150થી વધુ ખ્રિસ્તોઓનો ભોગ લીધો : રશિયાને ઈસ્લામિક સ્ટેટે ઘમરોળ્યું


- 20 વર્ષમાં સૌથી મોટા આતંકી હુમલાના પગલે સમગ્ર રશિયામાં એલર્ટ, આજે રાષ્ટ્રીય શોક જાહેર

- ચાર હુમલાખોર સહિત 11 આતંકી ઝડપાયા, રૂ. 4.52 લાખની લાલચ અપાયાનો આતંકીનો દાવો : 200થી વધુ ઘાયલ, મૃત્યુઆંક વધવાની આશંકા

- રશિયાના લોકપ્રિય બેન્ડ 'પિકનિક'ના કાર્યક્રમમાં 6,200 લોકો હાજર હતા, હુમલાથી વિશ્વ સ્તબ્ધ

મોસ્કો : રશિયાની રાજધાની મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન શુક્રવારે રાતે બે દાયકાના સૌથી ભયાનક આતંકી હુમલામાં મૃત્યુઆંક ૧૫૦થી વધુ થઈ ગયો છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિન્સે કહ્યું કે, તેણે મોસ્કોની બહાર એક હોલમાં ખ્રિસ્તીઓને મોટી સંખ્યામાં મારી નાંખ્યા છે. સુરક્ષા એજન્સીઓએ ચારેય હુમલાખોર સહિત ૧૧ આતંકીઓની ધરપકડ કરી છે. આ સિવાય અનેક શકમંદોની અટકાયત કરાઈ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને આ હુમલામાં યુક્રેનની સંડોવણીનો આક્ષેપ કર્યો છે અને રવિવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. અમેરિકાએ પણ દાવો કર્યો હતો કે તેણે હુમલા અંગે રશિયાને ચેતવણી આપી હતી, પરંતુ તેણે ધ્યાનમાં લીધી નહીં.

મોસ્કો નજીક ૧૬,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતાવાળા ક્રોકસ સિટી હોલમાં શુક્રવારે રાતે રશિયન બેન્ડ પિકનીકની કોન્સર્ટ હતી. આ કાર્યક્રમ જોવા માટે ૬,૨૦૦થી વધુ લોકો હોલમાં હાજર હતા. આ કાર્યક્રમ ચાલુ હતો ત્યારે રશિયન સૈન્યના ડ્રેસમાં ઈસ્લામિક સ્ટેટ-ખુરાસન (આઈએસ)ના ચાર હુમલાખોરોએ ઓટોમેટિક ગનથી પ્રેક્ષકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને વિસ્ફોટો કર્યા હતા, જેના કારણે હોલમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

વ્લાદિમિર પુતિને પાંચમી વખત રશિયાના વડા તરીકે સત્તા પર તેની પક્ડ મજબૂત કર્યાના થોડાક જ દિવસ પછી આ હુમલો થયો છે. આ હુમલા પછી રશિયન એજન્સીઓ અને અનેક નેતાઓએ હુમલાના તાર યુક્રેન સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો હતો. જોકે, ઈસ્લામિક સ્ટેટ-ખુરાસને હુમલાની જવાબદારી લેતા ટેલિગ્રામ પર કહ્યું હતું કે, તેણે  મોસ્કોની નજીક એક કાર્યક્રમ દરમિયાન ખ્રિસ્તીઓની ભીડને મારી નાંખી છે. હુમલાખોરો રશિયન સૈન્યના ડ્રેસમાં ક્રોકસ સિટી હોલમાં ઘૂસ્યા હતા, જેથી હુમલો યુક્રેન સાથે યુદ્ધના થાક-કંટાળાથી સૈનિકોએ કર્યો હોવાનો આભાસ ઊભો કરાયો હતો. આતંકીઓએ પહેલાં ભીડ પર ગોળીબાર કર્યો અને પછી બોમ્બ ફેંક્યા હતા. ઈસ્લામિક સ્ટેટ ખુરાસને દાવો કર્યો તો કે તે બે વર્ષથી રશિયા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું, જેમાં તેને અંતે શુક્રવારે સફળતા મળી હતી.

રશિયાની સુરક્ષા એજન્સીઓએ ચાર હુમલાખોરો સહિત ૧૧ આતંકીઓની ધરપકડ કરી હતી. સુરક્ષા એજન્સીઓએ એક આતંકીનો વીડિયો પણ જારી કર્યો હતો, જેમાં તે કહેતો જોવા મળે છે કે તેમને હુમલા માટે ૫,૦૦,૦૦૦ રુબલ (અંદાજે રૂ. ૪.૫૨ લાખ)નું વળતર આપવાનું વચન અપાયું હતું. મેં નાણાં માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની હત્યા કરી હતી. મને અડધા નાણાં કાર્ડમાં ટ્રાન્સફર કરાયા હતા અને બાકીના પાછળથી મળવાના હતા. જોકે, સુરક્ષા અધિકારીઓથી બચીને ભાગવાનો પ્રયત્ન કરતી વખતે મારું કાર્ડ ક્યાંક પડી ગયું છે. રશિયન તપાસ સમિતિએ કહ્યું કે,  ચારેય હુમલાખોરોની પશ્ચિમી રશિયાના બ્રોન્સ્ક વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. તેઓ હુમલો કર્યા પછી યુક્રેન ભાગી જવાની ફિરાકમાં હતા. આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાની શંકા છે. આ હુમલાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં આગ ઈમારતની બહાર નીકળીને આકાશને આંબતી જોવા મળતી હતી. હુમલા પછી અગ્નિશમન દળની અનેક ગાડીઓ, એમ્બ્યુલન્સ અને અન્ય ઈમર્જન્સી વાહનો સ્થળ પર પહોંચી ગયા હોવાનું વીડિયોમાં જોવા મળતું હતું. રાહત અને બચાવ ટૂકડીએ અંદાજે ૧૦૦થી વધુ લોકોને ઈમારતમાંથી બહાર કાઢી બચાવી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પુતિન પાંચમી વખત પ્રમુખ બન્યાના એક જ સપ્તાહમાં હુમલો થયો

આતંકીઓ હુમલા પછી યુક્રેન ભાગવાની ફિરાકમાં હતા : પુતિન

- હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી : યુક્રેનનો બચાવ હુમલાની માહિતી આપી હતી : અમેરિકાનો દાવો

મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં શુક્રવારે રાતે ઈસ્લામિક સ્ટેટ-ખુરાસનના આતંકી હુમલા પછી શનિવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું હતું કે, આ હુમલા પાછળ જે લોકો હશે તેમને છોડવામાં નહીં આવે. વધુમાં પુતિને હુમલા પાછળ યુક્રેનની સંડોવણીના સંકેત આપ્યા હતા.

પુતિને રશિયામાં સતત પાંચમી વખત સત્તા પર કબજો જમાવ્યાના એક સપ્તાહમાં જ મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં છેલ્લા બે દાયકામાં સૌથી ભયાનક આતંકી હુમલો થયો હતો. આ હુમલાની ટીકા કરતા પ્રમુખ પુતિને રવિવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, અનેક નિર્દોષ લોકો ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલાનો ભોગ બન્યા છે. મને ખાતરી છે કે ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલાના પીડિતોને બચાવવા માટે ડૉક્ટરો બનતા બધા જ પ્રયત્નો કરશે. આ હુમલા પાછળ જે પણ લોકો હશે તેમને અમે છોડીશું નહીં. તેમને આકરી સજા કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો યુક્રેન ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવાઈ છે. આ હુમલામાં યુક્રેનની સંડોવણી હોવાની પણ આશંકા છે. હુમલાખોરો યુક્રેનમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા.

જોકે, યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે તેમની સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, યુક્રેને ક્યારેય પણ આતંકવાદી રીતનો ઉપયોગ કર્યો નથી. આ યુદ્ધમાં બધું જ મેદાન પર થશે. અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ પણ દાવો કર્યો હતો કે તેમણે આ હુમલા અંગે રશિયાને અગાઉથી ચેતવણી આપી હતી. પરંતુ તેમણે તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. અમેરિકાએ પણ આ હુમલા માટે ઈસ્લામિક સ્ટેટને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકન ગુપ્તચર અધિકારીએ કહ્યું કે, અમને મોસ્કોમાં હુમલા અંગે થોડાક દિવસ પહેલા ઈનપુટ્સ મળ્યા હતા, જે અમે રશિયન અધિકારીઓને આપ્યા હતા. જોકે, અમેરિકાની આ ચેતવણીને રશિયન પ્રમુખ પુતિને તેમને ડરાવવાનું ગતકડું ગણ્યું હતું. આ સમાચાર બહાર આવતાં રશિયનોમાં પુતિન પ્રત્યે આક્રોશ ફેલાયો છે.

સીરિયામાં પ્રમુખ બશરને રશિયાના સમર્થનથી પણ નારાજ

અત્યંત ધર્માંધ આઈએસઆઈએસ ખોરાસન રશિયાનું કટ્ટર દુશ્મન

રશિયામાં ૨૦ વર્ષમાં સૌથી ભયાનક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખોરાસને લીધી છે. પહેલાં સીરિયા અને મધ્ય-પૂર્વમાં કેન્દ્રીત આ આતંકી સંગઠને હવે રશિયાને પણ નિશાન બનાવ્યું છે. આ આતંકી સંગઠન ઇસ્લામિક-સ્ટેટ ઓફઈરાક એન્ડ સીરીયાની (ખિલાફત)ની રચના માટે આતુર છે. ઈસ્લામિક સ્ટેટનું ખોરાસન એકમ અફઘાનિસ્તાન, મધ્ય એશિયાના તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઉત્તર-પૂર્વ ઈરાનના પર્વતીય પ્રદેશો સુધી વિસ્તર્યું છે. ઈસ્લામિક સ્ટેટ ખોરાસન રશિયાનું કટ્ટર દુશ્મન બન્યું છે, જેનું કારણ સીરિયામાં પ્રમુખ બશરના શાસનને રશિયાનું સમર્થન છે. સીરિયામાં પ્રમુખ બશરના શાસનને ટકાવી રાખવા માટે રશિયાએ તેના સૈનિકો મોકલ્યા છે. આ કારણથી છેલ્લા બે વર્ષથી આઈએસ-ખોરાસને રશિયા પર તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વધુમાં આ આતંકી સંગઠન મુજબ રશિયા મુસ્લિમો પર અત્યાચાર કરે છે. રશિયા એક ખ્રિસ્તી દેશ છે. આથી જ ક્રોકસ સિટી હોલમાં હુમલા પછી ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, તેણે ખ્રિસ્તીઓની ભીડ પર હુમલો કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો