'3 વખત ચાર્જશીટ, છતાં તપાસ ચાલે છે..' ટ્રાયલ વિના 18 મહિના કસ્ટડીમાં રાખતાં ઈડીને સુપ્રીમની ફટકાર
નવી દિલ્હી : ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કસ્ટડીમાં રાખવા બદલ કેન્દ્રીય એજન્સી ઇડીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. ઝારખંડના પ્રેમ પ્રકાશની જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇડીએ આ મામલામાં ત્રણ વખત ચાર્જશીટ દાખલ કરી છતા તપાસ કરી રહી છે. કોઇ પણ આરોપીને ટ્રાયલ વગર લાંબા સમય સુધી ટ્રાયલમાં કેવી રીતે રાખી શકાય?
કોર્ટે ઇડીને કહ્યું કે આ પ્રકારની પ્રેક્ટિસ ઠીક નથી, વારંવાર ચાર્જશીટ દાખલ કરીને કોઇ આરોપીને આ રીતે કસ્ટડીમાં ના રાખી શકાય. આ કેસમાં આરોપી પ્રેમ પ્રકાશ ૧૮ મહિનાથી જેલમાં છે. જ્યારે તમે કોઇની ધરપકડ કરો છો ત્યારે તેની સામેની કાર્યવાહી શરૂ કરવી જરૂરી છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના કથિત સાથી ગણાતા પ્રેમ પ્રકાશની ઇડીએ ઓગસ્ટ ૨૦૨૨માં રાંચીથી ધરપકડ કરી હતી. પ્રેમ પ્રકાશના ઘરેથી કેટલાક હથિયારો પકડાયા હતા, જેમાં એકે -૪૭ રાઇફલનો પણ સમાવેશ થાય છે. ઇડી પ્રેમ પ્રકાશની સામે મની લોન્ડરિંગની કાર્યવાહી કરી રહી છે.
ઇડીએ ચાર વધારાની ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, જોકે તેમ છતા વધુ તપાસ માટે સમય માગ્યો હતો. પ્રેમ પ્રકાશ ૧૮ મહિનાથી કેદમાં છે. તેણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઇડીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. ઇડી વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ દિપાંકર દત્તાની બેંચે કહ્યું હતું કે કાયદા મુજબ કોઇ પણ વ્યક્તિને લાંબા સમય સુધી કસ્ટડીમાં ના રાખી શકાય. આ કેસમાં ટ્રાયલની પણ શરૂઆત નથી થઇ ને તમે આરોપીને આટલા સમય સુધી કેદ રાખ્યો. વારંવાર ચાર્જશીટ ટ્રાયલમાં મોડુ કરી રહી છે. ડોફિલ્ટ બેઇલ વ્યક્તિનો અધિકાર છે, જેને તમે ચાર્જશીટના આધારે નકારી ના શકો. અમે આ દિલ્હીના મનીષ સિસોદિયા કેસમાં પણ કહ્યું છે. બાદમાં ઇડીએ આ મામલે જવાબ આપવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. આ મામલે હવે ૨૯મી એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે.
Comments
Post a Comment