સૌરમંડળમાં 3 નવા ચંદ્ર શોધાયા, બે ગ્રહોની આજુબાજુ મળ્યાં, અંતરિક્ષમાં કયો ગ્રહ છે 'કિંગ ઓફ મૂન'?


- સૌર મંડળના પરિવારમાં ત્રણ નવા સભ્યોનું આગમન 

- ઉપગ્રહોને મહાન નાટયકાર શેકસપિયરનાં નાટકોનાં પાત્રનાં નામ અપાશે 

વોશિંગ્ટન/ મુંબઇ: આપણા સૂર્યમંડળના પરિવારમાં ત્રણ નવા સભ્યોનો ઉમેરો  થયો છે. આ નવા સભ્યો એટલે ત્રણ નવા શોધાયેલા ચંદ્ર (કોઇપણ ગ્રહના ઉપગ્રહને ખગોળશાસ્ત્રની ભાષામાં  ચંદ્ર -મૂન કહેવાય છે). આમાંનો એક  ચંદ્ર  વાયુના વિરાટ ગ્રહ યુરેનસનો છે જ્યારે બે ચંદ્ર નેપ્ચુન ગ્રહના  છે.

ત્રણ નવા ચંદ્રની શોધ સાથે હવે યુરેનસના કુલ ચંદ્રની સંખ્યા ૨૮ જ્યારે નેપ્ચુનના ચંદ્રની કુલ સંખ્યા ૧૬ થઇ  છે.

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ  એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને તેની જેટ પ્રપલ્ઝન લેબોરેટરીની સોલાર ડાયનેમિક્સ ટીમના કહેવા મુજબ આપણા સૌર મંડળમાં  કુલ ૨૯૩ ચંદ્ર છે. સૌર મંડળનો પાઘડીધારી ગ્રહ શનિ કુલ ૧૪૬  ચંદ્ર સાથે સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ હોવાથી ખગોળ શાસ્ત્રીઓ તેને કિંગ ઓફ મૂન્સ કહેે છે. જ્યારે  બીજા નંબરે  સૂર્ય મંડળના સૌથી મોટા-કદાવર ગ્રહ ગુરુને કુલ ૯૫ ચંદ્ર એટલે કે ઉપગ્રહો  છે. યુરેનસ-૨૮, નેપ્ચુન-૧૬, મંગળ-૨, પૃથ્વી --૧, ડ્વાર્ફ પ્લેનેટ(લઘુગ્રહ) પ્લુટો-૫ ચંદ્ર  છે.  

આ ત્રણેય  નવા  ચંદ્ર અમેરિકાની કાર્નેગી ઇન્સ્ટિટયુટ  ફોર સાયન્સ (વોશિંગ્ટન)ના ખગોળશાસ્ત્રી સ્કોટ.એસ. શેફર્ડ અને તેની ટીમના  સભ્યોએ શોધ્યા છે. આ ત્રણ નવા ઉપગ્રહોની વિશિષ્ટ શોધની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ  એસ્ટ્રોનોમિક યુનિયન (આઇ.એ.યુ.)ના માઇનોર પ્લેનેટ સેન્ટર  દ્વારા થઇ છે. 

સ્કોટ શેફર્ડે ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે  આ ત્રણ નવા શોધાયેલા ચંદ્ર એટલે કે ઉપગ્રહો ખરેખર તો બહુ જ ઝાંખા છે. યુરેનસના નવા ચંદ્રની સંજ્ઞાા-એસ/૨૦૨૩ યુ૧-છે જ્યારે નેપ્ચુનના બંને ચંદ્રની સંજ્ઞાા-એસ/૨૦૦૨ એન ૫-અને એસ/૨૦૨૧ એન૧- છે.

હાલ તો આ ત્રણેય નવા ઉપગ્રહોને ખગોળશાસ્ત્રની સંજ્ઞાા આપવામાં આવી  છે. જોકે થોડા સમય બાદ ત્રણેય નવા ઉપગ્રહોને બ્રિટનના મહાન નાટયકાર વિલિયમ શેકસપિયરનાં નાટકોનાં પાત્રનાં અને ગ્રીક નામ આપવામાં આવશે. યુરેનસનો નવો   ચંદ્ર-એસ/૨૦૨૩ યુ૧-  તેના અન્ય ચંદ્રના કદની સરખામણીએ સૌથી નાનો છે. આ નવો ચંદ્ર  ૬૮૦ દિવસમાં તેના પિતૃ ગ્રહ યુરેનસની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. સ્કોટ શેફર્ડે  મેગેલેન ટેલિસ્કોપ (ચીલી)ની મદદથી ૨૦૨૩ની, ૪, નવેમ્બરે કરી છે. શેફર્ડે  ત્યારબાદ આ જ ટેલિસ્કોપની મદદથી નેપ્ચુનના બે નવા ચંદ્રની પણ શોધ કરી છે.

નેપ્ચુનનો નવો ચંદ્ર એસ/૨૦૦૨ એન૫ તેના પિતૃ ગ્રહ નેપ્ચુન ફરતે નવ વર્ષમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે. જ્યારે એસ/૨૦૨૧એન૧ તેના પિતૃ ગ્રહ નેપ્ચુન ફરતે ૨૭ વર્ષે એક પ્રદક્ષિણ પૂરી કરે છે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો