જેલમાંથી સરકાર ચલાવવાની છૂટ : સામે રિમાન્ડ પણ લંબાવાયા


- મુખ્યમંત્રી કેજરીવાલે એક જ દિવસમાં કોર્ટમાં છાંયડો-તડકો બંને જોયા

- બંધારણમાં ક્યાં લખ્યું છે કે ધરપકડ થાય એટલે પદ છોડવું પડે : દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીએમપદેથી હટાવવાની અરજી ફગાવી

- કેજરીવાલનાં પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત કરાયો, મુખ્યમંત્રી તપાસમાં સહયોગ નહીં કરતા હોવાનો ઈડીનો દાવો

નવી દિલ્હી : દિલ્હીમાં નવી દારૂ નીતિના કથિત કૌભાંડ મુદ્દે ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાં એક જ દિવસમાં બે વિરોધાભાસી સ્થિતિનો સામનો કર્યો. એકબાજુ હાઈકોર્ટે મુખ્યમંત્રીપદેથી તેમને હટાવવાની અરજી ફગાવીને તેમને રાહત આપી છે તો બીજીબાજુ રાઉઝ એવન્યુ કોર્ટે તેમને વધુ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલીને ફટકો પહોંચાડયો છે. આજના દિવસે હાલના તબક્કે સ્પષ્ટ થઈ ગયું છે કે આપને દિલ્હીની સરકાર જેલમાંથી ચલાવવાની છૂટ મળી છે, પરંતુ તેમને ધરપકડથી મુક્તિ નહીં મળતા તેમનો જેલપ્રવાસ લંબાશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ રાજકીય કેસ છે અને તેમાં ન્યાયતંત્રે દખલ કરવાની જરૂર નથી. જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. જરૂર પડશે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દઈશ તેવા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના દાવાના બીજા જ દિવસે હાઈકોર્ટના નિર્ણયથી આપને રાહત મળી છે.

દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે થયેલી અરજીની સુનાવણી કરી હતી. ત્યાર પછી તેમણે આ અરજી ફગાવી દીધી હતી. સામાજિક કાર્યકર સુરજીત સિંહ યાદવ તરફથી દાખલ અરજી અંગે હાઈકોર્ટે કહ્યું કે, શું ન્યાય તંત્રને દખલ આપવાની કોઈ શક્યતા છે? અમે આજે અખબારમાં વાંચ્યું કે એલજી વર્તમાન સ્થિતિનું પરિક્ષણ કરી રહ્યા છે. પછી તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ જશે. અમારું માનવું છે કે કેટલીક રાજકીય મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અમને એલજી અથવા રાષ્ટ્રપતિને શીખવાડવાની જરૂર નથી. અમે કેવી રીતે દખલ કરી શકીએ? મને વિશ્વાસ છે કે વહીવટીતંત્ર તેને સંભાળી લેશે.

બેન્ચે ઉમેર્યું કે, જેલમાંથી સરકાર ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે. વ્યવહારુ રીતે તે ઘણું જ મુશ્કેલ છે. અમે તે બધું સ્વીકારીએ છીએ, પરંતુ હાલના તબક્કે આ કેસમાં ન્યાયતંત્રની દખલીગીરી માટે કોઈ અવકાશ છે? બંધારણીય સંકટ હશે તો રાષ્ટ્રપતિ અથવા એલજી તેના પર કામ કરશે. તેમાં સમય લાગી શકે છે, પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ આ અંગે નિર્ણય કરશે. આજે જે પરિસ્થિતિ છે તેની કલ્પના કરાઈ નહોતી. આજે કોઈ કાયદાકીય અવરોધ નથી. તેઓ રાજકારણમાં નહીં પડે. રાજકીય પક્ષો તેમાં પડશે. તેઓ જનતા સામે જશે. અમારે નથી જવાનું. આ કેસમાં દખલગીરીની કોઈ જરૂર નથી. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે આ મુદ્દાના ગુણ-દોષો અંગે ટીપ્પણી કરવા માગતી નથી.

દરમિયાન દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ૭ દિવસના રિમાન્ડ ગુરુવારે પૂરા થતા હોવાથી તેમને બપોરે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરાયા હતા. ઈડીએ કેજરીવાલના વધુ ૭ દિવસના રિમાન્ડ માગ્યા હતા. ઈડી તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું કે, કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેઓ સવાલોના સીધા જવાબો આપતા નથી. જે પણ ડિજિટલ ડેટા મળ્યો છે, તેની તપાસ કરાઈ રહી છે. કેટલાક લોકોને ગોવાથી બોલાવવામાં આવ્યા છે. તેમની સામે બેસાડીને નિવેદન નોંધાશે. 

ઈડીની દલીલોમાં એ પણ સામે આવ્યું કે તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો ફોન પણ જપ્ત કરી લીધો છે. ઈડીએ દાવો કર્યો કે કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. તેઓ તેમના ફોનનો પાસવર્ડ નથી જણાવતા. ઈડીએ ઉમેર્યું કે, એક મોબાઈલ ફોનનો ડેટા કાઢી લેવાયો છે અને તેનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે. જોકે, અન્ય ૪ ડિજિટલ ડિવાઈસમાંથી ડેટા કાઢવાનો બાકી છે. આ લોકો તેમના પાસવર્ડ અને લોગઈનની વિગતો આપવા માટે તેમના વકીલ સાથે વાત કરવા માગે છે.

હવે ગોવામાં 'આપ'ના પ્રમુખ ઈડીના રડાર પર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પછી હવે આમ આદમી પાર્ટીના ગોવા પ્રમુખ અમિત પાલેકર પર સકંજો કસવાની ઈડી તૈયારી કરી રહી છે. 

પાલેકરની ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરાઈ છે. ઈડીએ ગુરુવારે અમિત પાલેકર, રામારાવ વાઘ, દત્તા પ્રસાદ નાીક અને ભંડારી સમાજના પ્રમુખ અશોક નાઈકને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપક કરી હતી. કેજરીવાલની ધરપકડ સમયે રિમાન્ડ અરજીમાં આપે આરોપ મૂક્યો હતો કે દિલ્હીના દારૂ કૌભાંડમાંથી થયેલી આવકના મુખ્ય લાભાર્થી 'આપ' પક્ષ છે. એજન્સીએ દાવો ક્રયો કે કૌભાંડનો સૌથી મોટો હિસ્સો રોકડમાં લેવાયો હતો અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં ૨૦૨૨માં આપના ચૂંટણી પ્રચાર પાછળ રૂ. ૪૫ કરોડનો ખર્ચ કરાયો હતો.

રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલની દલીલો

ઈડીએ 25,000 પાનાની તપાસ કરી, પરંતુ ક્યાંય પણ મારું નામ નથી

- ઈડી 'આપ'ને ભ્રષ્ટ પાર્ટી ઠેરવી ખતમ કરવા માગે છે, મારી ધરપકડ રાજકીય કાવતરું, જનતા જવાબ આપશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી નિરાશા સાંપડી હતી. ટ્રાયલ કોર્ટે તેમને વધુ પાંચ દિવસના ઈડી રિમાન્ડ પર મોકલ્યા હતા. જોકે, આ પહેલાં કેજરીવાલે પોતે પણ આ કેસમાં દલીલો કરી હતી. તેમણે ભાજપ પર આપને કથિત દારૂ કૌભાંડના બહાને 'આપ'ને ખતમ કરી દેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, માત્ર નિવેદનોના આધારે મારી ધરપકડ કરાઈ છે. 

ગુરુવારે સુનાવણી સમયે કેજરીવાલ પોતે પણ દલીલો કરવા લાગ્યા હતા. તેમણે આજ કેસના અન્ય એક આરોપી શરત રેડ્ડીની કંપની ઓરોબિંદો ફાર્મા દ્વારા ચૂંટણી બોન્ડ મારફત ભાજપને અપાયેલા બાવન કરોડ રૂપિયાના દાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. શરત રેડ્ડીએ ભાજપને ચૂંટણી બોન્ડ મારફત દાન આપ્યા પછી આ કેસમાં મારું નામ લીધું ત્યાર પછી તેમને જેલમાંથી છૂટવા મળ્યું. વધુમાં કેજરીવાલે કહ્યું કે, આ કેસ બે વર્ષ પહેલાથી ચાલી રહ્યો છે. ઑગસ્ટ ૨૦૨૨ના રોજ સીબીઆઈનો કેસ ફાઈલ થયો હતો. મારી ધરપકડ કરાઈ જ્યારે કોઈપણ કોર્ટે મને દોષિત ઠેરવ્યો નથી. ઈડીએ માત્ર ચાર લોકોના નિવેદનના આધારે મારી ધરપકડ કરી છે. મારા વિરોધમાં નિવેદન આપવા માટે તેમના પર બળજબરી કરવામાં આવી હતી. હું એમ કહું કે મેં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રૂ. ૧૦૦ કરોડની લાંચ આપી છે તો શું માત્ર મારા નિવેદનના આધારે તેમની સામે કેસ ચાલશે? મંગુટા શ્રઘીનિવાસુલુ રેડ્ડીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમના પુત્રની ધરપકડ થઈ તે પહેલાં સુધી તેમના નિવેદનો એક સમાન રહ્યા હતા. પુત્રની ધરપકડ થતાં જ તેમણે નિવેદનો બદલ્યા અને આગામી કેટલાક દિવસોમાં પુત્રને છોડી દેવામાં આવ્યો. 

કેજરીવાલે દલીલ કરી કે ઈડીએ ૨૫,૦૦૦ પાનાની તપાસ કરી છે. તેમાંથી એક પણ નિવેદન વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પર્યાપ્ત નથી. દારૂ કૌભાંડના સરકારી સાક્ષી મગુંટા રેડ્ડીએ કુલ સાત નિવેદનો આપ્યા પરંતુ ઈડીએ માત્ર ૭મા નિવેદનનો ઉપયોગ કર્યો. અગાઉના નિવેદનો છોડી દીધા. શરથ રેડ્ડીએ નવ નિવેદનો આપ્યા, પરંતુ એકમાં પણ મારું નામ નથી. સાચું કૌભાંડ તો ઈડીની તપાસ પછી શરૂ થયું. ઈડીનો આશય આપને ખતમ કરવાનો અને વસૂલીનું કૌભાંડ ચલાવવાનો છે.ઈડી આ કેસમાં કોર્ટ અને દેશને ગેરમાર્ગે દોરી રહી છે અને એવું દર્શાવવા માગે છે કે 'આપ' ભ્રષ્ટ પાર્ટી છે.તેઓ આપને તોડવા માગે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે