ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવ, બંગાળના ડીજીપી હટાવાયા
- લોકસભા ચૂંટણીની જાહેરાત પછી ચૂંટણી પંચની પહેલી મોટી કાર્યવાહી
- પશ્ચિમ બંગાળામાં રાજીવ કુમારની જગ્યાએ વિવેક સહાયની ડીજીપીપદે નિમણૂક, હિમાચલ-મિઝોરમમાં જીએડી સચિવોની પણ બદલી કરાઈ
- રાજીવ કુમારને 2016ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ચૂંટણી સંબંધિત ફરજો પરથી હટાવાયા હતા
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની જાહેરાત કર્યા પછી ચૂંટણી પંચે સોમવારે મોટી કાર્યવાહી કરતાં ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવ તેમજ પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડના ગૃહ સચિવ તેમજ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવામાં આવે છે. બંગાળમાં રાજીવ કુમારની જગ્યાએ આઈપીએસ અધિકારી વિવેક સહાયની નવા ડીજીપી તરીકે નિમણૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ્સ (જીએડી)ના સચિવોને પણ હટાવી દીધા છે.
ચૂંટણી પંચે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થયાના ૪૮ કલાકમાં પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા છે. ચૂંટણી પંચે માત્ર ૩ મહિના પહેલા નિયુક્ત કરવામાં આવેલા ડીજીપીના સ્થાને નવા ડીજીપીની નિમણૂક માટે સોમવાર સાંજ સુધીમાં ત્રણ અધિકારીઓના નામ માગ્યા હતા. છેવટે ચૂંટણી પંચે વર્ષ ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી વિવેક સહાયની ડીજીપીપદ પર નિમણૂક કરી હતી. તેઓ આ પહેલાં મહાનિર્દેશક અને કમાન્ડન્ટ જનરલ (હોમગાર્ડ)ના પદ પર નિયુક્ત હતા.
રાજીવ કુમારની ગયા વર્ષે ડિસેમ્બરમાં બંગાળના ડીજીપીપદે નિમણૂક કરાઈ હતી. તેમને હાલ વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગમાં ટ્રાન્સફર કરાઈ છે. સૂત્રો મુજબ રાજીવ કુમારને અગાઉ વર્ષ ૨૦૧૬માં વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે પણ ચૂંટણી સંબંધિત ફરજોમાંથી હટાવી દેવાયા હતા. તેમને આ વખતે પર ચૂંટણી સંબંધિત ફરજોથી દૂર રખાયા છે.
ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખંડના ગૃહ સચિવોને પણ હટાવ્યા છે. આ અધિકારીઓ સંબંધિત રાજ્યોમાં મુખ્ય મંત્રીઓની ઓફિસોમાં પણ બેવડો ચાર્જ સંભાળતા હોવાથી તેમને હટાવાયા છે. ચૂંટણી પંચે કહ્યું કે રાજ્યોમાં નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમને હટાવવા જરૂરી હતા.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમયે હિતોનું ઘર્ષણ થતું હોય તેવા સમયે આ પ્રકારની કાર્યવાહી સામાન્ય બાબત છે. લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ હંમેશા રાજ્યોને ચૂંટણી સંબંધિત કામ સાથે સંકળાયેલા અધિકારીઓની ટ્રાન્સફર કરવા જણાવે છે, જેમાં એક જ સ્થળ પર ત્રણ વર્ર્ષથી વધુ સમયથી નિયુક્ત હોય અથવા તેમના ગૃહ જિલ્લાઓમાં નિયુક્ત હોય તેવા અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવે છે.
ચૂંટણી પંચે બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અધિક કમિશનરો તથા નાયબ કમિશનરોની ્રટ્રાન્સફરનો પણ આદેશ આપ્યો હતો. પરંતુ મહારાષ્ટ્ર સરકારે કેટલાક મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની ટ્રાન્સફર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચના નિર્દેશોનો અમલ કર્યો નહોતો. રાજ્યના મુખ્ય સચિવે અધિકારીઓની ટ્રાન્સફર અંગે સરકારનો વાંધો રજૂ ત્યારે ચૂંટણી પંચે બીએમસીના કમિશનર અને અન્ય અધિક તેમજ નાયબ કમિશનરોની સોમવારે સાંજ પહેલાં ટ્રાન્સફર કરવાના આદેશ આપી દીધા હતા. મુખ્ય સચિવને મહારાષ્ટ્રમાં અન્ય જગ્યાઓ પર પણ મ્યુનિસિપલ કમિશનરો અને અધિક અથવા નાયબ મ્યુનિસિપલ કમિશનરોની ટ્રાન્સફરના પણ આદેશ અપાયા હતા.
Comments
Post a Comment