રાય રાહુલ ગાંધીની નજીક છે તેથી ભાજપ કોંગ્રેસના ભવાડાને રાહુલ વર્સીસ પ્રિયંકાના જંગનું પરિણામ ગણાવી રહી છે. કારણ જે હોય તે પણ તેના કારણે કોંગ્રેસની આબરૂ ધોવાઈ રહી છે.

ઓવૈસી-માંઝી-સાહની તેજસ્વીને તારી શકે

બિહારમાં સરકાર રચવાના મુદ્દે શુક્રવારે એનડીએના સાથી પક્ષોની બેઠક મળી પણ કોઈ નિવડો ના આવતાં નીતિશે રવિવારે ફરી બેઠક બોલાવી છે. રવિવારે સરકારની રચનાની ફોર્મ્યુલા નક્કી થાય પછી નીતિશ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા જશે એવું મનાય છે.

બીજી તરફ તેજસ્વી યાદવે હજુ આશા નથી છોડી. તેજસ્વીએ સરકાર રચવા ઓવૈસી-માંઝી-સાહની પર મીટ માંડી છે. મહાગઠબંધન પાસે ૧૧૦ બેઠકો છે અને બહુમતી માટે ૧૨ બેઠકો ઓછી પડે છે. એનડીએના બે નાના સાથી જીતનરામ માંઝી-મુકેશ સાહનીની પાર્ટી ૪-૪ બેઠકો જીતી છે. તેજસ્વીને ટેકો આપવા તૈયાર થાય તો માંઝી અને સાહની બંનેને નાયબ મુખ્યમંત્રીપદ આપવાની તેજસ્વીની તૈયારી છે. અસદુદ્દીન ઓવૈસી પાસે ૫ ધારાસભ્યો છે તેથી આ ત્રણની મદદથી તેજસ્વી પાસે ૧૨૩ ધારાસભ્યો થઈ જાય.

આરજેડીનાં સૂત્રોના મતે, સાહની તૈયાર છે પણ માંઝી ઢચુપચુ છે. માંઝી ના માને તો તેમના બાકીના ત્રણ ધારાસભ્યોને તોડવાની પણ તેજસ્વીની તૈયારી છે. ભાજપ આ બધી વાતોને ખયાલી પુલાવ ગણાવે છે. એનડીએમાં ભંગાણ નહીં પડે એવો ભાજપનો દાવો છે.

દારૂબંધી હટાવવા મુદ્દે ભાજપ-જેડીયુ સામસામે

બિહારમાં હજુ નવી સરકાર રચાઈ નથી ત્યાં ભાજપ અને જેડીયુ વચ્ચે દારૂબંધીના મુદ્દે જામી છે. ભાજપ સાંસદ નિશાકંત દુબેએ ટ્વિટ કરીને નીતિશ કુમારને દારૂબંધીની નીતિની સમીક્ષા કરવાની સલાહ આપી છે.

દુબેએ દારૂબંધીને વાસ્તવિક રીતે સંપૂર્ણ નિષ્ફળ ગણાવીને કહ્યું કે, જે લોકો પીવા માગે છે એ બધા અલગ અલગ રસ્તે પી જ લે છે પણ રાજ્યને તેના કારણે આવકમાં મોટો ફટકો પડયો છે અને ભ્રષ્ટાચાર પણ વધ્યો છે.

નીતિશે તો જવાબ ના આપ્યો પણ નીતિશના ખાસ માણસ જેડીયુના પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે, ભાજપના નેતાઓ આ બધી વાતો બંધ કરે કેમ કે દારૂબંધીના કારણે બિહારની અડધી વસતીના ચહેરા પર સ્મિત છે, એક્સિડંટ ઘટયા છે, મહિલાઓ પર અત્યાચાર પણ ઘટયા છે.

વિશ્લેષકોના મતે, ભાજપે દારૂબંધી હટાવવાનો મુદ્દો પહેલાં પણ ઉઠાવ્યો છે પણ નીતિશનો હાથ ત્યારે ઉપર હતો તેથી નીતિશે તેમની વાતને ગણકારી નહોતી. હવે ભાજપ પાસે વધારે ધારાસભ્યો છે એ જોતાં આ મુદ્દે સંઘર્ષ થઈ શકે છે.

મોદી જવાનો સાથે દિવાળીની પરંપરા જાળવશે

શનિવારે દિવાળી છે ત્યારે નરેન્દ્ર મોદી દિવાળી ક્યાં મનાવશે તેના પર સૌની નજર છે. મોદી વડાપ્રધાન બન્યા પછી દર વર્ષે સરહદ પર લશ્કરી જવાનો સાથે દિવાળી મનાવે છે. ગયા વર્ષે મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં અંકુશ રેખાની પાસે જવાનો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૮માં ઉત્તરાખંડમાં અને ૨૦૧૭માં કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

આ વરસે મોદીનો દિવાળીનો કાર્યક્રમ જાહેર થયો નથી તેથી મોદી પોતે જ સ્થાપેલી પરંપરાને તોડશે કે શું એવો સવાલ ઉઠાવાઈ રહ્યો છે. જો કે પીએમઓમાં સૂત્રોના મતે, મોદી આ વખતે પણ દિવાળી જવાનો સાથે જ ઉજવશે પણ ઉત્તર ભારતના સરહદી વિસ્તારમાં જવાના બદલે રાજસ્થાનના જૈસલમેર જશે.

મોદીનો આ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થયો નથી પણ તમામ તૈયારીઓ કરી દેવાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને લશ્કરી વડા નરવણે પણ જૈસલમેર જશે. રાજનાથસિંહ પણ જવાના હતા પણ પાકિસ્તાન સરહદે તણાવના પગલે એ દિલ્હી જ રોકાશે. 

***

પ્રદૂષણ, કોરોના વધ્યાં: દિલ્હીવાસીઓની મૂંઝવણ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ  દુનિયાના ૧૬૫૦ શહેરોની હવાની કરેલી મોજણીના પરિણામો મુજબ પાટનગર દિલ્હીની હવાની ગુણવત્તા જગતના કોઇપણ મોટા શહેર જેટલી મહત્તમપણે ખરાબ છે. કથળેલી ગુણવત્તાવાળી હવા  ૨૨ લાખ અથવા ૫૦ ટકા બાળકોના ફેફસાંને અફર એવું નુકસાન કરે છે. ઔદ્યોગિક પ્રદૂષણના લીધે પણ દિલ્હીનું હવામાન વધુ દૂષિત થયું છે. દિલ્હીમાં અને  દિલ્હી બહાર આવેલા કારખાનાઓ હવામાં  તથા નજીકના જળાશયોમાં ખૂબ નુકસાનકારક અને ઝેરી રસાયણો છોડે છે. વીજમથકો અને જાણીતા બદરાપુર  થર્મલ પાવર સ્ટેશનના લીધે ૮૦% થી ૯૦% પ્રદૂષણ થાય છે.

બીજીબાજુ, દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના નવા ૭૦૫૩ કેસ નોંધાયા છે. આ સાથે પાટનગરના સંક્રમિત કુલ કેસનો આંક ગુરૂવારે ૪.૬૭ લાખે પહોંચ્યો છે, જ્યારે ૧૦૪ વધુ દર્દીઓના મોત થયા છે, જે છેલ્લા પાંચ માસનો મહત્તમ સ્કોર છે. આ સાથે કોરોનાના  મૃતકોની સંખ્યા ૭૩૩૨ પર પહોંચી છે. આગલા દિવસે હાથ ધરાયેલા ૧૬,૭૫૧ આરટી-પીસીઆર કેસ સહિત પરીક્ષણ કરાયેલા ૬૦,૨૨૯ કેસમાંથી ઉપરોક્ત નવા કોરોના કેસ  મળી આવ્યા છે. દિલ્હીમાં, તહેવારોની મોસમ અને શહેરમાં વધતા પ્રદૂષણ વચ્ચે ૧૧.૭૧ ટકા જેટલો પોઝિટિવિટિ દર નોંધાયો છે. 

ચિરાગના દાવપેચ : બિહારી રાજકારણમાં કસોટીનો તબક્કો

બિહાર વિધાનસભાની ૨૪૩  બેઠકો પૈકી ચિરાગ પાસવાનના પક્ષ  એલજેપીને મળેલી એક બેઠકથી એનો એકડો નીકળી ગયો હોવાનું જણાય. આમ છતાં એણે પોતાને ગણતરીમાં લેવા પડે એવા રાજકીય ખેલાડી તરીકે સ્થાપિત કર્યા છે. રાજ્યના  ઉજળિયાત અને પછાત જાતિના જૂથોને એક કરવાના એમના પ્રયત્નોના ભાગરૂપે એમણે બિહારમાં નવી રાજકીય ફોર્મ્યુલા બનાવી છે. ભાજપ એનો કુદરતી સાક્ષી છે.

રાજકીય  વિશ્લેષકોના  મતે, એલજેપી, સામાજિક મેઘધનુષ્યના બે વિરૂધ્ધ છેડા માટે પ્રેરક બળ રૂપે ઊભર્યો છે. તેઓ પાસવાનની જ્ઞાાતિ ઉપરાંતના દલિતોને સાથે રાખવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. આ જૂથમાં અનુસૂચિત જાતિના ચાર ટકા લોકોનો સમાવેશ થાય છે. ''ઉચ્ચ વર્ગો'' માટે ભાજપ પછી સૌથી વધુ પસંદગીપાત્ર રાજકીય પક્ષ એલજેપી બન્યો છે. એ રીતે ૨૦૨૦ ની બિહાર વિધાનસભા ચૂંટણી ઉદાહરણરૂપ બની રહેશે.

ચિરાગ પાસવાને બુધવારે એમના પક્ષે, ચૂંટણીમાં પાડેલી અસર વિષે એકદમ મુદ્દાસર ભાર મૂક્યો છે. એમના મતાનુસાર, એમનું પ્રાથમિક કામ એનડીએના બિહાર એકમમાં જે.ડી.(યુ) કરતાં ભાજપને મજબૂત બનાવવાનું રહ્યું છે. ચિરાગનું ભાજપ માટેનું વળગણ નવું નથી. એમ વિશ્લેષકો ઉમેરે છે. એમણે એનડીએ છોડતી વખતે, નીતિશના વિરોધને મુદ્દો બનાવ્યો હતો, જ્યારે પોતાને વડાપ્રધાન મોદીના 'હનુમાન' ગણાવ્યા, એલજેપીએ૨૬ બેઠકો પર જેડી(યુ)નો ખેલ બગાડયો હતો. ઘણા નીરિક્ષકોના મતે બિહારના રાજ્ય વ્યવસ્થાતંત્રમાં નીતિશના  પ્રભાવને ખાળવા માટે ભાજપે જ એલજેપીને પ્રેરિત કર્યો હતો, કે જેથી ભાજપ રાજ્યમાં સૌથી મોટા પક્ષ રૂપે ઉભરી શકે. 

એલજેપી  સામે ભાજપે  જ પગલાં લેવા પડે : નીતિશ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે રાજ્ય વિધાનસભા ચૂંટણી જીત્યા પછી પ્રથમવાર પત્રકારો સાથે વાત કરતા સ્વીકાર્યું કે ચિરાગ પાસવાનના એલજેપીએ અનેક બેઠકો પર જે.ડી. (યુ)ની વિજય-તકોને નુકસાન પહોંચાડયું છે. ભાજપે કેન્દ્ર સરકારમાં એના સાથી બની રહેલા એલજેપી સાથેના બધા સંબંધો કાપી નાખવા જોઇએ એવી માગણી જે.ડી.(યુ)એ કરી હતી, એવા પ્રશ્નના જવાબમાં નીતિશકુમારે કહ્યું કે એ ભાજપે નક્કી કરવાનું છે.

જે.ડી.(યુ)ને મળેલી ઓછી બેઠકો બદલ એલજેપી પર દોષ ઢોળાતો રહ્યો છે. ''જો આ બદલ એલજેપી સામે કોઇ પગલાં લેવા યોગ્ય હોય તો એ ભાજપે લેવાના છે. એલજેપીને એનડીએમાં રાખવું કે નહિ એ ભાજપે નક્કી કરવાનું છે, એમ નીતિશકુમારે પત્રકારોને કહ્યું.'' ''અમે ચૂંટણીમાં સમગ્ર એનડીએનો પ્રચાર કર્યો હતો,'' પરંતુ, કેટલાક પક્ષ એમણે એલજેપીના પરોક્ષ ઉલ્લેખ સાથે ઉમેર્યું કે  ''પાસે ઉમેદવારો નહોતા. આમ છતાં એમણે મતના ધોવાણ માટે લોકોને ચૂંટણીમાં ખડા કરી દીધા. આવા જોઇ શકાય એવા પ્રયાસો થયા. માધ્યમોએ પણ એ વિષે લખ્યું છે. અમારૂં વિશ્લેષણ પણ ચાલુ છે. ''

લડાખની મડાગાંઠ વહેલી ઉકેલાવાની આશા

''ભારત અને ચીન વચ્ચેની પૂર્વ લડાખમાંની સરહદી મડાગાંઠ ટૂંકમાં જ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઇ જાય એવી અપેક્ષા છે.''  ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના મહાનિદેશક એસ.એસ. દેસવાલે આમ જણાવીને ઉમેર્યુ કે વાસ્તવિક નિયંત્રણ  રેખા ખાતેની માળખાકીય સુવિધાઓમાં પણ ઝડપભેર વધારો થઇ રહ્યો છે. પૂર્વ લડાખમાં કાતિલ ઠંડી પડતી હોવાથી આપણા સૈનિકોને રક્ષણાર્થે ખાસ શિયાળુ વસ્ત્રો  અને પોષક ખોરાક પૂરા પડાયા છે. આ માહોલમાં ભારત અને ચીનના લશ્કર છ માસથી તંગદિલીભરી મડાગાંઠમાં 'લોક' થઇ ગયા છે.

પૂર્વ લડાખમાં ચીનની હાજરીથી ઊભી થયેલી વર્તમાન લશ્કરી મડાગાંઠથી દ્વિપક્ષી સંબંધોમાં તણાવ આવે એ દેખીતું છે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે ટૂંકમાં જ એનું શાંતિપૂર્વક  નિરાકરણ કરી દઇશું એમ દેસવાલે કહ્યું. સત્તાવાર સૂત્રોએ પણ બુધવારે જણાવ્યું કે આ સરહદ પરના ઘર્ષણના તમામ  સ્થળોએથી સમયબધ્ધપણે દળો અને શસ્ત્રો ઘટાડવા બાબતની ત્રણ પગલાંની પ્રક્રિયા અંગે ભારત અને ચીન સંમત થયા છે. ઇન્ડો-તિબેટન સરહદ  વિશ્વમાં સૌથી ઊંચી આંતરરાષ્ટ્રીય સરહદ છે.  એ દરેક જગ્યાએ ૧૦ થી ૧૧ હજાર ફીટ જેટલી ઊંચી છે. આપણા બધા દળો ત્યાં ગોઠવાયા છે. ત્યાં પ્રાણવાયુ ઓછો છે, શિયાળામાં તાપમાન ઘટીને માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિઅસે પહોંચે છે. એમ દેસવાલે જણાવ્યું.

મોદી-બિડેન વચ્ચે પ્રથમ સંવાદ ટૂંકમાં

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બિડેને છેલ્લા બે દિવસમાં વિશ્વભરની આઠ સરકારોના વડા સાથે પસંદગીના ધોરણે વાતચીત કરી છે. અમેરિકી અખબાર 'ધ ન્યુનોર્ક ટાઇમ્સ' એ આમ જણાવીને ઉમેર્યું કે જોબિડેને કરેલી ઉપરોક્ત વાતચીત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી રાજપૂરૂષો સાથે 

આડેધડ કરાયેલી વાતચીતોના વર્ષો પછી પારંપરિક રાજદ્વારી ઔપચારિકતાનું પુનઃસ્થાપન દર્શાવે છે. જો કે ભારતના વિદેશ મંત્રાલયના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બિડેન વચ્ચેનો પ્રથમ સંવાદ ટૂંકમાં પારસ્પરિક અનુકૂળ સમયે થશે અમેરિકાએ રચેલા ચતુષ્કોણના અન્ય ત્રણ ભાગીદારોમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતનો સમાવેશ થાય છે. 

- ઇન્દર સાહની

Comments