લોકસભા ચૂંટણીનું મહાભારત સાત કોઠામાં સંગ્રામ, ચાર જૂને ફેંસલો
- દેશભરમાં આચારસંહિતા લાગુ, 19 એપ્રિલથી 1 જૂન સુધી મતદાન થશે
- દેશના 21 રાજ્યોમાં એક જ તબક્કામાં, ત્રણ રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન રાજ્યોના પોલીસ દળો ઉપરાંત કેન્દ્રના 3.4 લાખ સુરક્ષા જવાનો તૈનાત
- કુલ 97 કરોડ મતદાર, 1.82 કરોડ પહેલી વખત મતદાન કરશે : 12 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારો વધુ
- લોકસભા ચૂંટણી માટે 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર કુલ 55 લાખ ઈવીએમનો ઉપયોગ થશે
નવી દિલ્હી : દેશમાં આખરે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના મહાભારતનો શંખનાદ થઈ ગયો છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વર્ષ ૨૦૧૯ની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે અને ૧ જૂને સાતમા તબક્કાનું મતદાન થશે જ્યારે ૪ જૂને પરિણામ જાહેર થશે. ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં મતદાન થશે. લોકસભા સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ ૨૬ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી ચૂંટણી કવાયત ૧૯ એપ્રિલથી શરૂ થશે અને ૪ જૂને તેનું પરિણામ આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, દેશમાં સાત તબક્કામાં ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂને મતદાન થશે તથા ૪ જૂને પરીણામ જાહેર થશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ ૧૬ જૂને પૂરો થઈ રહ્યો છે. તેથી આ પહેલાં નવી લોકસભાની રચના થઈ જશે. લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે શનિવારથી જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માટે ૧૦.૫ લાખથી વધુ મતદાન કેન્દ્રો પર કુલ ૫૫ લાખ ઈવીએમનો ઉપયોગ થશે. આ મતદાન કેન્દ્રો પર ૧.૫ કરોડ કર્મચારીઓ ચૂંટણીની કામગીરી સંભાળશે.
ચૂંટણી પંચે કહ્યું કે, દેશમાં કુલ ૯૭ કરોડ મતદારોમાં ૪૯.૭ કરોડ પુરુષ, ૪૭.૧ કરોડ મહિલાઓ, ૪૮ હજાર ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. આ મતદારોમાં ૮૫ વર્ષથી વધુ વયના ૮૨ લાખ અને ૧૦૦ વર્ષથી વધુ વયના ૨.૧૮ લાખ મતદારો છે. દેશમાં આ વખતે ૧.૮૨ કરોડ મતદારો પહેલી વખત મતદાન કરશે. ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.
દેશમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યના પોલીસ દળ ઉપરાંત કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ના ૩.૪ લાખ જવાનો તૈનાત કરાશે. રાજકીય રીતે અતિ સંવેદનશીલ પશ્ચિમ બંગાળમાં ૯૨,૦૦૦ જવાનો ખડકાશે જ્યારે આતંકવાદગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં ૬૩,૫૦૦ જવાનો તૈનાત કરાશે. નક્સલગ્રસ્ત છત્તીસગઢમાં ૩૬,૦૦૦ જવાનોને ગોઠવાશે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સીએપીએફની કુલ ૩,૪૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
મુખ્ય ચુંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, નવા બે ચૂંટણી કમિશનરો જ્ઞાાનેશ કુમાર અને સુખબિર સિંહ સંધુની નિમણૂક સાથે અમારી ટીમ હવે પૂરી થઈ ગઈ છે.
અમે ભારતીય લોકતંત્રના સૌથી મોટા ઉત્સવની ઊજવણી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધે તે રીતે રાષ્ટ્રીય ચૂંટણી કરાવવા કટિબદ્ધ છીએ.
રાજીવ કુમારે કહ્યું કે, સમગ્ર દેશમાં ૮૫ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારોને ઘરેથી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને ૪૦ ટકાથી વધુ વિકલાંગતા હોય તેવા મતદારોના ઘરે જઈને ફોર્મ ભરાવાશે. સમગ્ર દેશમાં આ વ્યવસ્થા પહેલી વખત લાગુ કરાશે.
ચૂંટણી પંચે કહ્યું કે, દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સહિત ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં મતદાન થશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થશે.
દેશના ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલા તબક્કામાં જ મતદાન પૂરું થઈ જશે. ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં વધુ ચાર રાજ્યોમાં મતદાન પૂરું થઈ જશે. ત્રીજા તબક્કામાં ૭ મેએ ૧૨ રાજ્યોની ૯૪ બેઠકો પર મતદાન થશે અને વધુ છ રાજ્યોમાં મતદાન પૂરું થશે.
ચૂંટણી પંચે ઉમેર્યું કે, ૧૩ મેના રોજ ચોથા તબક્કામાં ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન થશે તેમજ વધુ ત્રણ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થશે. પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ આઠ રાજ્યોની ૪૯ બેઠકો પર મતદાન થશે અને વધુ ત્રણ રાજ્યોમાં મતદાન પૂરું થઈ જશે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે અને આ તબક્કામાં વધુ બે રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થશે. સાતમા અને અંતિમ તબક્કામાં ૧ જૂને આઠ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે.
હિંસાગ્રસ્ત મણિપુરમાં લોકસભાની બે બેઠક છે, જેમાં ઈનર મણિપુર અને આઉટર મણિપુરના કેટલાક ભાગમાં ૧૯ એપ્રિલે જ્યારે આઉટર મણિપુરના બાકીના ભાગમાં ૨૬ એપ્રિલે મતદાન થશે. રાહત કેમ્પમાં રહેતા લોકોને ત્યાંથી મતદાન કરવાની સુવિધા અપાશે.
'હું કલંકિત છું'ની ત્રણ વખત જાહેર ખબર આપવી પડશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં કલંકિત ઉમેદવારોએ અખબારોમાં ત્રણ વખત જાહેર ખબર પ્રકાશિત કરાવવી પડશે. જે ઉમેદવારોનો ગુનાઈત રેકોર્ડ હોય તેમણે જાહેરાતમાં લખવું પડશે કે 'હું કલંકિત છું.' વધુમાં તેમણે આ જાહેરાતોમાં તેમની સામેના ગુનાઈત કેસોની વિગતો પણ આપવી પડશે. વધુમાં બધા જ રાજકીય પક્ષોએ પણ તેમના કેટલા ઉમેદવારો ગુનાઈત રેકોર્ડ ધરાવે છે એટલે કે કલંકિત છે તેની જાહેરખબર અખબારોમાં આપવી પડશે.
ચૂંટણી કમિશનરે શાયરી સંભળાવી
અધૂરી હસરતો કા ઈલ્ઝામ... રાજીવ કુમારનો શાયરાના જવાબ
- રહિમન ધાગા પ્રેમ કા, મત તોડો છિટકાય, ટૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિજાય : રહિમનો દોહો ટાંક્યો
લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો મુદ્દો ઉછળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સના અંત ભાગમાં ઈવીએમ અંગે વાત કરી હતી અને ઈવીએમમાં ખામી કાઢનારા લોકો પર કટાક્ષ કર્યો હતો.
વારંવાર ઈવીએમ પર સવાલ ઉઠાવનારા લોકોના સંદર્ભમાં મુખ્ય ચુંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, 'અધૂરી હસરતો કા ઈલ્ઝામ હર બાર હમ પર લગાના ઠીક નહીં, વફા ખુદ સે નહીં હોતી ખતા ઈવીએમ કી કહતે હો.'
રાજીવ કુમારે રાજકીય પક્ષોને વિનંતી કરતા કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન અંગત હુમલા કરવાનું ટાળવું જોઈએ અને ડેકોરમ જાળળી રાખવું જોઈએ. ત્યાર પછી તેમણે ઉર્દૂના પ્રખ્યાત શાયર બશીર બદ્રનો શેર સંભળાવતા કહ્યું, 'દુશ્મની જમ કર કરો લેકીન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએ તો શર્મિંદા ના હો.'
તેમણે ઉમેર્યું કે, આજકાલ દોસ્ત અને દુશ્મન બનવાની પ્રક્રિયા થોડી વધુ ઝડપી બની ગઈ છે. તેથી પક્ષો એટલું ગંદુ ના બોલે કે એકબીજાના દુશ્મન બની જાય. મોંમાંથી નીકળેલા શબ્દો ડિજિટલ સ્વરૂપે હંમેશા માટે રેકોર્ડ થઈ જાય છે અને વારંવાર ચલાવવામાં આવે છે. તેથી રાજકીય પક્ષોએ ખરાબ શબ્દોની ગંદી ડિજિટલ યાદો બનાવવાથી બચવું જોઈએ. કારણ કે એક વખત લડાઈ-ઝઘડો થાય છે તો પ્રેમના સંબંધો તૂટી જાય છે અને પછી તેને જોડવા મુશ્કેલ બને છે. આ સમયે તેમણે રહિમનો દોહો સંભળાવતા કહ્યું, 'રહિમન ધાગા પ્રેમ કા, મત તોડો છિટકાય, ટૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિજાય.'
Comments
Post a Comment