ભારતીય મૂળના ઉમેદવાર અમેરિકી પ્રમુખ પદની રેસથી બહાર, ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુકાબલો ફાઈનલ
- સુપર ટયુસડેમાં કારમી હાર બાદ નિક્કી હેલીએ ઉમેદવારી પાછી ખેંચી
- વરમોન્ટને બાદ કરતાં તમામ 13 રાજ્યોમાં ટ્રમ્પ વિજયી, અમેરિકન સમોઆમાં ડેમોક્રેટ બાઇડનને જેસોન પામરે હરાવ્યા
- 14 રાજ્યોમાં સુપર ટયુસડે મતદાન બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ૯૯૫ અને નિક્કી હેલીને માત્ર 89 ઉમેદવારોનો ટેકો મળ્યો
વોશિંગ્ટન: સુપર ટયુસડેમાં વરમોન્ટમાં જીતવા છતાં અગિયાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રભાવશાળી દેખાવ કરતાં વિવેક રામાસ્વામી, રોન દસેન્ટિસ બાદ હવે નિક્કી હેલીએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં હવે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવેમ્બરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તે નિશ્ચિત બની ગયું છે. પંદર રાજ્યોમાં સુપર ટયુસ ડેના રોજ થયેલાં મતદાનોના પરિણામોમાં નિક્કી હેલીને માત્ર ૮૬ ઉમેદવારોનો અને ડોનાલ્ડ ટ્રમ્પને ૯૯૫ ઉમેદવારોનો ટેકો સાંપડયો છે. બુધવારે સવારે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરતાં હેલીએ સાઉથ કેરોલાઇનાના ચાર્લ્સટન ખાતે જણાવ્યું હતું કે આ મહાન દેશમાં મને ચોતરફથી જે ટેકો મળ્યો તેનાથી હું આભારી છું. પણ હવે મારો ચૂંટણી પ્રચાર અટકાવવાનો સમય આવી ગયો છે. અમેરિકનોનો તેમનો પોતાનો અવાજ હોવો જોઇએ તેમ મેં કહ્યું હતું અને મેં આ કામ કર્યુ છે. મને કોઇ અફસોસ નથી.
પ્રમુખપદની રેસમાંથી ખસી જનારા નિકી હેલ્લીએ વધુમાં જણાવ્યું હતું કે હું હવે પ્રમુખપદની ઉમેદવાર નથી રહી પણ હું જેમાં માનું છું તે બાબતે મારો અવાજ ઉઠાવતી રહીશ.આપણાં પક્ષમાંથી જે લોકોનો ટેકો તેમને સાંપડયો નથી તેમનો ટેકો મેળવવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. મને આશા છે કે આ મતો તેઓ મેળવશે, રાજકારણ એ તમારા મુદ્દા તરફ લોકોને લાવવા માટે છે તેનાથી દૂર ધકેલવા માટે નહીં. આપણી રૂઢિચુસ્ત પાર્ટીને તેમના કોઝ માટે વધારે લોકોની જરૂર છે.
૭૭ વર્ષના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટેકેદારો પર તેમની પક્કડ જમાવી રાખી હોઇ હવે નવેમ્બરમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડન સામે તેઓ ચૂંટણી લડશે તે નિશ્ચિત બની ગયું છે. જો કે, ટ્રમ્પને હજી સત્તાવાર રીતે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર બનવા કુલ ૧૨૧૫ ઉમેદવારોનો ટેકો મેળવવો પડશે. આ ઉમેદવારો પ્રાઇમરીમાં વિજેતા બન્યા હોય છે. હાલ ટ્રમ્પને ૯૯૫ અને હેલીને ૮૯ ઉમેદવારોનો ટેકો સાંપડેલો છે. હેલીની નજીક રહેલાં લોકો વિવિધ અભિપ્રાય ધરાવે છે. કેટલાકના મતે તે જો ટ્રમ્પને ટેકો આપે તો તેને ટીમ પ્લેયર ગણવામાં આવી શકે છે. જો કે, ટ્રમ્પે જણાવ્યું હતું કે હેલીનો ચૂંટણીપ્રચાર દિશાહીન બની ગયો હોઇ તે ગિન્નાઇ છે. ટ્રમ્પની ટીમ જાણતી હતી કે સુપર ટયુસડેના પરિણામો બાદ ટ્રમ્પને જરૂરીસંખ્યામાં ડેલિગેટ્સનો ટેકો સાંપડવાનો નથી, પણ તેમને આશા છે કે બાર માર્ચના મંગળવારે ટ્રમ્પ ૧૨૧૫ ઉમેદવારોનો ટેકો હાંસલ કરી લેશે.
નિક્કી હેલીની પ્રવક્તા ઓલિવિયાએ જણાવ્યું હતું કે હેલી પ્રથમ રિપબ્લિકન મહિલા બની છે જેણે બે પ્રાઇમરીઓ વોશિંગ્ટન ડીસી અને વરમોન્ટમાં વિજય મેળવ્યો છે. અમે એક છીએ તેવો દાવો કરવાથી એકતા સધાઇ જતી નથી. રિપબ્લિકન પ્રાઇમરીના મતદારોએ દર્શાવ્યું છે કે તેમને ટ્રમ્પના મામલે ચિંતા છે. સફળ થવા માટે રિપબ્લિકન પક્ષને આવી એકતાની જરૂર નથી. આ મતદારોની ચિંતા દૂર કરવાથી રિપબ્લિકન પક્ષ અને અમેરિકા બહેતર બનશે.
બીજી તરફ ડેમોક્રેટ પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જો બાઇડને તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી ચેતવણી આપી હતી કે જો ટ્રમ્પ બીજી મુદત માટે પાછાં ફરશે તો અંધાધૂંધી, ભાગલાં અને અંધકારયુગ પાછાં ફરશે. આપણે જે અમેરિકામાં માનીએ છીએ તેના અસ્તિત્વ સામે ડોનાલ્ડ ટ્રમ્પે જોખમ ઉભું કરતાં ચાર વર્ષ અગાઉ હું ચૂંટણી લડયો હતો. હવે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછાં ફરશે તો મારી સરકારે કરેલી તમામ પ્રગતિ જોખમાશે. ટ્રમ્પ બદલા અને વેરભાવનાથી દોરવાયેલા છે, અમેરિકન પ્રજાથી નહીં. બાઇડન સામે જેસોન પામર નામના ઉમેદવારે અમેરિકન સમોઆમાં જીત મેળવી આશ્ચર્ય સર્જ્યુ હતું. ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ માં સરકારની ભૂમિકા બાદ બાઇડન સામે વિવિધ રાજ્યોમાં નોનકમિટેડ ડેમોક્રેટ મતદારોની સંખ્યા વધી છે.
- નિક્કી હેલીની ટ્રમ્પની ટેકેદારથી પ્રતિસ્પર્ધી સુધીની સફર
નિક્કી હેલીએ ગઇ ચૂંટણીમાં ટ્રમ્પના ટેકેદાર તરીકે કામ કરી તેમના શાસનમાં યુએનમાં એમ્બેસેડર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં નિક્કીએ ટ્રમ્પ સામે ચૂંટણી લડવાનું નકારી કાઢ્યું હતું પણ બાદમાં તેમણે સૂર બદલી ટ્રમ્પ સામે લડવાનો નિર્ણય કર્યો હતો.
નેવર ટ્રમ્પ આંદોલન કરનારા અને પ્રમાણમાં ભણેલાં રિપબ્લિકન મતદારો પર હેલીનો મદાર હતો. નિક્કી હેલીએ પ્રમાણમાં મોડો પ્રચાર શરૂ કરવા છતાં તેમણ અન્ય ઉમેદવારોની સરખામણીમાં ટ્રમ્પને છે ક સુધી ફાઇટ આપી હતી.
તેમણે વોશિંગ્ટન ડીસી અને વરમોન્ટ પ્રાઇમરીમાં ટ્રમ્પને હરાવ્યા પણ હતા.
પરંતુ સાઉથ કેરોલાઇના અને વર્જિનિયામાં તેમને ધારણાં પ્રમાણે રિપબ્લિકન્સનો ટેકો સાંપડયો નહોતો. ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેઇનની સામે નિક્કી હેલીએ મેક અમેરિકા નોર્મલનો નારો આપ્યો હતો.
- નિક્કી હેલીનો બે રાજ્યોમાં વિજય
રિપબ્લિકન્સમાં ભારે લોકપ્રિય ટ્રમ્પ સામે લડવાનું જારી રાખી નિક્કી હેલીએ આશ્ચર્ય સર્જ્યુ હતું. પણ રવિવારે વોસિંગ્ટન ડીસીમાં અને મંગળવારે વરમોન્ટ પ્રાઇમરીમાં વિજય મેળવી નિક્કી હેલીએ એક મહિલા ઉમેદવાર તરીકે બે રાજ્યોની પ્રાઇમરીઓમાં જીત મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ટ્રમ્પને ફાઇટ આપ્યા પછી માત થયા બાદ પણ લડવાનો નિર્ધાર છોડયો નથી. નિક્કી હેલીની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર હેલી ટ્રમ્પને ટેકો આપવાને બદલે પોતાના ટેકેદારો મવાળ રિપબ્લિકન્સનો ટેકો મેળવવા માટે તેમને વધારે મહેનત કરવાનો સંદેશ આપશે.
એ પછી હેલી આગામી મુદતમાં પ્રમુખપદની ચૂંટણી લડવા બાબતે વિચારણા કરશે.
Comments
Post a Comment