અરુણાચલ સહિત પૂર્વોતરના આ રાજ્યોમાં લાગુ નહીં થાય CAA, જાણો તેની પાછળનું કારણ
CAA : આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે કેટલાક રાજ્યોને આ કાયદાના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે અને તેમને CAAમાંથી મુક્તિ મળી છે.
પૂર્વોતરના રાજ્યોમાં CAA લાગુ કરવામાં આવશે નહીં
એક એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. તેમાં બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવેલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વધુ માહિતી મુજબ, CAA કાયદો તે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે 'ઇનર લાઇન પરમિટ' (ILP)ની જરૂર હોય છે.
આ રાજ્યોમાં પણ છૂટ
ILP અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં પણ લાગુ છે. અધિકારીઓએ નિયમોને ટાંકીને કહ્યું કે આદિવાસી વિસ્તારો જ્યાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી છે તેને પણ CAAના દાયરામાં બહાર રાખવામાં આવ્યા છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત કાઉન્સિલ છે.
આ રીતે ભારતની નાગરિકતા મળશે
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા બિન-હિંદુઓએ પહેલા પોતાને આ ત્રણમાંથી કોઈપણ દેશના રહેવાસી તરીકે સાબિત કરવું પડશે. આ માટે તેણે પોતાનો પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, ત્યાંની સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર અથવા લાયસન્સ, જમીનના દસ્તાવેજો અને આવા કોઈપણ દસ્તાવેજો બતાવવાના રહેશે જેથી સાબિત કરી શકે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનમાંથી બિન-મુસ્લિમ શરણાર્થી છે.
Comments
Post a Comment