અમેરિકાને CAA મુદ્દે બોલવું ભારે પડ્યું, ભારતે ઝાટકણી કાઢી કહ્યું, ‘આમા તમારી ટિપ્પણીની જરૂર નથી’
CAA Law Controversy : અમેરિકાએ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતા ભારતે વાંધો ઉઠાવી સ્પષ્ટ જવાબ આપી દીધો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, સીએએ ભારતનો આંતરિક મામલો હોવાથી તેમાં અમેરિકાની ટિપ્પણી અનિચ્છનીય અને બિનજરૂરી છે અને તેની પાસે સીએએ અંગે ખોટી માહિતી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, એક્ટના નોટિફિકેશન બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા, અમે તેનાથી સખત વાંધો છે. આ અમારો આંતરિક મામલો હોવાથી અમેરિકાએ તેમાં ટિપ્પણી ન કરવી જોઈએ.
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું ?
વિદેશ મંત્રાલયે ઘણા તથ્યો સાથે અમેરિકાને સ્પષ્ટ જવાબ પણ આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે, ‘આ એક્ટથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Afghanistan, Pakistan, Bangladesh)માં ધર્મના આધારે હેરાન થઈ રહેલા લઘુમતી હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી લોકોને શરણ આપવામાં આવશે. આ એક્ટથી તે લોકોને ભારતીય નાગરિકતા મળશે, જેઓ 2014 પહેલા ભારત આવ્યા હતા. આ કાયદો નાગરિકતા આપવા માટે લવાયો છે, તે ધ્યાન રાખવું જોઈએ. આ કાયદો તેવા લોકોને એક દેશની નાગરિકતા આપશે, જેઓ હાલ કોઈપણ દેશના નથી. આ કાયદાથી માનવ અધિકારીઓની રક્ષા થશે અને ગરિમા પણ વધશે.’
CAAઅંગે અમેરિકાએ શું કહ્યું ?
અમેરિકા (America)એ પણ CAA સામે વાંધો વ્યક્ત કર્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, "અમે 11 માર્ચે જાહેર કરાયેલી નાગરિકતા (સુધારા) કાયદાની સૂચનાથી ચિંતિત છીએ. અમે આ કાયદો કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો માટે સમાન વ્યવહાર એ લોકશાહીનો મૌલિક સિદ્ધાંત છે." ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્નાએ પણ નાગરિકતા (સુધારા) કાયદાનો વિરોધ કરતાં કહ્યું કે “હું તેનો (CAA) વિરોધ કરું છું. ઈમિગ્રેશન પ્રત્યેનો મારો અભિગમ હંમેશા બહુલવાદ તરફ રહ્યો છે.”
CAAથી પાકિસ્તાનને પણ પેટમાં દુખ્યું
પાકિસ્તાન (Pakistan)ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, CAA અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે કારણ કે તે ધર્મના નામ પર લોકોનું વિભાજન કરનારા છે. તેમણે કહ્યું કે આ નિયમો એ ખોટી ધારણા પર આધારિત છે કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે CAAની ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાનની સંસદમાં16 ડિસેમ્બર 2019 ના રોજ પણ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં CAAને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે, ભારતની અંદર લઘુમતીઓને ટાર્ગેટ નહીં કરશે અને સરકાર તે દિશામાં પગલા ભરશે.
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને પણ વાંધો
હ્યુમન રાઈટ્સ વૉચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. CAA હેઠળ આવા દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. હ્યુમન રાઈટ્સ વૉચે કહ્યું કે ભારતે CAAમાંથી એવા પડોશી દેશોને પણ બાકાત રાખ્યા છે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં છે. અહીં મ્યાનમારનો ઉલ્લેખ કરાયો હતો કે જ્યાં રોહિંગ્યા લઘુમતીમાં છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈકમિશનરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે 2019 માં જ કહ્યું હતું કે અમે ભારતના નાગરિકતા (સુધારા) કાયદો 2019 (CAA) વિશે ચિંતિત છીએ કારણ કે તે મૂળભૂત રીતે ભેદભાવ કરે છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે." સંયુક્ત રાષ્ટ્ર એ તપાસ કરી રહ્યું છે કે શું CAA ના નિયમો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા સાથે સુસંગત છે.
Comments
Post a Comment