કંગના પર અભદ્ર પોસ્ટ મામલે સુપ્રિયા શ્રીનેત ફસાયા, મહિલા આયોગની ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ
Lok Sabha Elections 2024: નેશનલ કમિશન ફોર વુમન (NCW)એ સોમવારે ચૂંટણી પંચને પત્ર લખીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપની ઉમેદવાર અભિનેત્રી કંગના રણૌત પર કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતાઓ સુપ્રિયા શ્રીનેત અને એચએસ આહિર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. શ્રીનેતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રણૌત વિશે કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરી હતી, જેને પાછળથી હટાવી દેવામાં આવી હતી.
રેખા શર્માએ શ્રીનેત અને આહિર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
આ ઉપરાંત કિસાન કોંગ્રેસના રાજ્ય સંયુક્ત સંયોજક, આહિરે પણ રણૌત વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. NCWએ કહ્યું કે પંચના અધ્યક્ષ રેખા શર્માએ ચૂંટણી પંચને પત્ર લખીને શ્રીનેત અને આહિર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે તેની પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ સુપ્રિયા શ્રીનેતના અપમાનજનક વર્તનથી સ્તબ્ધ છે.
સુપ્રિયા શ્રીનેતે વિવાદિત પોસ્ટ કરી હતી
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર ભાજપના મંડી બેઠક પરથી ઉમેદવાર કંગના રણૌત અંગે પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. પોસ્ટ કરતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો. ભાજપે શ્રીનાતે પર નિશાન સાધ્યું અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પાસેથી કાર્યવાહીની માગ કરી છે. વિવાદ વધ્યા બાદ સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ હટાવી દીધી અને પોસ્ટ પર સ્પષ્ટતા પણ આપી. કંગના રનૌતની તસવીર સુપ્રિયા શ્રીનેતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેમાં લખ્યું, 'મંડીમાં શું કિંમત ચાલી રહી છે, શું કોઈ કહી શકે છે?'
કંગનાએ પણ વળતો જવાબ આપ્યો હતો
હિમાચલ પ્રદેશના મંડી બેઠકથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે 'X' પર લખ્યું-'પ્રિય સુપ્રિયા જી, એક અભિનેત્રી તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશે જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ.'
સુપ્રિયાએ પોસ્ટ પર સ્પષ્ટતા કરી હતી
ભાજપના આકરા પ્રહારો બાદ સુપ્રિયા શ્રીનેતે પહેલા પોતાની પોસ્ટ હટાવી અને પછી સ્પષ્ટતા આપી હતી. તેમણે 'X'પર લખ્યું-'મારા મેટા એકાઉન્ટ્સ (FB અને Insta)ની એક્સેસ ધરાવતી કોઈ વ્યક્તિએ ઘૃણાસ્પદ અને અપમાનજનક પોસ્ટ કરી હતી, જેને હટાવી દેવામાં આવી છે' જે કોઈ મને ઓળખે છે તે જાણશે કે હું ક્યારેય મહિલાઓને આવું નહીં કહીશ.'
Comments
Post a Comment