...અંતે કેજરીવાલની ધરપકડ .


- દિલ્હી હાઈકોર્ટે વચગાળાની સુરક્ષા નકારતા ઈડીના કેજરીવાલના ઘરે દરોડા

- દિલ્હી એક્સાઈઝ કેસમાં ઈડીએ કેજરીવાલને 10મું સમન્સ પાઠવી બે કલાક સુધી પૂછપરછ કરી, આજે કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માગશે

- આપ કાર્યકરોના હોબાળાની આશંકાએ સીએમ આવાસ બહાર સીઆરપીએફ-આરએએફના જવાનો તૈનાત

- કેજરીવાલે ધરપકડ સામે અડધી રાતે સુપ્રીમમાં અરજી કરી, પરંતુ રાહત ના મળી

નવી દિલ્હી : દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વિનર અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ધરપકડથી બચવા માટે વચગાળાની સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા પછી ઈડીની ટીમ રાત્રે જ ૧૦મુ સમન લઈને દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને લગભગ બે કલાકની પૂછપરછ પછી કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપે રાત્રે જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી.

આ પહેલાં દિલ્હીની એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી તરફથી મળતા વારંવારના સમન સામે અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં વચગાળાની સુરક્ષા માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને ઝટકો આપતા તેમની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટનો આદેશ આવતા જ સાંજના સમયે ઈડીની ૮થી ૯ સભ્યોની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી અને લગભગ બે કલાક સુધી તપાસ તેમજ પૂછપરછ કર્યા પછી તેમની ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓ હવે શુક્રવારે કેજરીવાલને કોર્ટ સમક્ષ રજૂ કરશે અને પૂછપરછ માટે કસ્ટડીની માગ કરશે.

અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીના દરોડાના સમાચાર ફેલાતા જ સીએમ નિવાસ બહાર આપના કાર્યકરોના ટોળા જમા થઈ ગયા હતા. જોકે, આ બાબતની આશંકાના પગલે ઈડીના અધિકારીઓએ દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) અને સીઆરપીએફની ટીમોને સીએમ આવાસની બહાર તૈનાત કરી દેવાઈ હતી.

બીજીબાજુ વચગાળાની સુરક્ષા આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટના આદેશને કેજરીવાલે ગુરુવારે સાંજે જ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તેમની અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. આ પહેલાં એક્સાઈઝ કેસમાં ઈડીના નવ સમનનો સામનો કરનારા આપ કન્વિનર અરવિંદ કેજરીવાલે ધરપકડથી બચવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વચગાળાની સુરક્ષા માગી હતી. તેમની અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કહ્યું કે, અમે અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે કોઈ વચગાળાની સુરક્ષા આપી શકીએ નહીં. 

અરવિંદ કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી માટે દંડાત્મક કાર્યવાહી સામે રક્ષણ માગવામાં આવે છે. ઈડી તરફથી અધિક સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે, કેજરીવાલની આ અરજીને મુખ્ય કેસ સાથે જ સાંભળવી જોઈએ. હાઈકોર્ટે સિંઘવીને સવાલ કર્યો કે કેજરીવાલ ઈડી સમક્ષ કેમ હાજર થવા માગતા નથી. સિંઘવીએ કહ્યું કે ઈડીએ આટલો સમય રાહ જોઈ છે તો ચૂંટણી સુધી થોડી વધુ રાહ જોઈ લે. અમારા અસીલ સરકારના ટીકાકાર હોવાથી તેમની સામે બદલાપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મનીષ સિસોદિયા, સંજયસિંહ પછી હવે કેજરીવાલ પણ જેલમાં

કેજરીવાલ સીએમપદેથી રાજીનામું નહીં આપે, જેલમાંથી જ સરકાર ચલાવશે

- કાયદા મુજબ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવામાં કોઈ મુશ્કેલી નહીં નડે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી છે. દિલ્હીમાં મુખ્યમંત્રીપદે પહેલી વખત કોઈની ધરપકડ થઈ છે. એવામાં હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનું શું થશે ? કોણ સરકાર ચલાવશે તે સવાલો થવા લાગ્યા છે. આ અંગે આપે સ્પષ્ટ જણાવી દીધું છે કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. તેઓ મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપે.

આપ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ અંગે પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા નિર્ણય લેવાશે, પરંતુ આખો પક્ષ જેલમાં હોય તો સરકાર અને પાર્ટી જેલમાંથી જ ચાલશે. અને ભાજપ પણ એ જ ઈચ્છે છે કે આપના દરેક નેતા-કાર્યકરને જેલમાં નાંખે. તેઓ ઈચ્છે છે કે મફત શિક્ષણ, મફત વીજળી, મફત પાણી, મફત તીર્થયાત્રા, હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક બંધ થઈ જાય, પરંતુ અરવિંદ કેજરીવાલ એવું નહીં થવા દે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના બંધારણમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. કાયદા મુજબ દોષિત સાબિત થયા પહેલા કોઈપણ નેતા જેલમાં રહેતા મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ અને ધારાસભ્યપદે રહી શકે છે અને જેલમાંથી જ સરકાર પણ ચલાવી શકે છે. આ દ્રષ્ટિએ અરવિંદ કેજરીવાલને જેલમાંથી જ દિલ્હીની સરકાર ચલાવવામાં કાયદાકીય રીતે કોઈ મુશ્કેલી નહીં નડે.

દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલે પણ કહ્યું હતું કે, પક્ષના ધારાસભ્યોની સલાહ હતી કે કેજરીવાલની ધરપકડ થાય તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. સામાન્ય લોકોથી લઈને ધારાસભ્યો, કોર્પોરેટર અને રાજ્યસભાના સાંસદો બધાએ આ જ નિર્ણય કર્યો હતો. કેજરીવાલ અને આપને લાંબા સમયથી એ બાબતની આશંકા હતી કે મનીષ સિસોદિયા, સંજય સિંહ પછી હવે ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. તેથી તેમણે ગયા વર્ષના અંતમાં પણ એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું, જેનું નામ હતું  'હું પણ કેજરીવાલ' અને આ અભિયાનમાં દિલ્હીના લોકોને સવાલ કરાયો હતો કે કેજરીવાલની ધરપકડ પછી તેમણે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ કે રાજીનામું આપવું જોઈએ?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે