પોરબંદર પાસેથી 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા
- ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું ઓપરેશન
- પાકિસ્તાનના હાજી મુસ્તફાએ મોકલેલું મેથએમ્ફેટામાઈન પંજાબ કે દિલ્હી મોકલવાનું હતું: મધદરિયે ડિલીવરી પહેલાં જ સંયુક્ત કાર્યવાહી
પોરબંદર, અમદાવાદ : સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી વધુ એક વખત ડ્રગ્સનો વિશાળ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોરબંદરથી ૧૮૫ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત એ.ટી.એસ. અને એન.સી.બી.એ એક સંયુકત ઓપરેશન પાર પાડીને ૪૮૦ કરોડ રૂપિયાના ૮૦ કિલો મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે. સુરક્ષા એજન્સીઓએ પાકની નાપાક હરકતને વધુ એક વખત નિષ્ફળ બનાવી પકડાયેલા ડ્રગ પેડલરોને પોરબંદર લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા હાજી મુસ્તફાએ મોકલેલું ડ્રગ્સ પંજાબ કે દિલ્હી મોકલવાનું હતું. મળસ્કે ગુજરાતની જ કોઈ બોટને ડિલીવરી આપવામાં આવે તે પહેલાં જ સંયુક્ત કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
નાપાક હરકતો કરતાં પાકિસ્તાને ભારતમાં ૪૮૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ સમુદ્રમાર્ગે ઘુસાડવાની કોશિશ કરી હતી પરંતુ એજન્સીઓએ આ હરકતને નાકામિયાબ બનાવી છે. પોરબંદરથી ૩૫૦ કિ.મી. દૂર દરિયામાંથી પાકિસ્તાની બોટને છ ડ્રગ પેડલરો સાથે પકડી પાડવામા આવી છે અને તમામને પોરબંદર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા.૧૧-૧૨માર્ચની રાત્રે ભારતીય કોસ્ટગાર્ડ ઉપરાંત એન.સી.બી. અને ગુજરાત એ.ટી.એસ. દ્વારા સંયુકત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
કોસ્ટગાર્ડના જહાજો અને ડોનીયર એરક્રાફટ દ્વારા સંયુકત સર્ચ અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અરબી સમુદ્રમાં વ્યુહાત્મક રીતે કોસ્ટગાર્ડના જહાજો ગોઠવાઇ ગયા હતા અને તેના ડોનીયર એરક્રાફટ ગગનમાં ચારે તરફ ફરીને ડ્રગ્સ લઇને જતી બોટને સ્કેન કરવા અને શોધ કરવાની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમયે અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી અન બોટને પકડી પાડી હતી.
સુરક્ષા એજન્સીઓએ છ માછીમારો સાથે પકડેલી બોટ પાકિસ્તાનની છે. બોટમાંથી અંદાજે ૪૮૦ કરોડનું ૮૦ કિલો મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સના ૬૦ જેટલા પેકેટ્સ મળી આવ્યાં છે. ડ્રગ્સ અને તમામ ખલાસીઓેને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની અને ઇરાની હેરોઇન દાણચોરોની સૌથી સામાન્ય મોડસ ઓપરેન્ડી અનુમાનિત ઇન્ડો-પાક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (આઇ.એમ. બી.એલ.) પર હેરોઇનને ભારતીય મળતિયાઓ સુધી પહોંચાડવાની છે અને તે માટે આ મળતીયાઓ દ્વારા હેરોઇન કિનારે લાવવાનું હોય છે. આ કિસ્સામાં ગુજરાતની કોઈ બોટમાં ૪૮૦ કરોડના ડ્રગ્સના પારદર્શક પેકેટ્સ દરિયાકાંઠે રવાના કરવામાં આવે તે પહેલાં ઝડપી લેવામાં આવ્યાં છે.
ગુજરાત એ.ટી.એસ.ના દાવા મુજબ, પોલીસ ઇન્સપેકટર જે.એમ. પટેલને બાતમી મળી હતી કે, પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તફા દ્વારા ગ્વાદર બંદરેથી એક પાકિસ્તાની ફિશીંગબોટ રજીસ્ટર નંબર ૪૨૫૭ જી. ડબલ્યુ. ડી. માં કેટલોક ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન અગર તો મેથામ્ફેટામાઇનનો જથ્થો ભરી તા. ૮ થી ૧૫ના વહેલી સવારે પોરબંદરના આઇ.એમ.બી.એલ. નજીક ભારતીય જળ સીમામાં આવી તેઓની બોટના રેડીયોની ચેનલ નંબર ઉપર પોતાની કોલ સાઇન ૧૪'ગની'ના નામથી ભારતીય બોટને કોલ સાઇન 'અબ્બાસ'ના નામે બોલાવીને તેને ડીલીવરી કરનાર છે. આ ડ્રગ્સ દિલ્હી તથા પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. બાતમી અંગે એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓએ એન.સી. બી. દિલ્હીને જાણ કરી હતી. એ.ટી.એસ.ની ટીમે પોરબંદર જઇ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ તથા એન.સી. બી. દિલ્હીના અધિકારીઓ સાથે મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટોમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાની આજુબાજુમાં પેટ્રોલીંગ કર્યું હતું. તા. ૧૨ના વહેલી સવારના સમયે બાતમીવાળી જગ્યા એટલેકે પોરબંદરથી આશરે ૩૫૦ કિ.મી. દૂર ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતાં તુરજ આ બોટને આંતરી આ બોટમાં રહેલાં છ પાકિસ્તાની ઇસમો પકડી લેવાયા હતા.
પકડાયેલા છ પાકિસ્તાનીઓમાં પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારના ગ્વાદર તાલુકાના જુદા જુદા ગામોમાં રહેતાં માછીમારો બહર અલી, અંદાઝલાલા લાલાઅકબર, મુતાબીલખાન જંગી કલીશાર, ઝુબેર અહેમદ શેર મોહમદ, મોહમદ અયાઝ મોહમદહિસાર અને મોહસીન હુસૈનનો સમાવેશ થાય છે. માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી હાજી મુસ્તુફાએ મોકલેલ હતો આ માદકનો જથ્થો દિલ્હી તથા પંજાબમાં ડીલીવરી થનાર હતો. ડ્રગ્સનો વિશાળ જથ્થો પકડાયો છે તે દિલ્હી અથવા પંજાબ મોકલવાનો હોવાની પ્રાથમિક વિગતો મળતાં જ આ અંગેની તપાસ દિલ્હી એનસીબી દ્વારા કરવામાં આવશે તેમ ગુજરાત એટીએસના સુત્રો કહે છે.
કોસ્ટગાર્ડે પડકારતાં જ અંધારામાં નાસી છૂટવાના ભરપૂર પ્રયાસો નિષ્ફળ રહ્યાં
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડના અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે તેમને મળેલા ઇનપુટના આધારે પાકિસ્તાનની શંકાસ્પદ બોટને રાત્રે ડિટેકટ કર્યા બાદ કોસ્ટગાર્ડના જહાજોએ તેને પડકારી હતી. આ પાકિસ્તાની ડ્રગ પેડલરોએ અંધારામાં બોટને વધુ સ્પીડે છળકપટથી નાસવાની પેરવી કરી હતી. કોસ્ટગાર્ડના જહાજોએ ચપળતાપૂર્વક પીછો કરી બોટ ઝડપી હતી.
ડ્રગ્સ 480 કરોડનું કે 420 કરોડનું? કોસ્ટગાર્ડે અને ATSની વિગતો અલગ
પોરબંદરના સમુદ્રમાં પકડાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના કિસ્સામાં કોસ્ટગાર્ડ દ્વારા ૪૮૦ કરોડ રૂપિયાનું ૮૦ કિલો ડ્રગ્સ પકડાયાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. તો, ગુજરાત એટીએસ દ્વારા અલગ વિગતો જાહેર થઇ છે જેમાં ૪૨૦ કરોડ રૂપિયાનું ૬૦ કિલો ડ્રગ્સ પકડાયાનો દાવો કરાયો છે. આમ, બે એજન્સીઓ વચ્ચે જસ ખાટવા માટે વિગતો જાહેર કરવા માટેની ઉતાવળમાં સંકલનનો અભાવ હોવાની ચર્ચા છે. જો કે, આ કેસની તપાસ તો એનસીબી દિલ્હી દ્વારા કરવામાં આવશે તેમ ગુજરાત એટીએસના સૂત્રો કહે છે.
ત્રણ વર્ષમાં 10 સંયુક્ત ઓપરેશન કરી 3135 કરોડનું 517 કિલો ડ્રગ્સ પકડયું
નાપાક પાકિસ્તાન દ્વારા ભારતીય દરિયાઇ જળસીમામાંથી વિપુલ માત્રામાં ડ્રગ્સ ઘુસાડવાની હરકતો થઇ રહી છે અને તેને બ્રેક મારવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત એ.ટી.એસ. અને એન.સી.બી. સાથે સંયુકત રીતે ૩, ૧૩૫ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડી પાડયુ છે જેનું વજન ૫૧૭ કિલોગ્રામ થવા જાય છે. આ દશમી વખત મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
Comments
Post a Comment