ભારતની 'સિલિકોન વેલી' બેંગ્લુરુમાં જળસંકટ, CMના ઘરે પણ અછત, બગાડ કરશો તો દંંડની જોગવાઈ


બેંગ્લુરુ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા  મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની મોસમ શરૂ નથી થઈ તે પહેલાં જ કર્ણાટકના હાઈટેક સિટી બેંગ્લુરુમા લોકો ટીપે-ટીપા પાણી માટે ટળવળી રહ્યા છે. શહેરમાં અત્યારથી જ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી બેંગ્લુરુવાસીઓ પણ ગભરાઈ ગયા છે. ઊનાળો ખરેખર શરૂ થાય અને જળસંકટ વધુ ઘેરું બને તે પહેલાં સરકાર અને રહેણાંક સોસાયટીઓએ કમર કસવાનું શરૂ કર્યું છે. પાણીનો બગાડ રોકવા માટે એક તરફ સરકારે ખાનગી બોરવેલ પર કબજો કરવા માંડયો છે તો બીજીબાજુ હાઉસિંગ સોસાયટીઓએ પાણીનો બગાડ રોકવા રહેવાસીઓને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.

ક્લાઈમેટ સમસ્યાનો સામનો કરતી પૃથ્વી પર ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે તેવું કહેવાતું હતું. હવે ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુમાં જળસંકટની આ સમસ્યા જોવા મળી રહી છે. પાણીની અછત પૂરી કરવા માટે મોટી-મોટી સોસાયટીઓ અને કોલોનીઓ ટેન્કરોથી પાણી મંગાવી રહી છે અને તેના માટે મોં માંગ્યા ભાવ ચૂકવી રહી છે. આમ છતાં પાણીની અછત દૂર નથી થઈ રહી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે મુખ્યમંત્રી નિવાસમાં પણ પાણીની અછત ઊભી થઈ છે.

ગંભીર જળસંકટની આ પરિસ્થિતિમાં બેંગ્લુરુની રહેણાક સોસાયટીઓએ પાણીનો દુરુપયોગ રોકવા માટે સ્થાનિક રહેવાસીઓ પર પાણીના બગાડ બદલ રૂ. ૫,૦૦૦નો દંડ કરવાની નોટિસ જાહેર કરી છે. સાથે જ પરિસ્થિતિ પર નજર રાખવા માટે વિશેષ સુરક્ષા કર્મચારી તૈનાત કરવામાં આવ્યો છે. અનેક હાઉસિંગ સોસાયટીઓએ રહેવાસીઓ માટે વર્તમાન જળસંકટ વચ્ચે તેમનો દૈનિક પાણી વપરાશ સાવચેતીપૂર્વક કરવાની સલાહ આપી છે. પાણીની ગંભીર કટોકટીનો સામનો કરનારા બેંગ્લુરુના વિસ્તારોમાં વ્હાઈટ ફિલ્ડ, યેલહંકા અને કનકપુરાનો સમાવેશ થાય છે.

વ્હાઈટફિલ્ડ સ્થિત પામ મીડોઝ હાઉસિંગ સોસાયટીએ તેના રહેવાસીઓને એક નોટિસ પાઠવી કહ્યું છે કે તેમને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરુ જળ પુરવઠા અને સીવરેજ બોર્ડ તરફથી પાણી નથી મળી રહ્યું. તેમાં કહેવાયું છે કે આપણે આપણા બોરવેલમાંથી પાણીનું સંચાલન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ભૂગર્ભ જળ પણ ખતમ થવાનું જોખમ છે. તેથી પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય લેવાયો છે.

નોટિસમાં કહેવાયું છે કે રહેવાસીઓ પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ નહીં કરે તો તેમને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારાશે. પૂરવઠાના આધારે પાણીનો કાપ વધી શકે છે અને આશા છે કે ઊનાળાના મહિનાઓમાં કાપ ૪૦ ટકા સુધી વધવાની આશંકા છે. નોટિસમાં વારંવાર ભંગ કરવા બદલ વધુ દંડની પણ ચેતવણી અપાઈ છે. સાથે જ કહેવાયું છે કે લોકોના પાણીના વપરાશ પર નજર રાખવા અને પેટ્રોલિંગ માટે સિક્યોરિટી ગાર્ડ તેનાત કર્યા છે.

બેંગ્લુરુના કનકપુરામાં પ્રેસ્ટીજ ફાલ્કન સિટી એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનને જણાવ્યું કે, તેમને માહિતી મળી છે કે આરટીઓ અને બીડબલ્યુએસએસબી અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં પાણીની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે પાણીની બધી જ ટેન્કરો જપ્ત કરી રહ્યા છે. જ્યાં પાણી ઉપલબ્ધ નથી ત્યાં લોકોએ પાણીની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. 

- દુષ્કાળ અને શહેરમાં ઓછા વૃક્ષ જળસંકટનું કારણ

બેંગ્લુરુ: બેંગ્લુરુમાં દુષ્કાળ પડવાના કારણે જળસંકટ ઘેરું બન્યું છે. કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો નોંધાયો છે. એવામાં અનેક બોરવેલ સુકાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂગર્ભ જળનું સ્તર નીચું ગયું છે. આ સિવાય માફિયાને પણ જળસંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જળ માફિયા હંમેશા પાણી પંપ કરે છે. તેનાથી મોટી સમસ્યા ઊભી થઈ છે. તેથી સરકારે ખાનગી બોરવેલ તેના કબજામાં લેવાનું શરૂ કર્યું છે. શહેરની વસ્તી હાલ ૧ કરોડ જેટલી થઈ ગઈ છે. વસતી ઝડપથી વધી રહી છે તેથી પાણીની જરૂરિયાત પણ વધી છે. બીજીબાજુ શહેરોમાં વૃક્ષો ઓછા હોવાના કારણે ભૂગર્ભજળ બચાવી શકાયું નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો