લોકશાહી અને બંધારણ બચાવોના નારા હેઠળ આજે દેશની રાજધાનીમાં વિપક્ષની મહારેલી
- વિરોધી નેતાઓની ધરપકડ, બેરોજગારી, ખેડૂતોની માગો, મોંઘવારી, એજન્સીઓનો દુરુપયોગ સહિતના મુદ્દા રેલીમાં ઉઠાવાશે
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા કરાયેલી ધરપકડ અને કોંગ્રેસ સામે આઇટીની કાર્યવાહી વચ્ચે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજવા જઇ રહ્યું છે. કેજરીવાલના સમર્થનમાં રેલી યોજાઇ રહી હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસે કહ્યું છે કે આ કોઇ એક વ્યક્તિના સમર્થનમાં યોજાનારી રેલી નથી પણ બંધારણ અને લોકશાહીને બચાવવા માટે છે. રવિવારે યોજાનારી આ રેલીને વિપક્ષે લોકતંત્ર બચાવો રેલી નામ આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ રેલીમાં માત્ર પંજાબથી જ એક લાખથી વધુ લોકો જોડાશે.
રેલી અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરંસને સંબોધતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રેલીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તેમજ ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ સંબોધશે. કોઇ એક વ્યક્તિ સાથે સંકળાયેલી રેલી નથી અને તેથી જ અમે તેને લોકતંત્ર બચાવો રેલી નામ આપ્યું છે. જયરામે કહ્યું હતું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, બેરોજગારીનો દર ૪૫ વર્ષની ટોચે પહોંચ્યો છે. ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે, આ તમામ મુદ્દાઓને આ મહારેલીમાં ઉઠાવવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ઇડી, સીબીઆઇ, આઇટી જેવી એજન્સીઓના દુરુપયોગને પણ મુખ્ય મુદ્દામાં સામેલ કરવામાં આવશે. બે મુખ્યમંત્રી, અનેક મંત્રીઓની ધરપકડ કરાઇ છે. વડાપ્રધાન મોદી વિપક્ષને આર્થીક અને રાજકીય રીતે નબળો પાડવા માગે છે. અમે ટેક્સ ટેરેરિઝમ અને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરાયેલી ખંડણીનો મામલો પણ ઉઠાવીશું. આશરે ૨૭થી ૨૮ વર્ષો આ રેલીમાં સામેલ થશે તેમ કોંગ્રેસે કહ્યું હતું. જ્યારે આપ શાસિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે હું અને પંજાબના મંત્રીઓ આ મહારેલીમાં સામેલ થઇશું.
પંજાબના આપ યુનિટના પ્રમુખ બુધ રામે કહ્યું હતું કે અમે માત્ર પંજાબમાંથી સવા લાખ લોકોને રામલીલા મેદાનની રેલમાં સામેલ કરવાનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડને પગલે લોકોમાં ગુસ્સો છે, અને તેઓ આ રેલીમાં ભાગ લેવા માટે આતુર છે. દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કેજરીવાલે અનેક કામ કરીને મોટુ ઉદાહરણ પુરુ પાડયું છે.
લોકસભામાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે : ભાજપ
વિપક્ષની મહારેલીની જાહેરાત વચ્ચે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો. દિલ્હીમાં પ્રેસ કોન્ફરંસ સંબોધતા ભાજપના પ્રવક્તા સૈયદ ઝફરે કહ્યું હતું કે કોંગ્રેસ આ રેલી યોજીને આઇટીને ડરાવવા માગે છે. જોકે જનતા તેનો જવાબ આપશે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ડબલ આંકડામાં બેઠકો મેળવી હતી. જોકે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સિંગલ આંકડામાં એટલે કે ૯થી પણ ઓછી બેઠકો મેળવશે. કોંગ્રેસના કૌભાંડોને કારણે તેની સામે એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ કોંગ્રેસ લોકોને આઇટીની કાર્યવાહી મુદ્દે ગેરમાર્ગે દોરી રહી છે.
Comments
Post a Comment