ભાજપે છ વખતના સાંસદનું કાપ્યુ પત્તું, બેફામ નિવેદનો આપતા નેતાઓને પણ આપી દીધો સ્પષ્ટ સંદેશ


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે ત્યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે તેમજ એક પછી એક ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી રહી છે. ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદીમાં 111 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં ઘણા નવા ચહેરાને તક મળી છે તો કેટલાકના પત્તા પણ કપાયા છે. આ લિસ્ટમાં કર્ણાટકના છ વખતના સાંસદનું પણ પત્તું કપાય ગયું છે. તેઓ તેમના બંધારણ બદલવાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા ત્યારે હવે ભાજપે તેમની જગ્યાએ અન્ય ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભાજપે ફાયરબ્રાન્ડ નેતાની ટિકિટ કાપી

ભાજપે આ વખતે કાર્ણાટકથી પોતાના ફાયરબ્રાન્ડ નેતા અનંત હેગડેને ટિકિટ આપી નથી. હેગડે છ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, જો કે તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પાર્ટીએ ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ કરી છે જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. આ સાથે જ પક્ષે વિવાદિત નિવેદનો અને બંધારણ બદલવાની વાતો કરતા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. નોંધનીય છે કે હેગડે અનેક પ્રસંગોએ બંધારણ બદલવાની વાતો કરતા હતા. 

અનંત હેગડેનો વિવાદો સાથે છે સંબંધ 

અનંત કુમાર હેગડે છેલ્લા 28 વર્ષથી ઉત્તરા કન્નડ લોકસભા સીટ પરથી જીતી રહ્યા છે. તેઓ છ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમાંથી ચાર વખત સતત ચૂંટણી જીત્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. હેગડે ઘણીવાર એવા નિવેદનો આપે છે જેના કારણે વિવાદ સર્જાય છે. તાજેતરમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપનો 400નો ટાર્ગેટ છે કારણ કે બંધારણ બદલવું એ અમારું લક્ષ્ય છે. એક સભામાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે બંધારણ હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે છે, તેથી તેને ફરીથી લખવાની જરૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમાં બિનજરૂરી વસ્તુઓ બળજબરીથી ભરી છે જેના કારણે બંધારણ તેના મૂળ સ્વરૂપથી વિકૃત થઈ ગયું છે. કોંગ્રેસે એવો કાયદો બનાવ્યો છે જેમાં હિન્દુ સમાજને દબાવવામાં આવે છે. જો આ બધું બદલવું હોય તો હાલની બહુમતી સાથે તે શક્ય નથી, તેથી અમને 400 બેઠકોની જરૂર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો