‘તું અત્યારે જ ઘરમાંથી નીકળી જા’ ઈન્દિરા ગાંધીના શબ્દો સાંભળી મેનકા ગાંધીએ ભર્યું હતું આ પગલું
Gandhi Family Controversy : 19 જુન દેશની ચૂંટણીની મૌસમ આવી છે ત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ચાલીસ વર્ષ બાદ ફરી ગાંધી પરિવાર એક થશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરનારા વરુણ ગાંધીની ભાજપે પીલીભીતથી ટીકીટ કાપી દીધી છે. જોકે તેમના માતા મેનકા ગાંધીને સુલતાનપુરથી ટીકીટ આપવામાં આવી છે. વરુણ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે.
ભાજપ-કોંગ્રેસ બંનેમાં ગાંધી પરિવારના સભ્યો
ગાંધી પરિવાર ભાજપ અને કોંગ્રેસમાં વહેચાયેલ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસમાં મજબુત પકડ ધરાવે છે તો ભાજપમાં મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. મેનકા ગાંધી કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. પીલીભીતથી ટીકીટ કપાતા વરુણને કોંગ્રેસે ઓફર પણ આપી હતી.
ઈન્દિરા ગાંધી PM બન્યા બાદ ગાંધી પરિવારમાં વિખવાદ
એક સમય એવો હતો કે રાહુલ ગાંધી અને વરુણ ગાંધી એક જ ઘરમાં રમ્યા હતા. બંને પરિવારો એક જ ઘરમાં રહેતા હતા. રાહુલ ગાંધીનો જન્મ 19 જુન,1970 અને વરુણ ગાંધીનો જન્મ 13 માર્ચ,1980માં થયો હતો. 1980માં ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા ત્યારબાદ તણાવ વધ્યો હતો. સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ હતી. સંજય ગાંધીની વિરાસત રાજીવ ગાંધીના હાથમાં જઈ રહી હતી. ઇન્દિરા ગાંધી અને મેનકા (Indira Gandhi vs Maneka Gandhi) વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થઇ રહ્યા હતા. ખુશવંતસિંહે પોતાની આત્મકથામાં લખ્યું છે કે 'અણબનાવ એટલો વધી ગયો હતો કે બંને માટે એક છત નીચે રહેવું મુશ્કેલ થઇ પડ્યું હતું. 1982માં મેનકા ગાંધીએ પ્રધાનમંત્રી આવાસ છોડી દીધું હતું. તો આજે જાણીશું કે 28 માર્ચ-1982ના રોજ એવું તો શું થયું હતું, જેના કારણે વરુણને લઈને મેનકા ગાંધીએ રાત્રીએ ઘર છોડીને જતું રહેવું પડ્યું હતું.
મેનકા ગાંધી અને ઈન્દિરાય ગાંધી વચ્ચે મતભેદ
સ્પેનીશ લેખક જેવિયર મોરોએ પોતાની બુક The Red Sariમાં લખ્યું છે કે સંજય ગાંધીના મોત બાદ રાજીવ ગાંધીને રાજકારણમાં સક્રિય કરવાની વાત મેનકા ગાંધીને સહન થઇ નહોતી. તેમણે આ મુદ્દે ઇન્દિરા ગાંધી સમક્ષ ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઇન્દિરા ગાંધી વિદેશ પ્રવાસ પર હતા ત્યારે મેનકાએ લખનૌ ખાતે પોતાના સમર્થકો સાથે સભા કરી હતી જેને લઈને ઇન્દિરાએ અગાઉથી જ મેનકાને ચેતવ્યા હતા. મેનકાના પગલાને ગાંધી પરિવારની રેડ લાઈન ક્રોસ તરીકે જોવામાં આવ્યું.
મેનકાની પરિવાર સાથે લંચ કરવાની બાબત પણ ઈન્દિરા ગાંધીને ખૂંચી
જેવિયર મોરો આગળ લખે છે કે ઇન્દિરા ગાંધી 28 માર્ચ,1982ના રોજ લંડનથી પરત આવ્યા હતા. ત્યારે મેનકા ગાંધી તેમનું સ્વાગત કરવા ગયા તો ઇન્દિરાએ તેની વાત કાપીને કહ્યું કે આ બાબતે પાછળથી વાત કરીશું. મેનકા ગાંધી પોતાના રૂમમાં બેસી રહ્યા હતા. થોડા સમય બાદ નોકર ભોજન લઈને અંદર આવ્યો હતો અને જણાવ્યું કે શ્રીમતી ગાંધી નથી ઇચ્છતા કે પરિવારના અન્ય સભ્યો સાથે તમે લંચ કરો. એક કલાક બાદ તે ફરી આવ્યો અને કહ્યું કે પ્રધાનમંત્રી તમને મળવા માંગે છે.
ઈન્દિરાએ મેનકાને કહ્યું, આ ઘરમાંથી નીકળી જા
'ઇન્દિરા ગાંધી ને મળવા જતા સમયે મેનકા ગાંધીના પગ કાંપી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો હતો. સત્યનો સામનો કરવાનો સમય આવી ગયો હતો. તે રૂમમાં ગયા તો કોઈ નહોતું. થોડા સમય બાદ ઇન્દિરા ગાંધી આવ્યા અને ગુસ્સામાં કહ્યું કે આ ઘરમાંથી નીકળી જા. આ દરમિયાન તેમની સાથે સાક્ષી તરીકે ધીરેન્દ્ર બ્રહ્મચારી અને આર.કે.ધવન હતા. મેનકાએ પૂછ્યું કે " મેં શું કર્યું છે, તમે જ ઓકે કર્યું હતું'.
‘તું નીકળી જા, તારો સામાન મોકલાવી દઈશ’
આ વાતચીત તે પુસ્તકને લઈને હતી જે સંજય ગાંધી પર મેનકા લખી રહ્યા હતા. ઇન્દિરાએ જે હેડીંગ,કન્ટેન્ટ અને ફોટો બદલવાનો કહ્યો હતો તે મેનકાએ પોતાની રીતે યથાવત રાખ્યો હતો. જેવિયર મોરોએ તે દિવસના ઘટનાક્રમ પર આગળ લખ્યું છે કે તમને જણાવવામાં આવ્યું હતું કે લખનૌમાં બોલવું નહી તેમ છતાં મનમરજી ચલાવી. અહીંથી નીકળી જા. આ ક્ષણે જ ઘર છોડી દે. પોતાની માતાના ઘરે જતી રહે. મેનકાએ પહેલા કહ્યું કે હું આ ઘર છોડવા માંગતી નથી. પછી ઇન્દિરાનું કડક વલણ જોઇને કહ્યું કે સામાન સેટ કરવા માટે થોડો સમય જોઈએ. જોકે ઇન્દિરા ગાંધી ગુસ્સામાં હતા. તેમણે કહ્યું કે તારી પાસે ઘણો સમય હતો. તું અહીથી જા. તારો સામાન મોકલી દેવામાં આવશે. અહીંથી તું કોઇપણ સામાન બહાર નહી લઇ જઈ શકે. મેનકાએ રૂમમાં જઈને પોતાની બહેનને ફોન કર્યો અને સમગ્ર ઘટના જણાવી દીધી અને કહ્યું કે જલ્દીથી અહી આવી જાવ. અંબિકાએ આ વાત પારિવારિક મિત્ર અને પત્રકાર ખુશવંત સિંહને કરી અને વિનંતી સાથે જણાવ્યું કે પત્રકારોને તાત્કાલિક વડા પ્રધાનના નિવાસસ્થાને મોકલવામાં આવે. રાત્રે 9 વાગ્યે, ફોટોગ્રાફરો, પત્રકારો અને વિદેશી પત્રકારોનું એક મોટું જૂથ વડા પ્રધાનના નિવાસ 1, સફદરજંગ રોડની બહાર એકત્ર થયું હતું. બહાર પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી.
‘આ ઘર પણ સંજયની પત્ની મેનકાનું છે’
'અંબિકા મેનકાના રૂમમાં પહોંચ્યા હતા. તે પોતાનો સામાન સૂટકેસમાં પેક કરી રહી હતી. એટલામાં જ ઈન્દિરા રૂમમાં આવ્યા અને કહ્યું - તરત જ બહાર નીકળો, મેં તમને કહ્યું હતું કે સાથે કંઈ લઇ જવાનું નથી. મેનકાની બહેન અંબિકાએ વિરોધ કર્યો અને કહ્યું કે આ ઘર પણ સંજયની પત્ની મેનકાનું છે. ઈન્દિરાએ કહ્યું કે આ ભારતના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે અને બહાર જવાનું કહીને તરત જ તેમના રૂમમાં ગયા. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને આર. કે. ધવન એક રૂમમાંથી બીજા રૂમમાં સંદેશાવાહક તરીકે કામ કરી રહ્યા હતા. આ ઘટનાક્રમ આશરે બે કલાક સુધી ચાલ્યો હતો. પ્રેસની નજર પણ વડાપ્રધાન નિવાસ પર હતી.
આ બાદ ગાડીમાં સામાન મુકાવા લાગ્યો હતો. છેલ્લે વાત વરુણ પર અટકી. ઇન્દિરા ગાંધી કોઇપણ સંજોગોમાં વરુણને જવા દેવા માટે તૈયાર નહોતા અને મેનકા વરુણને લીધા વગર જવા દેવા તૈયાર નહોતા. જેને લઈને ઇન્દિરા ગાંધીના પ્રિન્સિપલ સેક્રેટરી પી.સી. એલેક્ઝન્ડરને બોલાવવામાં આવ્યા. તેમણે ઇન્દિરા ગાંધીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પુત્ર પર માતાનો કાયદાકીય હક સાબિત થશે. અડધી રાત્રે કાયદાના નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા. તેમણે સમજાવ્યું કે કોર્ટમાં મેનકાના પક્ષમાં વરુણની કસ્ટડી જતી રહેશે. જેથી ઇન્દિરા ગાંધી તૈયાર થયા. મેનકા ગાંધી નીકળ્યા ત્યારે રાત્રીના 11 વાગ્યા હતા. બહાર પ્રેસ ફોટોગ્રાફ લઇ રહ્યું હતું. આગલા દિવસે સવારે આ રાત્રીનો ઘટનાક્રમ દેશભરના અખબારોમાં હેડલાઈન બન્યો હતો.
મેનકા ગાંધીની રાજકીય સફર
મેનકા ગાંધીએ અકબર અહેમદ ડમ્પી અને સંજય ગાંધીના અન્ય જૂના સહયોગીઓ સાથે મળીને રાષ્ટ્રીય સંજય મંચ નામની પાર્ટીની રચના કરી. ત્યારબાદ મેનકા ગાંધીએ 1984ની લોકસભા ચૂંટણી અમેઠીથી રાજીવ ગાંધી સામે અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.મેનકા ગાંધી 1988માં જનતા દળમાં જોડાયા. 1989માં તેણી પીલીભીતથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. મેનકા જનતા દળની ટિકિટ પર પીલીભીતથી 1991ની ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ 1996માં બીજી વખત પીલીભીતથી ચૂંટણી લડી અને જીતી. 1998માં મેનકાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને ફરીથી જીત મેળવી.
મેનકા ગાંધીએ ભાજપ સાથે 2004માં સફર શરૂ કરી
મેનકા ગાંધીની ભાજપ સાથેની સફર 2004માં શરૂ થઈ હતી. મેનકા ભાજપની ટિકિટ પર પીલીભીતથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 2009માં તે ભાજપની ટિકિટ પર અમલા સીટથી સાંસદ બન્યા હતા. વરુણ ગાંધી ભાજપની ટિકિટ પર પીલીભીતથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. 2013માં વરુણ ગાંધી ભાજપના સૌથી યુવા મહાસચિવ બન્યા હતા. 2014માં મેનકા ફરી પીલીભીતથી બીજેપીની ટિકિટ પર જીત્યા અને વરુણ સુલ્તાનપુરથી જીતીને સંસદ પહોંચ્યા હતા.
વરુણ ગાંધીની રાજકીય કારકિર્દી
વરુણ ગાંધી ટૂંકસમયમાં જ ભાજપમાં ફાયર બ્રાન્ડ લીડર તરીકે ઝડપથી ઉભરી આવ્યા હતા. વરુણ ગાંધીએ પણ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ પદ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધીને પીલીભીતથી મેનકાની જગ્યાએ ટિકિટ મળી અને વરુણ ફરી સાંસદ બન્યા હતા. મેનકા ગાંધી સુલતાનપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ વરુણ ગાંધીની ભાજપ પ્રત્યેની નારાજગી છેલ્લા કેટલાક સમયથી જાણીતી છે. આવી સ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવી અટકળો ચાલી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે , 'વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો અમને આનંદ થશે. વરુણ ગાંધી એક મજબૂત અને ખૂબ જ સક્ષમ નેતા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમનો ગાંધી પરિવાર સાથે સંબધ છે, તેથી જ ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઇચ્છીએ છીએ કે વરુણ ગાંધી હવે કોંગ્રેસમાં જોડાય. ભાજપે જિતિન પ્રસાદને પીલીભીતથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
Comments
Post a Comment