દિલ્હીની વાત : મોદીએ આભાર માન્યો પણ નીતિશ સૌજન્ય ચૂક્યા


નવીદિલ્હી, તા.11 નવેમ્બર 2020, બુધવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત પછી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયે કાર્યકરોને સંબોધન કરીને બિહારના મતદારોનો આભાર માન્યો ત્યારે નીતિશ કુમારે એ સૌજન્ય પણ ના દાખવ્યું તેની ટીકા થઈ રહી છે. ચૂંટણીમાં હાર-જીત પછી દરેક પક્ષના નેતા તમામનો આભાર માને એ પરંપરા છે પણ નીતિશે એ પરંપરાને અવગણી છે.

મંગળવારે મોડી રાત્રે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, બિહારમાં ફરી એનડીએની સરકાર આવશે. બુધવારે ભાજપે સ્પષ્ટ કરી દીધું કે, ભાજપની બેઠકો વધારે આવી હોવા છતાં મુખ્યમંત્રીપદે નીતિશ કુમાર જ બેસશે. આ જાહેરાત પછી નીતિશ અને ભાજપના નેતાઓ સંયુક્ત રીતે મીડિયાને સંબોધીને આભાર વ્યક્ત કરશે એવી અપેક્ષા હતી એ પણ ના ફળી.

નીતિશ બુધવારે આખો દિવસ જાહેરમાં દેખાયા જ નહીં. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમણે કશું કહ્યું નથી. પટણામાં જેડીયુના મુખ્યાલયે પણ કોઈ મોટા નેતા ના જોવા મળતાં જેડીયુમાં અંદરખાને શું ચાલી રહ્યું છે એ અંગે સસ્પેન્સ છે. નીતિશ કુમાર કોઈ મોટો ધડાકો કરવાની ફિરાકમાં છે કે શું એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ મોદી ચૂપ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતના પગલે બુધવારે ભાજપ મુખ્યાલયે યોજાયેલા વિજયોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા. મોદીએ પોતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત જ ના કરી તેના કારણે તેમને પણ લોકોને સલાહ આપવામાં જ રસ હોય એવું લાગ્યું.

આ કાર્યક્રમમાં મોદી આવવાના હોવાથી મોટી સખ્યામાં નેતા અને કાર્યકરો ઉમટી પડયા હતા. મોદી દેશનાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અને દો ગજ કી દૂરી રાખવાની સલાહ આપે છે પણ ભાજપ આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો વચ્ચે બે સેન્ટિમીટરનું પણ અંતર નહોતું. લોકો એકબીજાને અથડાતા ઉભા હતા.

મોદી લોકોને સતત માસ્ક પહેરી રાખવાની સલાહો પણ આપ્યા કરે છે પણ એ સલાહનો પણ ધરાર અનાદર થતો જોવા મળ્યો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પહેલાં માસ્ક પહેરેલો પણ પછી કાઢી નાંખ્યો હતો. નડ્ડા ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન સ્વીકારવા ને પુષ્પવર્ષા ઝીલવા માસ્ક વિના નિકળ્યા. મુખ્યાલયે પહોંચ્યા પછી કારમાંથી નીચે ઉતરીને તેમણે માસ્ક પહેર્યો. અમિત શાહે કારમાંથી ઉતરતાં તરત માસ્ક પહેરી લીધો પણ મોટા ભાગના નેતા માસ્ક વિના જ જોવા મળ્યા.

બિહારમાં તેજસ્વી કરતાં 'ભાઈ'ની ચર્ચા વધારે

બિહારમાં તેજસ્વી ભલે સત્તા ના હાંસલ કરી શક્યો પણ આરજેડીએ કરેલા દેખાવની પ્રસંશા થઈ રહી છે. જો કે આરજેડીના દેખાવ પછી તેજસ્વી કરતાં વધારે ચર્ચા 'ભાઈ' સંજય યાદવની છે. સંજયની વય ૩૬ વર્ષની છે અને તેજસ્વી કરતાં તે પાંચ વર્ષ મોટો છે તેથી તેજસ્વી સંજયને 'ભાઈ' કહે છે.

સંજય યાદવ છે પણ બિહારી નથી. હરિયાણાના સૂબેદારના દીકરો સંજય હિન્દી મીડિયમમાં ભણ્યો છે. એમ.એસસી. પછી એમબીએ કરનારા સંજયે તેજસ્વી આઈપીએલ દરમિયાન મળ્યો હતો. તેજસ્વીએ ૨૦૧૩માં ૨૩ વર્ષની વયે ક્રિકેટ છોડીને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું ત્યારે તેના એક જ ફોન પર સંજય નોકરી છોડીને બિહાર આવી ગયો હતો.

સંજયે સોશિયલ મીડિયા અને આઈ.ટી.નો ઉપયોગ કરીને તેજસ્વીને બિહારના યુવાનોમાં લોકપ્રિય બનાવ્યો છે.  મોદીને બદલે નીતિશને ટાર્ગેટ કરવાની ને જંગલરાજ સામે બેરોજગારીનો મુદ્દો ચગાવવાની વ્યૂહરચના સંજયની હતી. તેના કારણે જ તેજસ્વીએ લાલુ પ્રસાદ કે પરિવારના બીજા કોઈની મદદ વિના એકલા હાથે આરજેડીને સૌથી મોટો પક્ષ બનાવ્યો છે.

શાહ 'બડા ચાણક્ય', યાદવ 'છોટા ચાણક્ય'

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવ પછી હવે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને પોતાને 'છોટા ચાણક્ય' ગણાવવાની ચળ ઉપડી છે. બિહાર પરિણામોના બીજા દિવસે ઘણાં હિન્દી અખબારો અને વેબસાઈટ્સ પર ભાજપની જીતનો યશ યાદવને આપતા લેખ પ્રસિધ્ધ થયા છે.

આ લેખોમાં દાવો કરાયો છે કે, લોકસભાની ચૂંટણી પછી વિધાનસભામાં પણ ભાજપને ભવ્ય જીત અપાવીને યાદવ 'બડા ચાણક્ય' અમિત શાહ પછી 'છોટા ચાણક્ય' સાબિત થયા છે. રાજસ્થાની યાદવે બિહારમાં ભાજપને સૌથી મોટો પક્ષ બનાવ્યો એ બદલ તેમનાં ભરપૂર વખાણ કરાયાં છે. યાદવે કેવા વ્યૂહ અપનાવ્યા તેની પણ વાતો કરાઈ છે.

ભાજપનાં સૂત્રોના મતે, યાદવની પ્રસંશા પાછળ ભાજપની નડ્ડા વિરૂધ્ધ શાહ જૂથની ખેંચતાણ છે. શાહ બિહારની ચૂંટણીથી અલિપ્ત રહ્યા હતા. જે.પી. નડ્ડા અને દેવેન્દ્ર ફડણવિસે બિહારમાં ભાજપના પ્રચારની જવાબદારી ઉઠાવી હતી. શાહ જૂથને એ વખતે ભાજપને આવી સફળતા મળશે એવી અપેક્ષા નહોતી. હવે સફળતા મળી છે તો તેનો જશ નડ્ડા-ફડણવિસને ના મળે એટલે યાદવને 'છોટા ચાણક્ય' બનાવી દેવાયા છે.

કોંગ્રેસનો સફાયો થતાં રાહુલનું વેકેશન રદ

બિહાર વિધાનસભા તથા મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોની પેટાચૂંટણીનાં પરિણામોએ રાહુલ ગાંધીના રાજસ્થાનમાં વેકેશનના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. બિહારમાં મહાગઠબંધનને ભવ્ય જીતના એક્ઝિટ પોલના દાવાના પગલે રાહુલે જેસલમેરમાં ત્રણ દિવસના આરામનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. ગેહલોત સરકારે બધી તૈયારી કરી દીધી હતી પણ બધાં રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થતાં મંગળવારે રાત્રે રાહુલનો પ્રવાસ રદ કરી દેવાયો.

મૂળ કાર્યક્રમ પ્રમાણે બુધવારે સવારે રાહુલ ચાર્ટર પ્લેનથી બે દિવસ જેસલમેર અને ત્રીજા દિવસે રણમાં જવાના હતા. રાહુલની સલામતી માટે સીઆરપીએફની ટુકડીને જેસલમેર મોકલી દેવાઈ હતી. રાહુલને ખલેલ ના પહોંચે એટલે મીડિયા તથા કાર્યકરોને દૂર રાખવાની વ્યવસ્થા પણ કરી દેવાઈ હતી. આખી ગેહલોત સરકાર રાહુલ માટે ખડે પગે કરી દેવાઈ હતી પણ આ બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

કોંગ્રેસનાં સૂત્રોના મતે, સોનિયા એકાદ દિવસમાં  ટોચના નેતાઓ સાથે પરિણામોની સમીક્ષા કરશે. આ બેઠકમાં રાહુલ હાજર ના હોય તો ખોટો મેસેજ જાય તેથી રાહુલનું વેકેશન રદ કરાયું છે.

ડિજિટલ મીડિયા પર હવે મોદી સરકારનો અંકુશ

મોદી સરકારે અંતે ડિજિટલ મીડિયા પર નિયંત્રણ મૂકવા માટે જાહેરનામું બહાર પાડી દીધું. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા અંતર્ગત તમામ પ્રકારના ડિજિટલ કન્ટેન્ટ પર હવે કેન્દ્રનું માહિતી અને પ્રસારણ મંત્રાલય નજર રાખશે. ન્યુઝ વેબસાઈટ્સ ઉપરાંત એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ્સ પણ હવે તેમના તાબા હેઠળ કામ કરશે. સુપ્રીમ કોર્ટે ડિજિટલ મીડિયા પર નિયંત્રણની તરફેણ કરી તેના પગલે આ નિર્ણય લેવાયો છે.

વિશ્લેષકો સ્વીકારે છે કે, ડિજિટલ કન્ટેન્ટ પર નિયંત્રણની જરૂર છે પણ તેના માટે સ્વાયત્ત સંગઠન જરૂરી હતું. પ્રિન્ટ અને ટીવી મીડિયા માટે એવાં સંગઠન છે જ. ફિલ્મો માટે સેન્સર બોર્ડ તથા જાહેરખબરો માટે એડવર્ટાઈઝિંગ કાઉન્સિલ પણ સ્વાયત્ત છે એ રીતે ડિજિટલ કન્ટેન્ટને પણ સ્વાયત્ત સંગઠનની નજર હેઠળ રાખવાની જરૂર હતી.  તેના બદલે ડિજિટલ મીડિયાને સરકારી વિભાગની નજર હેઠળ મૂકીને આડકતરી રીતે તેના પર નિયંત્રણ કરવાનો તખ્તો ઘડી દેવાયો છે. આ બાબત લોકશાહી માટે સારી નથી અને સરકાર દ્વારા વિરોધીઓને દબાવવા તેનો દુરૂપયોગ થઈ શકે છે. 

***

બિહારની ચૂંટણી સરળ છતાં ગુંચવણભર્યો કોયડો

 રાજકીય વિશ્લેષકો માને છે કે બિહારમાં ભલે એનડીએ અને નીતિશ કુમારની વાપસી થઇ હોય, પણ  આ સાથે જ ભાજપ અને જદયુના સંબધોમાં પરિવર્તન આવશે અને તે ભાજપની તરફેણના હશે. તો બીજી તરફ મહાગઠબંધનના નેતા તેજસ્વીએ અત્યંત પ્રભાવી દેખાવ કર્યો હતો જેમાં અન્ય પરિબળોે તેમનો યોગ્ય સાથ આપ્યો હતો. એક અન્ય સબક જે આ ચૂંટણીમાંથી શીખવાનું છે તે એ કે લાખો બિહારી મજુરોને નોકરી છોડી લોકડાઉનમાં પોતાના ઘરે પરત ફરવું પડયું હતું છતાં મોટા ભાગના લોકોએ વડા પ્રધાન મોદીમાં વિશ્વાસ મૂક્યો હતો. આર્થિક સમસ્યા તો લોકપ્રિય એજન્ડા હતો જ. તેજસ્વી યાદવે માત્ર આ મુદ્દે જ અનેક સભાઓ સંબોધી હતી અને એક ઉભરતા યુવા નેતા તરીકે આગળ આવ્યા હતા. ઉપરાંત આ ચૂંટણીમાં આગામી પેઢીને નેતાઓ પણ દેશને મળ્યા હતા.નીતિશની વાપસી છતાં હવ ેબિહારમાં નીતિશ પછી કોણ તેના પર જ રાજકારણ રમાશે. બસ આ જ કારણ એનડીએમાં ઉથલપાથલ પેદા કરશે. ઉપરાંત હવે રાજકીય પ્રયોગો પણ કરાશે.તેજસ્વી યાદવ પર હવે સોની મીટ મંડાશે. ચિરાગ પાસવાને નીતિશને મોટું નુકસાન કરાવ્યું હોવા છતાં એને પણ લોકો ભુલશે  નહીં.

પાસવાન ખરેખર વોટ કટર

ચૂંટણી સુધી લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને વોટ કટરનો ઇલકાબ મળી ગયો હતો જે એણે સાબીત પણ કરી દીધું. જો કે પોતે તો હાર્યા પણ સાથે સાથે તેમણે નીતિશની બોટને પણ ડુબાડી દીધી હતી. લોજપાના કારણે એનડીએના કેટલાય નેતાઓ હારી ગયા હતા.કેન્દ્રમાં એનડીએના જોડાણમાં હોવા છતાં રાજ્યમાં એણે જદયુ સામે પોતાના ૧૩૭ ઉમેદવારો ઊભા રાખ્યા હતા.પરિણામે જદયુના અનેક નેતાઓ હારી ગયા હતા. એકલા હાથે ચૂંટણી લડવામાં પાસવાનને ભાજપનો સાથ અને આશિર્વાદ હતા. પાસવાને કહ્યું હતું કે તેઓ ભાજપની વિરૂધ્ધ નથી, માત્ર નીતિશની સામે ગુસ્સો છે. પરિમામ એ આવ્યું કે જ્યાં જદયુના ઉમેદવારો ઊભા હતા ત્યાં એલજેપીના ઉમેદવારો એટલા વોટ લઇ ગયા જેટલા વોટથી જદયુના ઉમેદવારો હાર્યા હતા.જો જદયુની સામે પાસવાનનો ઉમેદવાર ઊભો રહ્યો ન હોત તો એનડીએને વધુ ૩૮ બેઠકો મળી હોત.જો કે મહત્તવની વાત તે એ હતી કે નીતિશ કુમારને પણ ભાજપના આ ષડયંત્રની જાણ હતી, એમ જદયુના એક પૂર્વ સાસંદ અને જદયુના સલાહકાર પવન વર્માએ કહેલું.

શા માટે કોંગ્રેસ નબળી કડી હતી?

વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે ૭૦ બેઠકોમાંથી માક્ષ ૧૯ બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ડી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી.

 પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લા ૩૦ વર્ષોમાં કોંગ્રેસ બિહારમાંથી એક લોકપ્રિયા નેતા પણ ઊભો કરી શકી નથી. પક્ષમાં એવો કટાક્ષ કરાય છે કે  બિહાર પ્રદેશ કોંગ્રેસના  પ્રમુખ મદન મોહન ઝાની સાથે પચાસ લોકો પણ સાથે હોતા નથી. પટણાના રાજકીય વિષ્લેશક અજય કુમાર ઝા કહે છે કે રાહુલ  ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ તેજસ્વીના મદદરૂપ બન્યા જ નહતા અથવા તો તેજસ્વી દ્વારા શરૂ કરાયેલા પ્રચારને આગળ પણ વધારી શક્યા નહતા.

એક્ઝિટ પોલ શા માટે ખોટા પડયા?

મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના  મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી. નિષ્ણાંતો કહે છે કે ત્રણ બાબતોની એકેઝિટ પોલ પર અસર પડી હશે.

એક, ટાઇમીંગ-પ્રથમ તબક્કાના મતદાન પછી એનડીએના પ્રચારમાં આક્રમકતા,બીજું એકેઝિટ પોલમાં મહિલાઓનું ઓછું કવરેજ  જેમણે નીતિશની તરફેણમાં મત  આપ્યા હતા અને ત્રીજુ શાંત મતદારોની જંગી હાજરી. જાણીતા રાજકીય વૈજ્ઞાાનિક નિલાંજન સરકાર અનુસાર કોઇ પણ સમયે પરિમામ અંગેની આગાહી કરવી મુશ્કેલ હોય છે. પરંતુ કોવિડ ૧૯માં કામગીરી કરનાર લોકોએ લોજીસ્ટીક સપોર્ટનો મોટો સહકાર મળ્યો નહીં હોય. ભાજપ અને રાજદએ સારો દેખાવ કર્યો હતો જ્યારે એનડીએના ભાગીદાર નીતીશના જદયુ અને કોંંગ્રેસનો દેખાવ ખરાબ હતો.'આવી ઉથલપાથલ જે ઘણી વખતે દેખાતી નથી તેના કારણે એક્ઝિટ પોલ ખોટા પડે છે.

- ઇન્દર સાહની

Comments