કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડના મુખ્ય સૂત્રધાર : છ દિવસની કસ્ટડી
- મારું જીવન દેશને સમર્પિત : ધરપકડ પછી કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
- કેજરીવાલે દક્ષિણના જૂથ પાસેથી રૂ. 100 કરોડની લાંચ માગી, રૂ. 45 કરોડની લાંચનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં કરાયાનો ઇડીનો આરોપ
- દિલ્હીના મુખ્યમંત્રી સામે હવે ઈડીના અધિકારીઓની જાસૂસીનો પણ કેસ થશે : કેજરીવાલને સીએમપદેથી હટાવવા પીઆઈએલ
- ઈડીની ધરપકડ સામે સુપ્રીમમાં અરજી કેજરીવાલે પાછી ખેંચી લીધી
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે રાઉઝ એવન્યુની પીએમએલએ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની છ દિવસના ઈડીના રીમાન્ડ પર મોકલી આપ્યા છે. ઈડીએ કેજરીવાલની ૧૦ દિવસની કસ્ટડી માગી હતી. આ પહેલાં ઈડીની ધરપકડના વિરોધમાં કેજરીવાલે ગુરુવારે રાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ શુક્રવારે સવારે કેજરીવાલે સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. બીજીબાજુ ઈડીએ કેજરીવાલ પર તેના અધિકારીઓની જાસૂસીનો પણ આરોપ મૂક્યો છે અને આ અંગે પણ તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.
દિલ્હીમાં નવી દારૂ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કર્યા પછી ગુરુવારે સાંજે જ ઈડીએ સીએમ નિવાસ પર દરોડો પાડીને તેમની ધરપકડ કરી હતી. ત્યાર પછી ઈડીએ કેજરીવાલને શુક્રવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ ન્યાયાધીશ કાવેરી બાજવા સમક્ષ રજૂ કર્યા હતા અને ૧૦ દિવસની કસ્ટડી માગી હતી. જોકે, ન્યાયાધીશ કાવેરી બાજવાએ કેજરીવાલને ૨૮ માર્ચ સુધી છ દિવસના ઈડી રીમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસમાં સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું હતું કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના અન્ય મંત્રીઓ અને નેતાઓ સાથે દારૂ નીતિની કૌભાંડના કેસમાં મુખ્ય કાવતરાંખોર છે. દિલ્હી દારૂ નીતિ ૨૦૨૧-૨૨ બનાવવા અને તેના અમલથી મળેલી લાંચની માહિતી મેળવવા માટે તેમની ભૂમિકા અને તેમના નિવેદનોના સંબંધમાં પૂછપરછની જરૂર છે. કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને પીએમએલએની કલમ ૫૦ હેઠળ સમનની અવગણના કરી રહ્યા હતા.
કેજરીવાલના ઘરે તપાસ દરમિયાન કેટલીક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજો જપ્ત કરાયા હતા. આ અંગે પૂછપરછ કરવી જરૂરી છે. આ કેસમાં જે પણ સામગ્રી જપ્ત કરાઈ છે તે અંગે કેજરીવાલની પૂછપરછ માત્ર જેલમાં જ શક્ય છે. કેજરીવાલ પાસેથી સાઉથ ગૂ્રપ દ્વારા આપ અને તેના નેતાઓને અપાયેલી લાંચમાં સામેલ અન્ય સહયોગીઓ-સંસ્થાઓ અંગે પૂછપરછ કરવાની છે. આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની માહિતી મેળવવા કેજરીવાલની પૂછપરછ જરૂરી છે.
કેજરીવાલે પંજાબની ચૂંટણી લડવા માટે દક્ષિણના ગૂ્રપ પાસેથી રૂ. ૧૦૦ કરોડની લાંચની માગ કરી હતી. વધુમાં મની ટ્રેલ દર્શાવે છે કે હવાલા મારફત તેમને રૂ. ૪૫ કરોડની લાંચ મળી હતી, જેનો ઉપયોગ ગોવાની ચૂંટણી માટે કરાયો હતો. કોલ ડીટેલ રેકોર્ડ્સ આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોનું સમર્થન કરે છે.
આ પહેલાં કેજરીવાલે ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં ગુરુવારે રાતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના અંગે શુક્રવારે સવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી કરી તેમને સંજીવ ખન્નાની વિશેષ બેન્ચ સમક્ષ મોકલ્યા હતા. જોકે, પાછળથી કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યાર પછી તેમને બપોરે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા.
દરમિયાન કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. દારૂ નીતિના કૌભાંડના કેસનો સામનો કરતા કેજરીવાલ સામે હવે ઈડીએ તેના બે અધિકારીઓની જાસૂસી અંગે પણ કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેમના ઘરેથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે કેજરીવાલ આ કેસની તપાસ કરી રહેલા બે અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા. ઈડીને ૧૫૦ પાનાના દસ્તાવેજ મળ્યા છે, જેમાં અધિકારીઓના કામ, પરિવાર અને તેમની સંપત્તિ વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
દરમિયાન ધરપકડ પછી અરવિંદ કેજરીવાલે પહેલી વખત પ્રતિક્રિયા આપતા રાઉઝ એવન્યુ કોર્ટમાં કહ્યું હતું કે, હું જેલમાં રહું કે બહાર રહું,મારું જીવન દેશને સમર્પિત છે. બીજીબાજુ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ શુક્રવારે દિલ્હી સહિત આખા દેશમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હી પોલીસે સૌરભ ભારદ્વાજ અને આતિશી સહિત અનેક નેતાઓની અટકાયત કરી હતી. આપ નેતાઓએ દાવો કર્યો હતો કે, કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે 'રાજકીય કાવતરાં' હેઠળ તેમની ધરપકડ કરાઈ છે. આ સિવાય ઈન્ડિયા બ્લોકે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીના સમયે કેન્દ્ર સરકારે માત્ર કેટલાક સપ્તાહના અંતરમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓની ધરપકડ કરી છે.
કથિત દારૂ કૌભાંડમાં ઈડીની કાર્યવાહી
કેજરીવાલ ધરપકડ પછી પણ સીએમપદે રહી શકશે : નિષ્ણાતો
- કાયદાકીય રીતે પ્રતિબંધ ના હોવા છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી વહીવટી રીતે અશક્ય
દિલ્હીમાં કથિત એક્સાઈઝ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે ચાલુ રહી શકશે તેમ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે. નિષ્ણાતોએ શુક્રવારે જણાવ્યું હતું કે કોઈપણ કાયદો ધરપકડ કરાયેલ વ્યક્તિને જે-તે પદ પર રહેતા અટકાવતો નથી.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી દ્વારા ધરપકડ સામે રક્ષણ આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કર્યા પછી ગુરુવારે રાતે જ ઈડીએ તેમની ધરપકડ કરી હતી.વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ધરપકડ થાય તો પણ કોઈ કાયદો તેમને પદ પર રહેતા રોકી શકે નહીં. જોકે, વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે, કાયદાકીય દૃષ્ટિએ કોઈ પ્રતિબંધ નહીં હોવા છતાં વહીવટી રીતે જેલમાં રહીને મુખ્યમંત્રીપદે રહેવું લગભગ અશક્ય છે. કેજરીવાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવા તૈયાર નથી. આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે અને જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે.
કેજરીવાલ ધરપકડ પછી પણ મુખ્યમંત્રીપદે રહી શકે કે કેમ તેવા સવાલના જવાબમાં શંકરનારાયણને જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિ કાયદા મુજબ સજા થયા પછી જ કોઈ ધારાસભ્ય અથવા મંત્રી ડિસ્ક્વોલિફાઈ થઈ શકે છે. જોકે, ટેકનિકલી રીતે તેમના માટે જેલમાંથી કામકાજ કરવું અશક્ય છે. લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૩ના સેક્સન ૮ મુજબ બે વર્ષથી વધુની સજા થઈ હોય તેવા ધારાસભ્ય અથવા સાંસદને ડિસ્ક્વોલિફાઈ કરી શકાય છે. બંધારણની કલમ ૩૬૧ હેઠળ માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડ અને કોર્ટ કાર્યવાહીથી મુક્તિ મળી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવી કોઈ મુક્તિ મળી નથી.
કેજરીવાલની ધરપકડ : પીએમએલએ કોર્ટરૂમ ડ્રામા
કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડના મુખ્ય સૂત્રધાર : ઈડીનો આરોપ
- બધા જ પુરાવા હોય તો ધરપકડ કરીને શેની પૂછપરછ કરવા માગો છો : સિંઘવીની દલીલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યા અને ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. બીજીબાજુ તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલને છોડાવવા ધારદાર દલીલો કરી હતી.
ઈડીની દલીલો
અમારી રિમાન્ડ અરજીમાં એક્સાઈઝ પોલિસી કેસનું સંપૂર્ણ બેકગ્રાઉન્ડ છે.
પોલિસી એ રીતે બનાવાઈ હતી કે લાંચ લઈ શકાય અને લાંચ આપનારા લોકોને ફાયદો પહોંચાડી શકાય.
કેજરીવાલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. કેજરીવાલે લાંચ લેવા માટે કેટલાક વિશેષ લોકોને ફાયદો પહોંચાડયો હતો.
લાંચની કમાણીનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા ચૂંટણીમાં કર્યો હતો. કેજરીવાલ પોલિસી બનાવવામાં સીધી રીતે સામેલ હતા.
સિસોદિયાના સેક્રેટરીએ કહ્યું કે સિસોદિયાએ તેમને ૨૦૨૧માં કેજરીવાલના નિવાસે બોલાવ્યા હતા. આ કેસમાં સિસોદિયાની પણ ધરપકડ કરાઈ છે અને તેમને જામીન મળ્યા નથી.
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલ અન્ય એક આરોપી વિજય નાયર કેજરીવાલ સાથે મળીને કામ કરતો હતો. તે કેજરીવાલના ઘરની પાસે રહેતો હતો. તેણે વચેટિયાની ભૂમિકા ભજવી હતી.
કેજરીવાલે દક્ષિણના જૂથો પાસેથી લાંચ માગી હતી. અમારી પાસે તેને પુરવાર કરવાના પર્યાપ્ત પુરાવા છે. કેજરીવાલે કવિતા સાથે મુલાકાત કરી હતી અને તેમને દિલ્હીની એક્સાઈઝ પોલિસી પર સાથે મળીને કામ કરવા કહ્યું હતું.
બે પ્રસંગે નાણાંની લેવડ-દેવડ થઈ હતી. વિક્રેતાઓના માધ્યમથી લાંચનારૂપમાં રોકડ રૂપિયા અપાયા હતા.
ચેટ પરથી દરેક બાબતની પુષ્ટી થાય છે. ચેટ મુજબ હવાલા મારફત ગોવામાં રૂ. ૪૫ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. અનેક લોકોને જંગી રોકડ રકમ અપાઈ હતી.
વકીલ સિંઘવીનો બચાવ
રીમાન્ડ ઓટોમેટિક નથી. તે પીએમએલએ જેવા કાયદાની જોગવાઈ પૂરા કરતા હોવા જોઈએ.
પહેલી શરત એ છે કે આરોપી પાસે કોઈ ભૌતિક સામગ્રી હોવી જોઈએ. અને તે દોષિત હોવો જોઈએ.
કોઈને દોષિત માનવાના કારણ અને ઈડી પાસે હયાત સામગ્રી વચ્ચે કારણાત્મક સંબંધ હોવો જોઈએ.
ધરપકડની જરૂરિયાત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
માત્ર ધરપકડ કરવાની શક્તિ હોય એટલે તેનો ઉપયોગ કરવો જરૂરી નથી.
રીમાન્ડ અરજી ધરપકડના ગ્રાઉન્ડ્સની કોપી પેસ્ટ છે.
તમારી પાસે બધા જ પુરાવા હોય તો તમે ધરપકડ કરીને પૂછપરછ કેમ કરવા માગો છો.
૮૦ ટકા લોકોએ કેજરીવાલનું નામ નથી લીધું. તેમણે એમ પણ નથી કહ્યું કે તેઓ તેમને ક્યારેય મળ્યા હતા.
ફરિયાદ કરનાર હેઠળ કામ કરનાર કોઈ વ્યક્તિ મારા વિરુદ્ધ નિવેદન કરે તો શું કોર્ટ તેને પુરાવો માનશે? કોઈપણ ખોટું કામ બતાવવા માટે કોઈ સામગ્રી નથી મળી.
પવન બંસલ ચૂકાદો વાંચતા કહ્યું કે ધરપકડ સમયે સેફગાર્ડ અપનાવાયા નહોતા.
સુપ્રીમ કોર્ટની વાતોને ગંભીરતાથી નથી લેવાતી તો સુપ્રીમ કોર્ટે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
Comments
Post a Comment