...અંતે પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો


- લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં મોદી સરકારની દેશવાસીઓને ભેટ

- દેશમાં 23 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા : રાજસ્થાન સરકારે વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો : કેન્દ્ર ગયા સપ્તાહે રાંધણ ગેસના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો

- દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 50-72 ટકા વધ્યા છે ત્યારે ભારતમાં ભાવ સ્થિર રહ્યા હતા : હરદીપ પુરી

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે એવા સમયે લગભગ બે વર્ષ સુધી ઈંધણના ભાવ સ્થિર રખાયા પછી અંતે ગુરુવારે રાતે મોદી સરકારે દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. બેના ઘટાડાની ભેટ આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરેલો ઘટાડો શુક્રવારે સવારે ૬.૦૦ વાગ્યાથી અમલમાં આવશે તેમ ઓઈલ મંત્રાલયે ગુરુવારે રાતે જણાવ્યું હતું. નોંધનીય છે કે પીએમ મોદીના અધ્યક્ષપદે પેનલ સમિતિ દ્વારા ગુરુવારે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂકના પગલે શુક્રવારે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકારે એક દાયકા પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેનું નિયંત્રણ હટાવી દીધું હતું અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવને અનુરૂપ સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, દેશમાં છેલ્લા ૨૩ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયા નહોતા. 

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગુરુવારે એક્સ પોસ્ટ પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી, જે મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૨ થશે, જે હાલમાં પ્રતિ લીટર રૂ. ૯૬.૭૨ છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૨ થશે જે હાલમાં પ્રતિ લીટર રૂ. ૮૯.૬૨ છે. રાજ્યોમાં સ્થાનિક કરના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત રહેશે. દેશના ચાર મેટ્રોમાં ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટ સૌથી વધુ છે જ્યારે દિલ્હીમાં સૌથી ઓછો છે. સરકારી ઓઈલ કંપનીઓએ ભાવ વધારવાની સાથે રાજસ્થાન સરકારે વેટમાં બે ટકાનો ઘટાડો જાહેર કર્યો છે.

ચૂંટણી પંચ શુક્રવારે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે તેવી સંભાવનાઓ છે ત્યારે કેન્દ્ર સરકારે મતદારોને આકર્ષવા માટે દેશ ચૂંટણી મોડમાં જાય તે પહેલાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો હોવાનું માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે રાંધણ ગેસ એલપીજીના ૧૪.૨ કિલોના પ્રતિ સિલિન્ડર પર રૂ. ૧૦૦નો ઘટાડો જાહેર કર્યાના એક સપ્તાહ પછી હવે પેટ્રોલ અને ડીઝલમાં પણ ઘટાડો કરાયો છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦થી ૭૨ ટકાનો વધારો થયો છે અને આપણી આજુબાજુના અનેક દેશોમાં પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું છે ત્યારે પણ વર્ષ ૧૯૭૩ પછી આવેલા ૫૦ વર્ષના સૌથી મોટા ક્રૂડ ઓઈલ સંકટ છતાં પીએમ મોદીની દુરંદેશી અને સહજ નેતૃત્વના કારણે મોદીના પરિવાર પર આંચ આવી નથી. ભારતમાં પેટ્રોલના ભાવ વધવાના બદલે અઢી વર્ષમાં ૪.૬૫ ટકા ઘટયા છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વધુમાં લખ્યું કે, ભારતમાં ઈંધણનો સપ્લાય સતત ચાલુ રહે, રસ્તા ભાવ જળવાઈ રહે અને આપણા પગલાં અવિરત હરિત ઊર્જા તરફ પણ વધતા રહે. એટલે કે ભારતે એનર્જી, અવેલેબિલિટી, અફોર્ડેબિલિટી અને સસ્ટેનેબિલિટી જાળળી રાખ્યા છે. વર્તમાન સમયમાં ભારત એકમાત્ર એવો દેશ હતો જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના બદલે ઘટયા છે. અમે જ્યાંથી પણ મળ્યું દેશવાસીઓ માટે ક્રૂડ ખરીદ્યું.

પીએમ મોદીના વડાપ્રધાન બનતા પહેલાં ભારત ૨૭ દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હતું, પરંતુ તેમના નેતૃત્વમાં દેશવાસીઓને સસ્તું પેટ્રોલ, ડીઝલ અને ગેસ પહોંચાડવા માટે આ દાયરો વધારીને હવે આપણે ૩૯ દેશો પાસેથી મોદી પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ.

અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ રૂ. 93.50, ડીઝલનો રૂ. 89.50

અમદાવાદમાં ગુરુવારે મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઢી રૂપિયા જેટલો ઘટાડો થઇ ગયો છે. જેના પગલે પેટ્રોલ રૂપિયા ૯૬.૫૦ અંદાજે રૂપિયા ૯૩.૫૦ પ્રતિ  લીટર જ્યારે ડીઝલ રૂપિયા ૯૨ને સ્થાને અંદાજે રૂપિયા ૮૯.૫૦માં મળતું થઇ જશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે